પાટણ શહેરમાં આવેલ એક ટાયર પંચરની દુકાન દાદાના નામની હોવાથી તેમનું મૃત્યુ થતાં તે દુકાન તેમના એક પુત્ર તથા અન્ય પુત્રનો દિકરો સંભાળતાં હતાં અને સૌથી મોટો પુત્ર અમદાવાદ રહેતાં હોય તેઓ દ્વારા નાના મૃતક પુત્રના પરિવારની ખોટી સહીઓ ઊભી કરી સોગંદનામું રજુ કરી દુકાનનું વીજ કનેકશન તેમના નામ પર કરાવી દીધું હોવાનું જ્યારે દુકાનનું વીજબીલ આવતાં ખબર પડતાં નાના ભાઈના પુત્રએ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે દિપેશ ભાટીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ પાટણમાં નવજીવન સર્કલ પાસે તેમના દાદાના નામની એક ટાયર પંચરની દુકાન આવેલી છે. જેમાં વીજ કનેક્શન પણ તેમના દાદાના નામનું હતું અને તેમનું મૃત્યુ થતાં તે દુકાન પર ફરીયાદીના પિતા અને કાકા સંભાળતાં હતાં. તે દરમિયાન ફરીયાદીના પિતાનું પણ અવસાન થતાં ફરીયાદી પોતે દુકાન પર બેસતાં હતાં ત્યારબાદ તેને બેંકમાં નોકરી લાગતાં દુકાન પર બેસવાનું બંધ કર્યું હતું. ત્યારબાદ એક દિવસ તે દુકાન જતાં દુકાનનું વીજબીલ આવેલું હતું તે ચેક કરતાં બીલ તેમના દાદાના નામની જગ્યાએ મોટા બાપના નામથી આવેલું હોય વિદ્યુત બોર્ડમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તેમના મોટા બાપા ઈન્દુલાલ ભાટીયાએ સોગંદનામું કર્યું છે જેમાં તેમની અને તેમની માતાની તથા ભાઈ અને બહેનની જાણ બહાર સ્ટેમ્પ પર ખોટી સહીઓ કરાવી દીધેલ હોવાની ફરીયાદ નોંધાવી છે.


