- સુગર મિલ ફરીથી થશે શરૂ
- તાપીના વ્યારાની સુગર મિલ થશે શરૂ
- દશેરાના દિવસે બોઈલર શરૂ કરાયું
દશેરાના શુભ દિવસે દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો માટે મોટી ખુશીના સમાચાર સામે આવ્યા છે. 18 વર્ષ બાદ ફરીથી તાપીના વ્યારાની સુગર મિલ શરૂ થવા જઈ રહી છે. આ મિલમાં વાર્ષિક 4 લાખ ટન શેરડીનું પિલાણ થશે.
દશેરાનો દિવસ શુભ દિવસ કહેવાય છે. ઘણા કાર્યો અને પ્રોજેક્ટ્સ માટે મંગલકારી દિવસ ગણાતો હોઈ લોકો પોતાના નવા કાર્યો માટે દશેરાનો દિવસ પસંદ કરતા હોય છે. આવા જ એક શુભ પ્રસંગ માટે દશેરાનો આજનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો. આ દિવસ દક્ષિણ ગુજરાતના ખાસ શેરડી પકવતા ખેડૂતો માટે મોટી રાહતનો દિવસ બને તેવું કામ આજે થયું છે. હકીકતે છેલ્લા 18 વર્ષથી બંધ હાલતમાં પડેલી વ્યારાની સુગર મિલના ચક્રો ફરીથી શરૂ થવાના સમાચાર સામે આવ્યા છે. અહીં માહિતી પ્રમાણે વાર્ષિક 4 લાખ ટન શેરડીનું પિલાણ થશે અને તેનાથી ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થાય તેવી શક્યતાઓ છે.
આજે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ ખાતાના રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે સુગર મિલના બોઈલરને ફરીથી ચાલુ કરાયું હતું. જેનાથી આ એક પ્રતીકાત્મક શરૂઆત થઈ ગણાય. નવી માહિતી પ્રમાણે આગામી 10 નવેમ્બરથી શેરડીનું રેગ્યુલર પિલાણ ફરીથી આ સુગર મિલ ખાતે શરૂ થવાનું આયોજન છે. તેનાથી શેરડી પકવતા ખેડૂતોને તેમના પાકના ઊંચા ભાવ મળી શકશે અને આમ તેમને પણ આર્થિક ફાયદો થશે.
કોઈ પણ ઉદ્યોગ કોઈ એક ક્ષેત્રમાં સ્થાપિત થાય તો તે પંથકમાં આ ઉદ્યોગને લગતી બીજી અન્ય ઘણી કારકિર્દીઓમાં રોજગારના દ્વાર ખુલતા હોય છે. છેલ્લા 18 વર્ષથી બંધ તાપીના ખેડૂતોના જીવાદોરી જેવા આ સુગર મિલના ફરી ચાલુ થવાથી અહીં મિલ સહિત આ ક્ષેત્રને સંલગ્ન અનેક નવા રોજગારના અવસરો ખુલી શકે છે જેનાથી સ્થાનિક યુવાનોને પણ સારી માત્રામાં રોજગારી મળવાનો સંભવ છે. આમ ખેડૂતો અને યુવાનો બંનેને આ સુગર મિલના શરૂ થવાથી આર્થિક ફાયદો મળે તેવી શક્યતાઓ છે.


