સત્વરે મંજૂરીના પ્રશ્નનો ઉકેલ ન આવે તો આંદોલનની ચીમકી : રાજ્ય સરકારે બહાર પાડેલ દિશા-નિર્દેશ પરિપત્રમાં ઉકેલની આશા ઠગારી નિવડી હોવાની રાવ
વેરાવળ સોમનાથ શહેરમાં બાંધકામ ક્ષેત્રને લઈને ગંભીર સ્થિતિ સર્જાઈ છે. SUDA (સોમનાથ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) અસ્તિત્વમાં આવ્યા બાદ પણ છેલ્લા દોઢ વર્ષથી બાંધકામ સંબંધિત તમામ મંજૂરી આપવાની પ્રક્રિયા સંપૂર્ણ રીતે અટકી પડી છે. જેના કારણે બિલ્ડરો, ડેવલોપરો અને એસ્ટેટ બ્રોકરોનો વ્યવસાય ઠપ્પ થઈ ગયો છે. આ મુદ્દે વેરાવળ ખાતે બિલ્ડરો, ડેવલોપરો અને એસ્ટેટ બ્રોકરોની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં સાંસદ રાજેશ ચુડાસમા, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરી ઠકરાર, ધારાસભ્ય ભગવાન બારડ, પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશી જોટવા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ પોતાની મુશ્કેલીઓ ખુલ્લેઆમ રજૂ કરી હતી અને જણાવ્યું હતું કે દોઢ વર્ષથી મંજૂરી ન મળતા આર્થિક સંકટ ઊભું થયું છે, રોજગાર પર પણ તેની સીધી અસર પડી રહી છે.
બાંધકામ ક્ષેત્રના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આ અંગે રાજ્ય સરકાર સાથે અનેક વખત બેઠકો યોજાઈ હોવા છતાં હજી સુધી કોઈ ઠોસ ઉકેલ આવ્યો નથી. જો આવનારા સમયમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલન કરવાની તૈયારી પણ દર્શાવવામાં આવી હતી. બેઠક દરમ્યાન સરકારના જનપ્રતિનિધિઓએ ફરી એકવાર હૈયાધારણ આપી હતી કે આ મુદ્દે રાજ્ય સરકાર સાથે આગામી દિવસોમાં ફરી વાટાઘાટ કરવામાં આવશે અને યોગ્ય ઉકેલ લાવવાનો પ્રયાસ કરાશે. સાંસદ, પ્રદેશ ભાજપ મંત્રી સહિતના સરકારના જ પ્રતિનિધિઓએ પણ સ્વીકાર્યું હતું કે યોગ્ય નિર્ણયના અભાવે હાલ પરિસ્થિતિ વિકટ બની છે. ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા દિશા-નિર્દેશ પરિપત્રથી વેરાવળ-સોમનાથને કોઈ ખાસ ફાયદો થતો નથી, તે બાબત ખુદ પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરી ઠકરારે જાહેર મંચ પરથી સ્વીકારી હતી. જેના કારણે સ્થાનિક બાંધકામ ક્ષેત્રમાં વધુ નિરાશા જોવા મળી રહી છે.
હવે તમામની નજર રાજ્ય સરકારના આગામી નિર્ણય પર ટકી છે. વહેલી તકે સ્પષ્ટ અને અસરકારક નિર્ણય લેવાય તો જ વેરાવળ-સોમનાથનું બાંધકામ ક્ષેત્ર ફરી ગતિ પકડી શકે, નહીંતર આ મુદ્દો આંદોલનનું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા નકારવામાં આવી રહી નથી.


