પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં અમેરિકાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના મોરચે કડક વલણ અપનાવ્યું છે. અનેકના પ્રવેશ વિઝા રદ કરી દીધા છે તો કેટલાકને દેશ છોડવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.
આ વધતી જતી કાર્યવાહીએ અમેરિકન કોલેજોને ચિંતિત કરી દીધી છે અને અમેરિકાની અનેક યુનિવર્સિટીઝ દ્વારા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન પર વિદેશી વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવા માટે અસ્પષ્ટ ઔચિત્ય અને નવી વ્યૂહરચનાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. એક રિપોર્ટ અનુસાર અમેરિકન અધિકારીઓ યુનિ.ને નજરઅંદાજ કરીને સ્ટુડન્ટ્સનો રેકોર્ડ ભૂંસી રહ્યા છે. પોતાના નિરંતર પ્રયાસોમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને અનેક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા રદ કરી દીધા હતાં અથવા તો તેમને તત્કાળ દેશ છોડી જવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો. જ્યારે કેટલાક સ્ટુડન્ટ્સને તો સામાન્ય અપરાધો માટે નિશાન બનાવવામા આવ્યા છે.
અધિકારીઓએ વિઝા રદ કરવાની યુનિ.ને પણ જાણ કરી નહીં
મૈનકાટોમાં મિનેસોટા સ્ટેટ યુનિવર્સિટીના અધ્યક્ષ એડવર્ડ ઇંચે જણાવ્યું હતું કે પાંચ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશ વિઝા રદ કરી દેવાયા હતાં. કોલેજના અધિકારીઓને મિનિયાપોલિસમાં મિનેસોટા યુનિવર્સિટીમાં એક તુર્કી સ્ટન્ટની ધરપકડ કરાયા બાદ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના ડેટાબેઝની સ્થિતિની તપાસ કરાયા બાદ તેની જાણ થઈ હતી. ઇંચે મીડિયાને જણાવ્યું હતું કે આ પરેશાન કરનારો સમય છે અને આ સ્થિતિ એવી નથી કે જેનો અમે અગાઉ પણ સામનો કર્યો હોય.
અનેક યુનિ.ના સ્ટુડન્ટ્સને કડવો અનુભવ :
અમેરિકન મીડિયા રિપોર્ટ અનુસાર એરિઝોના સ્ટેટ, કોર્નેલ, નોર્થ કેરોલિના સ્ટેટ, યુનિવર્સિટી ઓફ ઓરેગન તથા યુનિવર્સિટી ઓફ ટેક્સાસ સહિત વિભિન્ન સંસ્થાઓના સ્ટુડન્ટ્સે કોઈ પણ જાતની આગવી ચેતવણી વગર જ પોતાનો કાનૂની દરજ્જો ગુમાવી દીધો હતો.


