સુરતમાં સતત વધી રહેલી ટ્રાફિક સમસ્યા અને ગજેરા સર્કલ પર બ્રિજના નિર્માણ કાર્યમાં થઈ રહેલા વિલંબને કારણે નગરજનોની હાલાકી વધી છે. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સખ્ત પગલાં લેવા મેદાનમાં ઉતર્યા છે. મેયરે ગજેરા સર્કલની મુલાકાત લીધી હતી અને ચાલી રહેલા કામની ગતિ પર તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ત્યાં હાજર અધિકારીઓ અને ઇજારદારને સીધા શબ્દોમાં ઠપકો આપ્યો હતો.
અધિકારીઓ અને ઇજારદારને ઠપકો
મેયરે અધિકારીઓ અને ઇજારદારને સ્પષ્ટપણે કહ્યું હતું કે, “તમને શહેરની પડી નથી. તમારા કારણે નગરજનો હેરાન થઈ રહ્યા છે.” તેમણે કામની અત્યંત ધીમી ગતિ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ વિલંબ સામાન્ય લોકોને ભારે મુશ્કેલીમાં મૂકી રહ્યો છે. મેયરે સ્થળ પર જ તાકીદ કરી હતી કે અમરોલી તરફના બ્રિજનું કામ 7 જાન્યુઆરી સુધીમાં કોઈપણ ભોગે પૂર્ણ થવું જોઈએ. આ સમયમર્યાદા ચૂકી જવા બદલ તેમણે ઇજારદારને મોટી પેનલ્ટી (દંડ) ફટકારવાની સીધી ચીમકી આપી હતી. મેયરની આ કડક કાર્યવાહી દર્શાવે છે કે તેઓ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ગંભીર છે અને વહીવટી તંત્રની ઢીલી નીતિ ચલાવી લેવા તૈયાર નથી.
આ પણ વાંચો : Gandhinagar News : નીતિગત વિષયો અને આગામી સરકારી કાર્યક્રમો પર ગાંધીનગરમાં મંથન, સવારે 10 વાગ્યે બેઠક મળશે


