પાડોશી દેશ એવા પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં જમીન વિવાદને લઈ શિયા-સુન્ની સમુદાય વચ્ચે ઘણા દિવસોથી ચાલતા ઘર્ષણમાં ઓછામાં ઓછા 25 લોકોનાં મોત થયા છે. તંત્રએ આ અંગે જણાવ્યું કે, અફઘાનિસ્તાન સરહદ પાસે ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના કુર્રમ જિલ્લામાં ગત અઠવાડિયાના અંતમાં શરૂ થયેલા ઘર્ષમાં બુધવારે પણ ચાલુ રહ્યા હતા. શનિવારથી શરૂ થયેલી બબાલમાં બંને પક્ષના ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આ મુદ્દાને લઈ વિવાદ થયો
તાજેતરના વર્ષોમાં પાકિસ્તાનમાં આવેલો કુર્રમ જિલ્લો હિંસાનું કેન્દ્ર રહ્યો છે. મળતી માહિતી અનુસાર, દેશના અશાંત ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં જમીન વિવાદને કોમી વિવાદમાં તબદિલ થતું રોકવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આ ક્ષેત્રમાં બંને પક્ષોના હિંસક જૂથ પણ સક્રિય છે. પ્રાંતીય સરકાર તરફથી અપાયેલા નિવેદનમાં કહેવાયું કે, કબાયલી વૃદ્ધોની મદદથી તણાવ ઓછો કકરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કુર્રમ જિલ્લામાં શાંતિ વાર્તા પછી બંને પક્ષ કોઈપણ પ્રકારની હિંસા ન કરવા સહમત થયા હતા.
અગાઉ પણ થઈ છે હિંસા
સુન્ની બહુમતી ધરાવતા પાકિસ્તાનની 24 કરોડની વસ્તીમાં આશરે 15 ટકા શિયા મુસલમાન છે. બંને સમુદાયો વચ્ચે ઘણા સમયથી તણાવ રહ્યો છે. આમ તો બંને સમુદાયના લોકો દેશમાં ઘણે હદ સુધી શાંતિપૂર્ણ રીતે રહે છે છતાં કેટલાક વિસ્તારોમાં ખાસ કરી કુર્રમ જિલ્લાના કેટલાક ક્ષેત્રોમાં તેઓના વચ્ચે દાયકાઓથી તણાવ જોવા મળે છે. શિયા સમુદાયનું પ્રભુત્વ છે. આ વર્ષે જુલાઈમાં પણ જમીન વિવાદને લઈ બંને પક્ષોના ઘણા લોકોનાં મોત થયા હતા.
બંને પક્ષ વચ્ચે થયો હતો કરાર
જુલાઈ મહિનામાં હિંસાને શાંત પાડવા માટે કુર્રમ જિલ્લામાં હિંસક ઘર્ષણોમાં સંડેવાયેલી જનજાતિઓએ શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કરાર હેઠળ બંને તરફથી જાહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા સરકારની સાથે સહયોગ કરવા સહમતી બની હતી. કરાર અનુસાર, શાંતિ કરારનો ભંગ કરનાર પક્ષને 12 કરોડ રૂપિયા સુધીનો દંડ ચુકવવાનો રહેશે.


