બોધ પ્રગટતો હોય છે, આપી શકતો નથી!
આપણું ક્રિસમસ ટ્રી તુલસી છે
પાવન તીર્થધામ તિરૂપતિ બાલાજીના સાન્નિધ્યમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસત્રિપતિ’ ગઇકાલે-ગુરૂવારે છઠ્ઠા પડાવ પર પહોંચી હતી. કથાનો પ્રેમમય સંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું હતું કે, મારા બાપ, સપ્ત શિખરી પાવન તીર્થ સ્થાનમાં આપણે ત્રિપતિ સંદર્ભે રામકથા ગાન કરી રહ્યા છીએ ત્યારે માનસની જે પંક્તિઓ નિશ્ચિત કરી છે તે ત્રણ પંક્તિઓમાં પ્રથમ પંક્તિમાં ‘શ્રીપતિ નિજ માયા તબ પ્રેરી’ પરમાત્મા પ્રેરીત કરે એટલે કે ફેંકે છે, બીજી પંક્તિમાં ‘ખૈંચેહૂ મિટે મોર સંદેહૂ’માં પરમાત્મા આપણને ખેંચે છે જ્યારે ત્રીજી પંક્તિ ‘ભૂમિ સપ્ત સાગર મેખલા’ એટલે ઇશ્વર આપણને ચારે તરફથી વીંટળાય છે. (એરાઉન્ડ) આપણી ફરતે તે આપણને સુ-રક્ષિત કવચ બને છે. નારદજીના સંદર્ભે પ્રભુએ આપણને આ ક્રિડા સમજાવી છે કે, ભક્તને ભગવાન ક્યારેક-ક્યારેક ફેંકે છે, માયામાં ફેકે છે અને પછી એ જ પરમાત્મા આપણને ખેંચે છે અને ભક્ત જાગૃત થાય કે તરત એને વીંટળાય છે, પરમાત્માની પ્રત્યેક વસ્તુ ક્રિડામય છે. આખું અસ્તિત્વ મહારસ છે. ઇશ્વર વિનોદી છે એ લીલા પણ કરે છે અને ક્રિડા પણ કરે છે.

લીલામાં મર્યાદા હોય છે જ્યારે ક્રિડામાં થોડુંક સ્વાતંત્ર્ય હોય છે, જેમ કે કૃષ્ણ લીલા, ભગવાન ગંભીર નથી એના ભક્તો જ ગંભીર હોય છે, હસતાં જ નથી! પરમાત્માની ક્રિડા-લીલા માણતા નથી ઘણા લોકો ખૂબ ગંભીર હોય છે, મેં કહેલું કે ગંભીરતા એ રોગ છે… પાંચ મહાલક્ષ્મી છે એ પરમ સૌભાગ્ય છે. (૧) ગુરૂ પાદુકા એ પરમ લક્ષ્મી છે, પરમ સૌભાગ્ય છે (૨) યજ્ઞએ આપણું સૌભાગ્ય છે (૩) તુલસીનો ક્રોડએ મહાલક્ષ્મી છે. આપણું-ભારતીયઓનું ક્રિસમસ ટ્રી તુલસી છે. એટલે ક્રિસમસ ટ્રીનો વિરોધ નથી કોઇ ખોટો અર્થ ન કરે પણ તુલસી આપણું ક્રિસમસ ટ્રી છે. 2014થી આપણે ‘તુલસી દિન’ નિશ્ચિત થયો છે. તો તુલસી આપણી મહાલક્ષ્મી છે. તુલસીના બાર પ્રકાર છે. (૧) રામતુલસી (૨) શ્યામ તુલસી-કૃષ્ણ તુલસી (૩) અમૃત તુલસી (૪) વન તુલસી (૫) કપુર (કર્પુર) તુલસી (૬) લક્ષ્મી તુલસી (૭) લીંબુ તુલસી (૮) વૈજયંતી તુલસી (૯) શ્વેત તુલસી (૧૦) મીન્ટ તુલસી (૧૧) આફ્રીકન બ્લુ તુલસી અને (૧૨) સિનેમન તુલસી.
ગુરૂપાદુકા આપણને સર્વ પ્રકારના સંકોટથી બચાવે છે. પાદુકા સ્નેહ સંપદા આપે છે. બે અક્ષર રામનામની જેમ પાદુકા આપણા બે રક્ષકો છે. અયોધ્યામાં રામ વનગમન પછી પાદુકા જ અવધનું કવચ બની હતી. 14 વર્ષ સુધી અયોધ્યામાં કોઇનું મૃત્યુ નથી થયું અને કોઇ બાળકનો જન્મ પણ નથી થયો કેમ કે, રામ વિરહમાં લોકો સંયમ પાડતા હતાં એટલે રામ વનવાસના ચૌદ વર્ષ દરમ્યાન અયોધ્યામાં કોઇનું મૃત્યુ નથી થયું. પાદુકા કવચ બની હતી. પાદુકા આપણા કૂળની મર્યાદાની રક્ષા કરે છે. કુશળતાથી કર્મ કરવા માટે બે હાથ બની જાય છે, પાદુકા અને નિર્મળ બે આંખો સુધર્મનો નિર્વાહ કરવા માટેનો દ્રષ્ટિકોણ આપણને પાદુકા આપે છે.
આપણા પોતાના લોકો જ્યારે આપણને ગાળો દે, ફરિયાદ કરે તો ક્યારેય એનું ખોટું ન લગાડવું કારણ કે, ઇશ્વર-પ્રભુને પણ પોતાના જ લોકોએ ગાળો આપી છે! અને જ્યારે આપણા પોતાના જ લોકો ગાળો આપે તો હસતા-હસતા એ સહન કરજો, પરિણામ સારું આવશે! નારદ કહે છે, મારા શ્રાપ મિથ્યા હો, મિથ્યા હો ત્યારે પ્રભુ હસતા-હસતા બોલ્યાં-‘મમ ઇચ્છા’ નારદ, જે કંઇ થયું, એ મારી ઇચ્છાથી જ તું જે કંઇ બોલ્યો એ પણ મારી ઇચ્છાથી.. ‘મમ ઇચ્છા કહું દીન દયાલા’ નારદજી બહુ દુ:ખી થાય છે. મારા પાપ કેવી રીતે મટશે? ત્યારે ભગવાન કહે છે કે, નારદ તું એક કામ કરે.. શંકર ભગવાનના નામનો સો વખત જપ કર તું પાપ મુક્ત થઇ જઇશ. પ્રભુ સંબંધી કોઇ ભૂલ થઇ જાય તો પ્રાયશ્ચિતરૂપે શિવ સ્મરણ કરો. મહાદેવ-શિવ ૧૦૮ પણ નહીં સો વાર કેમ કે મહાદેવ એટલા દયાળું છે કે, તું ૧-૯ પર પહોંચે એ પહેલા જ એ કૃપા કરશે જા, બેટા મુક્ત થઇ ગયો!
એક સ્મરણ આપને કહું મારા ગુરૂ-ભગવાન-ત્રિભુવનદાદાએ મને માળાના પ્રકાર વર્ણવ્યા હતા એને હું ‘માળા સપ્તક કહું છું’ દાદાએ કહ્યું હતું કે, બેટા, સાત પ્રકારની માલા-માળા હોય છે (૧) કરમાલા (૨) જપમાલા (૩) કંઠમાલા (૪) મંત્રમાલા (૫) મન માલા (૬) શ્વાસ માલા અને (૭) ગુરૂમાલા.
કથામૃત
(૧) અર્થ (પૈસા) હસ્તાંતરીત કરો છો એમ ધર્મ પણ હસ્તાંતરીત કરો!
(૨) ગુરૂ પાદુકા મહા-પરમ લક્ષ્મી છે, આપણું પરમ સૌભાગ્ય છે
(૩) દુનિયાના કોઇપણ ધર્મગ્રંથ આપણું સૌભાગ્ય છે
(૪) ઇશ્વર લીલામય છે ક્રિડામય પણ છે!
(૫) બરફનો ટુકડો જામમાં પડી બદનામી થઇ ગયો, તે સફાઇ આપવા ગયો ત્યાં સુધીમાં તો શરાબ થઇ ગયો!


