NSUIના ડ્રગ્સ મુકત કેમ્પસ અભિયાનનો રાજકોટ ખાતેથી બાઇક રેલી કાઢી શુભારંભ
વિદ્યાર્થીઓ અને બાળકોને નશીલા પદાર્થથી બચાવવા ૧૦૦૦થી વધારે કોલેજોમાં સંવાદ કાર્યક્રમો યોજાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતના યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવવા અને શૈક્ષણિક સંકુલોને નશામુક્ત બનાવવાના ઉમદા હેતુ સાથે NSUI દ્વારા સમગ્ર રાજ્યમાં તા. ૨ જાન્યુઆરીથી “ડ્રગ્સ મુક્ત કેમ્પસ” કેમ્પેઈનનો જોરશોરથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ રાજ્યના ૨૦૦ જેટલા શૈક્ષણિક કેમ્પસ અને ૧૦૦૦ જેટલી કોલેજોમાં સંવાદના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આ અભિયાનના ભાગરૂપે આજે રાજકોટ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ તથા ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં ૫૦૦થી વધુ બાઈક સવારોની વિશાળ રેલી યોજાઈ હતી. આ રેલી દ્વારા શહેરના માર્ગો પર ડ્રગ્સ વિરોધી સૂત્રોચ્ચાર કરી યુવાનોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજકોટની T.N.RAO College, Christ College તેમજ હરિવંદના કોલેજ ખાતે વિધાર્થી સંવાદ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ડ્રગ્સની અસરો વિશે માર્ગદર્શન આપી તેમને આ દૂષણોથી દૂર રહેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, “ગુજરાતનું ભવિષ્ય આજે ડ્રગ્સના ભરડામાં આવી રહ્યું છે. આવનારી પેઢીને બચાવવા માટે ડ્રગ્સ વિરુદ્ધની લડાઈ એ માત્ર રાજકીય નહીં પણ આપણી સૌની નૈતિક ફરજ છે.” કાર્યક્રમમાં ઉપસ્થિત હજારો યુવાનોએ એકસૂરે “હું ડ્રગ્સ લઈશ નહીં કે લેવા દઈશ નહીં” ના શપથ લઈ ગુજરાતને નશામુક્ત બનાવવાનો સંકલ્પ કર્યો હતો.
NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે, આગામી દિવસોમાં આ અભિયાનને ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચાડવામાં આવશે. ડ્રગ્સ માફિયાઓ સામે લડવા અને વિદ્યાર્થીઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે NSUI કટિબદ્ધ છે. રાજકોટમાં મળેલો પ્રતિસાદ દર્શાવે છે કે ડવે યુવાનો જાગૃત થયા છે અને તેઓ ડ્રગ્સ મુક્ત ગુજરાત ઈચ્છે છે.
આજના કાર્યક્રમ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવક્તા ડો. નિદતભાઈ બારોટ, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી મુકેશ ભાઈ ચાવડા, ગુજરાત
એન.એસ.યુ.આઈ ના પૂર્વ પ્રમુખ આદિત્ય સિંહ ગોહિલ, રાજકોટ શહેર NSUI પ્રમુખ બ્રિજરાજ સિંહ રાણા,
રાજકોટ જિલ્લા NSUI પ્રમુખ ગૌરવ ખીમસુરીયા, પ્રદેશ યુવક કોંગ્રેસ મંત્રી રવિ જીતીયા રાજકોટ જિલ્લા
યુવક કોંગ્રેસ પ્રમુખ દીપ ભંડેરી, રાજકોટ યુવક કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભંડેરી, મુકુંદભાઈ ટાંક,
સોહિલ ઝેરીયા, હરપાલસિંહ જાડેજા, અક્ષાંશ ગૌસ્વામી, ધવલ રાઠોડ, રાજ ભટ્ટ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.


