અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં હાથીજણ સર્કલથી દહેગામ સર્કલ સુધીના સરદાર પટેલ રીંગ રોડ (એસપી રિંગરોડ) ઉપર વાહનચાલકો અને નાગરિકોની હાલાકી ભોગવવી પડી રહી છે.
પૂર્વના હાથીજણ, વસ્ત્ર્રાલ, નિકોલ-કઠવાડા, તથા દાસ્તાન સર્કલ ઉપર છેલ્લા એક વર્ષ થી ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલુ છે. રીંગ રોડ સિક્સલેન બનાવવાની કામગીરી એક વર્ષ ની જાહેરાત કરવા છતાં ચાલુ કરેલ નથી. ભક્તિ સર્કલથી ગેલેક્સી બંગલોઝ સુધીનો અંડરપાસ મંજૂર થઈ ગયો હોવા છતાં તેની કામગીરી ચાલુ કરાઈ નથી. આ કારણે આ વિસ્તારમાં ટ્રાફિક વધ્યો છે. નવા બજેટ માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે, પરંતુ હજી સુધી જૂના કામ પૂર્ણ થતાં નથી.
નિકોલથી કઠવાડા અને તેના આસપાસના વિસ્તારો સુધી પહોંચવા માટે વૈકલ્પિક વ્યવસ્થા સ્વરૂપે અંડર પાસ મંજૂર થયોહતો. ઉપરાંત ભક્તિ સર્કલથી ગેલેક્સી બંગલોઝ સુધીનો અંડરપાસ પણ મંજૂર થયો હોવા છતાં આ અંગે હજી સુધી કોઈ પગલાં ભરાયા નથી. જેના કારણે સવાર-સાંજના સમયે બંને જંકશન પર ભારે ટ્રાફિક થાય છે. આ કામગીરી ઝડપથી શરૂ થાય તેની સ્થાનિકોએ લાંબા સમયથી રજૂઆત કરી છે.
આ ઉપરાંત ઓવર બ્રિજની કામગીરી પણ મંથર ગતિએ ચાલે છે, જેના કારણે બંને બાજુના સર્વિસ રોડ બિસ્માર થઈ ગયા છે. પીક અવર્સમાં વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફ્કિ જામનો સામનો કરવો પડે છે. રિંગ રોડ ની બંને બાજુ એ સર્વિસ રોડ ઉપર વાહનો તથા લારી ગલ્લા ઓનાં દબાણો હોવાથી વાહનચાલકો અને નાગરિકો સર્વિસ રોડ પર પણ ચાલી શકતા નથી. હાથીજણ થી દહેગામ સર્કલ સુધીના એસપી રિંગરોડના તમામ પુલોની કામગીરી તથા સિકસલેન અને અંડરપાસ ની કામગીરી તાત્કાલિક પૂરી કરવામાં આવે તે માટે સ્થાનિકોએ માંગણી કરી છે.


