રાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતાં હાલાકી
વધારાના ડબ્બા જોડવા માંગ : રેલવેએ પ્લેટફોર્મની મર્યાદા દર્શાવી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટથી વેરાવળ વચ્ચેની લોકલ ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતા મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સાંજે 6.20 કલાકે રાજકોટથી ઉપડતી ટ્રેનમાં પેસેન્જરોની એટલી હદે ભીડ જોવા મળી હતી. લોકોને ઊભા રહેવા માટે પણ જગ્યા મળતી નથી. ગઈકાલે શનિવાર હોવાથી રજાના માહોલ વચ્ચે ટ્રેનમાં કીડીયારું ઉભરાયું હોય એવા દૃશ્યો સર્જાયા હતા. ટ્રેનની અંદરનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ડબ્બાની અંદર પગ મૂકવાની પણ જગ્યા ન હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
પેસેન્જરો દ્વારા ટ્રેનમાં ડબ્બા વધારવાની લાંબા સમયથી માંગ કરી રહ્યાં છે. રાજકોટ-વેરાવળ વચ્ચે દોડતી આ ટ્રેનમાં ખીચોખીચ મુસાફરો ભર્યા છે. આ ટ્રેનમાં કેટલાક મુસાફરોને બેસવાની તો દૂર સારી રીતે ઉભા રહેવાની પણ જગ્યા મળી નહીં હોવાનું પણ લાગી રહ્યું છે. આ પરિસ્થિતિને કારણે નિયમિત અપડાઉન કરતા મુસાફરો અને અન્ય પેસેન્જરો દ્વારા ટ્રેનમાં ડબ્બા વધારવાની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે, પરંતુ રેલવે તંત્ર દ્વારા આ મામલે હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
ટ્રેનના જનરલ ડબ્બાઓમાં ખીચોખીચ ભીડ હોવાને કારણે મુસાફરોએ દરવાજા પાસે લટકીને જોખમી મુસાફરી કરવા મજબૂર બનવું પડ્યું હતું. મુસાફરોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો કરવા છતાં રેલવે વહીવટી તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે કોઈ વધારાના કોચ જોડવામાં આવતા નથી. જોકે હાઇવેનું કામ ચાલતું હોવાથી ટ્રેનમાં ભીડ વધારે હોવાનો બચાવ કરતા રેલવે તંત્રએ ડબ્બા વધારવાનું કોઈપણ આયોજન ન હોવાનું જણાવ્યું છે.
રેલવે તંત્રનું કહેવું છે કે હાલમાં રાજકોટ-વેરાવળ હાઈવે પર રિપેરિંગ અને નિર્માણ કાર્ય ચાલુ હોવાથી લોકો ટ્રેન માર્ગે મુસાફરી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે, જેને કારણે ટ્રેનમાં ટ્રાફિકનું પ્રમાણ વધ્યું છે. હાલમાં આ ટ્રેનમાં 11 ડબ્બા જોડવામાં આવે છે, જે પ્લેટફોર્મની લંબાઈ અને ક્ષમતા મુજબની મહત્તમ મર્યાદા છે. પ્લેટફોર્મની ક્ષમતા કરતા વધુ ડબ્બા જોડવામાં આવે તો પાછળના ડબ્બા પ્લેટફોર્મની બહાર રહી જાય તેમ છે, જેનાથી મુસાફરોને ચઢવા-ઉતરવામાં અકસ્માતનો ભય રહે છે. આથી હાલમાં ડબ્બા વધારવાનું કોઈ આયોજન નથી.


