એક વેપારીએ કમિશનથી વેચવા તો બીજા વેપારીએ દાગીના બનાવવા માટે 473.5 ગ્રામ સોનુ આપ્યું હતું : એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટની સોની બજારમાં બંગાળી કારીગરો દ્વારા વેપારીઓનું સોનુ લઈને નાસી છૂટવાની ઘટનાઓ ફરી સામે આવી છે. તાજા બનાવમાં પશ્ચિમ બંગાળનો કારીગર શેખ બાદસા બે સોની વેપારીઓ પાસેથી દાગીના બનાવવા માટે લીધેલું કુલ 473.5 ગ્રામ (22 કેરેટ) સોનુ—જેની કિંમત રૂ.60,98,680 થાય છે—સાથે વતન પોબારા ભણી ફરાર થઈ ગયો છે. બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથક દ્વારા વિશ્વાસઘાતની કલમ હેઠળ ગુનો નોંધાઈ તપાસ શરૂ કરાઈ છે.
બનાવ અંગે રાજકોટના લક્ષ્મીવાડી શેરી નં.14/3 ખાતે રહેતા 45 વર્ષીય સોની વેપારી જીતેશભાઇ શાંતિલાલ રાણપરાએ ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપી તરીકે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના વતની શેખ બાદસાનું નામ આપ્યું છે. ફરિયાદ મુજબ તેઓ સોની બજાર બોઘાણી શેરી સ્થિત રાઘવ કુંજ કોમ્પ્લેક્ષમાં કારીગરો રાખી સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે. શેખ બાદસા છેલ્લા એક વર્ષથી કમિશન પર કામ કરતો હતો અને અન્ય વેપારીઓ માટે પણ દાગીના બનાવતો હતો.
ફરિયાદ અનુસાર, તા.05/10/2025ના રોજ શેખ બાદસાને 235.500 ગ્રામ 22 કેરેટ સોનુ ‘બોર’ બનાવવા માટે અપાયું હતું અને પાંચેક દિવસમાં દાગીના પરત આપવાની વાત કરી હતી. પરંતુ નક્કી સમય બાદ તે દુકાને આવ્યો નહીં. ફોન પર હું આવું છું કહી ફોન કાપી દીધા બાદ તેનો મોબાઇલ બંધ આવી ગયો. તેના નિવાસસ્થાને તપાસ કરતાં ઘર તાળાબંધ મળ્યું અને આજુબાજુથી જાણવા મળ્યું કે તે વતન તરફ રવાના થઈ ગયો છે.
ઉપરાંત, તે જ કોમ્પ્લેક્ષમાં દુકાન નં.305માં કામ કરતા અન્ય સોની વેપારી નાજીમુદિન શેખનું 238 ગ્રામ 22 કેરેટ સોનુ પણ શેખ બાદસાએ કમિશન પર દાગીના બનાવવા માટે લીધું હતું, જે પણ પરત આપ્યું નથી. આ રીતે કુલ 473.5 ગ્રામ સોનુ લઈને કારીગર ફરાર થયો હોવાનું બહાર આવ્યું છે.
બનાવને ગંભીરતા સાથે લઈ એ ડિવિઝન પોલીસે બીએનએસની કલમ 316(5) હેઠળ ગુનો નોંધ્યો છે અને એક ટીમ તપાસ માટે તાત્કાલિક પશ્ચિમ બંગાળ તરફ રવાના કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે શહેરની મુખ્ય સોની બજારમાં આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. તાજેતરમાં ત્રણ દિવસ પહેલાં પણ એક બંગાળી કારીગર રૂ.36.40 લાખનું સોનુ લઈને ફરાર થયો હતો, જે મામલે પણ ફરિયાદ નોંધાઈ છે પરંતુ આરોપી હજી સુધી પકડાયો નથી. સતત બનતી ઘટનાઓને પગલે વેપારીઓમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે અને પોલીસની કાર્યવાહી પર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.


