લાંબા સમયથી રાહ જોવાતી ક્ષણ આખરે અયોધ્યામાં આવી ગઈ છે, જ્યારે રામ મંદિરની ટોચ પર પવિત્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. ભવ્ય મંદિરનું બાંધકામ હવે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે, અને આજે, કેસરી તેજથી ઝળહળતો પવિત્ર ધ્વજ તેની ટોચ પર ફરકાવવામાં આવ્યો છે. રામ મંદિર પરનો આ ધાર્મિક ધ્વજ ફક્ત શ્રદ્ધાનું પ્રતીક નથી, પરંતુ સદીઓથી અયોધ્યા દ્વારા જાળવી રાખવામાં આવતી ગૌરવ અને સમૃદ્ધ પરંપરાનું પ્રતીક પણ છે. ચાલો જાણીએ કે રામ મંદિરનો સાચો માલિક કોણ છે અને અહીં આવતા બધા પૈસા કોને મળે છે.
કોણ છે રામ મંદિરનો માલિક?
અયોધ્યામાં રામ મંદિર ફક્ત શ્રદ્ધાનું કેન્દ્ર નથી, પરંતુ કરોડો ભક્તોના વિશ્વાસ અને દાન માટેનું સૌથી મોટું તીર્થસ્થળ પણ બની ગયું છે. પરંતુ આ વિશાળ મંદિરનો કાયદેસર માલિક કોણ છે, તેની સંભાળ કોણ રાખે છે અને અહીં આવતા અબજો રૂપિયા આખરે કોની પાસે જાય છે, આ પ્રશ્નોના જવાબ જાણવામાં લોકોને ઈન્ટરેસ્ટ રહ્યો છે.
સુપ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસિક ચુકાદામાં, રામમંદિરની વિવાદીત જમીનના અસલી કાયદેસરના માલિક ભગવાન રામના બાળ સ્વરૂપ રામલલ્લાને માન્યા છે. કોર્ટે વિગતવાર સુનાવણી પછી આ નિર્ણય સંભળાવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે આ જમીન સદીઓથી રામ લલ્લાના વારસાનો ભાગ રહી છે. જેથી રામલલ્લા કાયદેસર માલિક છે. કાયદેસર માલિક ભલે રામ લલ્લા હોય પરંતુ મંદિરની જાળવણી અને બાંધકામની સંપૂર્ણ જવાબદારી ફેબ્રુઆરી 2020માં ભારત સરકાર દ્વારા રચાયેલી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના હાથમાં છે. આ ટ્રસ્ટ મંદિરના સંચાલનથી લઈને દાનના સંચાલન સુધીના દરેક કાર્યનું ધ્યાન રાખે છે.
કોની પાસે જાય છે તમામ પૈસા?
રામ મંદિર માટે દરેક નાનું કે મોટું દાન સીધું ટ્રસ્ટના બેંક ખાતામાં જમા થાય છે. દાતાઓમાં સામાન્ય ભક્તોથી લઈને મોટા કોર્પોરેશનો સુધીનો સમાવેશ થાય છે. કેટલાક સીધા રોકડમાં દાન કરે છે, જ્યારે કેટલાક સોના-ચાંદી જેવી કિંમતી વસ્તુઓનું દાન કરે છે. આ દાન ખૂબ જ પારદર્શક રીતે નોંધવામાં આવે છે. મંદિર સંકુલમાં ઘણા દાન કાઉન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યાં રસીદો આપવામાં આવે છે. દાન પેટીઓમાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓ અને ટ્રસ્ટના સભ્યોની સંયુક્ત દેખરેખ હેઠળ થાય છે.
દાનના દરેક પૈસાનો હિસાબ
માર્ચ ૨૦૨૩ સુધીમાં, ટ્રસ્ટ પાસે વિવિધ બેંક ખાતાઓમાં ૩,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમ જમા હતી. જેમાંથી, મંદિરના નિર્માણમાં ૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમ ખર્ચવામાં આવી છે. બાકીના ફંડનો ઉપયોગ મંદિરની જાળવણી, સુરક્ષા વ્યવસ્થા, ભવિષ્યના વિસ્તરણ અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવી રહ્યો છે. ટ્રસ્ટે તરફથી સતત એ વાત જાણાવવામાં આવી છે કે દાનમાં મળેલા દરેક રૂપિયાનો યોગ્ય ઉપયોગ થાય છે અને બધા વ્યવહારો રેકોર્ડ કરવામાં આવે છે. એકંદરે, એવું કહી શકાય કે મંદિર કાયદેસર રીતે રામલલ્લાનું છે. પરંતુ તેની દેખરેખ, વિકાસ અને નાણાકીય વ્યવસ્થાપન સંપૂર્ણપણે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના હાથમાં છે.


