- નરોડામાં ચોરીની વધતી જતી ઘટનાઓ
- લોકોએ અનેક વખત પોલીસને રજૂઆતો કરી
- શહેર પોલીસની કામગીરી પર મોટું પ્રશ્નાર્થ ચિહ્ન
અમદાવાદમાં શિયાળો આગળ વધતાં જ ચોરીની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નરોડા વિસ્તારમાં ચડ્ડી બનિયાન ગેંગ સક્રિય થઈ છે જેણે છેલ્લા 3 મહિનામાં ચોરીની અનેક ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું મનાઈ રહ્યું છે. આ બાબતને લઈને સ્થાનિકોમાં પોલીસ પ્રત્યે રોષનો માહોલ છે.
હાલના દિવસોમાં જેમ જેમ શિયાળાની સીઝન આગળ વધશે તેમ તેમ એવું માનવામાં આવે છે ચોરીની ઘટનાઓ વધતી હોય છે. ગુજરાતમાં બીજે ક્યાંય નહીં પરંતુ અમદાવાદમાં જાણે કે આ લોકમાન્યતા સાચી પડી રહી હોય તેમ નરોડા અને તેની આસપાસના વિસ્તારોમાં દિન-પ્રતિદિન ચોરીની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ ઘટનાઓને લઈને સ્થાનિકોમાં પોલીસની કામગીરી અંગે રોષનો માહોલ છે. છેલ્લા 3 મહિનામાં ચોરીની અનેક ઘટનાઓ નોંધાઈ હોવા છતાં અમદાવાદ પોલીસ જાણે કે હાથ પર હાથ ધરીને બેઠી હોય તેવો ઘાટ સર્જાયો છે. અનેક રજૂઆતો થવા છતાં પોલીસ આ ચોરોને પકડીને તેમને જેલહવાલે કરવામાં નિષ્ફળ નીવડી છે.
અમદાવાદમાં પોલીસ જાણે કે મૂકપ્રેક્ષક બની બેઠી હોય તેમ ચડ્ડી બનિયાન ગેંગે છેલ્લા 3 મહિનાથી નરોડા અને તેના આસપાસના પંથકમાં ભારે આતંક મચાવ્યો છે. મોડી રાત્રે આ ગેંગના લોકો બંધ મકાનોને ટાર્ગેટ કરતા હોવાનું સ્થાનિકોની ફરિયાદ છે. ખાસ કરીને બંધ મકાનોમાંથી મોટી મતાની ચોરી કરીને આ ગેંગના લોકો ફરાર થઈ જતા હોય છે. આ મામલે સ્થાનિકોએ પોલીસને અનેક રજૂઆતો કરી છે પરંતુ પોલીસતંત્ર આ ગેંગને નાથી શકવામાં સફળ થઈ શક્યું નથી.
હાલમાં છેલ્લે નરોડાના ઓર્કિડ હેરિટેજ ખાતે પણ ચોરીની એક ઘટના સામે આવી હતી. જેના પછી આ વિસ્તારના સ્થાનિકોમાં પોલીસ પરથી ભરોસો ઉઠી ગયો છે. શહેર પોલીસના સુરક્ષિત અમદાવાદ, સેફ અમદાવાદના દાવાની અને રેગ્યુલર પેટ્રોલિંગના દાવાઓની પોલ પણ આ સતત વધતી જતી ચોરીની ઘટનાઓએ ખોલી નાખી છે. આમ આ વિસ્તારમાં હવે પોલીસ પોતાની કામગીરી સુધારી જલ્દીથી આ ચોરી કરનારા તત્વોને ઝડપી લોકોને આ આતંકથી મુક્તિ અપાવે તેવી લોકલાગણી છે.