ભારત-મ્યાંમાર વચ્ચે આવેલી 1,643 કિ.મી. લાંબી સરહદ શસ્ત્ર, સરંજામ અને કેફી દ્રવ્યોની દાણચોરી માટે જાણીતી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રૂપિયા 31,000 કરોડના ખર્ચે સરહદે વાડ ઊભી થશે.
મંગળવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે સરહદે 30 કિ.મી.ની સરહદમાં વાડ ઊભી કરવાનું કામ પૂરું થયું છે. તેમનું માનવું છે કે મણિપુરમાં ચાલી રહેલી હિંસાના મૂળમાં ખુલ્લી સરહદો છે. સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ ભારત-મ્યાંમાર વચ્ચેની 1,643 કિ.મી. લાંબી સરહદે રૂપિયા 31,000 કરોડના ખર્ચે વાડ ઊભી કરવા સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. હાલમાં મોરેહ નજીક 10 કિ.મી.ની સરહદે વાડ ઊભી કરવાની કામગીરી પૂરી થઈ છે. અન્યત્ર 21 કિ.મી. સરહદમાં વાડ ઊભી કરવાની કામગીરી ચાલી રહી છે. ભારત- મ્યાંમાર સરહદ મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને અરુણાચલ રાજ્યોને સ્પર્ષે છે. કેન્દ્ર સરકારે ભારત-મ્યાંમાર સરહદે ફ્રી મૂવમેન્ટ રિજાઇમ (છૂટથી અવરજવર)ની જોગવાઈ ખતમ કરી દીધી છે. ભૂતકાળમાં આ જોગવાઈ હેઠળ સરહદ નજીક 16 કિ.મી. વિસ્તારમાં રહેતા લોકો સામેના દેશની સરહદમાં કોઈ દસ્તાવેજો વિના જ અવર જવર કરી શકતા હતા.ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી મુજબ 2018માં છૂટથી સરહદપાર અવર જવર શરૂ થઈ હતી.
કેન્દ્રીય ગૃહપ્રધાન નિયમિતપણે મણિપુરની સ્થિતિની સમીક્ષા કરીને જરૂરી પગલાં લેતા રહ્યા છે.
અશાંતિનો સામનો કરી રહેલા મણિપુરમાં સીઆરપીએફની બે બટાલિયન પણ તૈનાત છે. કેન્દ્રીય પોલીસ દળોની 200 કંપની ( એક કંપનીમાં 100 જવાન) પણ મણિપુરમાં તૈનાત છે.
જનતાને યોગ્ય ભાવે જીવન જરૂરી ચીજવસ્તુ મળી રહે તે હેતુસર મણિપુર સરકારે 25 મોબાઇલ વાનમાં ફરતી દુકાનો શરૂ કરી છે. મણિપુરના તમામ જિલ્લામાં આવી મોબાઇલ દુકાનો કાર્યરત છે.


