ગુરુવારે વહેલી સવારથી જ પાકિસ્તાનના લાહોરમાં ડ્રોન હુમલો થયો છે. આ હુમલો પાકિસ્તાન આર્મીના એર ડિફેન્સ યુનિટ પર થયો હતો. આ હુમલામાં પાકિસ્તાની સેનાના 4 સૈનિકોના મોત થયા છે. મૃતકોમાં લેફ્ટનન્ટ કર્નલના રેન્ક સુધીના એક અધિકારીનો પણ સમાવેશ થાય છે. આ ડ્રોન હુમલામાં માર્યા ગયેલા લોકોના નામ હવાલદાર નવીદ, સિપાહી દાર મોહમ્મદ, લેફ્ટનન્ટ અબ્દુલ્લા અને લેફ્ટનન્ટ કર્નલ આમિરનો સમાવેશ થાય છે.
12 શહેરોમાં ડ્રોન હુમલા થયા હોવાનનો પાકિસ્તાનનો દાવો
પાકિસ્તાનના લાહોર ઉપરાંત અન્ય ઘણા શહેરો પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા કરાચી, રાવલપિંડી, સિયાલકોટ, ઉમરકોટ, ગુજરાંવાલા, ચકવાલ, ઘોટકી, અટોક, નરવાલ, ચોર અને શેખુપુરામાં થયા છે. પાકિસ્તાનનો દાવો છે કે 12 શહેરોમાં ડ્રોન હુમલા થયા છે. પાકિસ્તાને કહ્યું છે કે તેણે 25 ડ્રોન તોડી પાડ્યા છે. આ દરમિયાન, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે એક ઈમરજન્સી બેઠકની અધ્યક્ષતા કરી છે.
જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યોના મોત
પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે જણાવ્યું હતું કે દેશના સશસ્ત્ર દળોને ભારતીય સૈન્ય હુમલામાં નિર્દોષ પાકિસ્તાની લોકોના મોતનો બદલો લેવા માટે તેમની પસંદગીના સમય, સ્થળ અને રીતે બદલો લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે વહેલી સવારે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં 9 આતંકવાદી લોન્ચ પેડ પર મિસાઈલ હુમલા કર્યા હતા. પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે મધ્યરાત્રિ પછી પંજાબ પ્રાંત અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના શહેરોમાં LOC પર મિસાઈલ હુમલા અને ગોળીબારમાં 31 લોકો માર્યા ગયા છે અને 57 અન્ય ઘાયલ થયા છે. બહાવલપુરમાં સંગઠનના મુખ્યાલય પર થયેલા હુમલામાં જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યો અને 4 નજીકના સહયોગીઓ માર્યા ગયા હતા.


