ગીર સોમનાથમાં ખાણખનીજના કરાર આધારિત અધિકારીઓ “હપ્તારાજ” ચલાવતા હોવાના આક્ષેપોથી
જીલ્લા બ્લેક સ્ટોન કવોરી લીઝ એસો.ની મળેલ મહત્વપૂર્ણ બેઠક બાદ આરોપોથી ચકચાર
અગ્ર ગુજરાત, સોમનાથ
ગીર સોમનાથ જીલ્લા બ્લેક સ્ટોન ક્વોરી લીઝ એસોસિએશનની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં ખાણખનીજ વિભાગ સામે એસો.ની કાર્ય પધ્ધતિ સામે ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો ઉઠવાની સાથે ખાણખનીજના કરાર આધારીત અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરવા કનડગત કરતા હોવા સામે ખુલ્લો મોરચો માંડી મુખ્યમંત્રી સુધી ફરીયાદ કરી છે.
આ મામલે એસો.ના પ્રમુખ દેવશી ચાંડેરાએ આરોપ લગાવતા કહેલ કે, ખાણખનીજ વિભાગના કરાર આધારિત અધિકારીઓ દ્વારા ખુલ્લેઆમ “હપ્તારાજ” ચલાવવામાં આવી રહ્યો છે. એક ગાડી દીઠ રૂ. 15 હજાર અને માસિક રૂ.દોઢ લાખ જેટલા હપ્તાની માંગ કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. માંગ પૂર્ણ ન થાય તો ગાડીઓ ડીટેઇન કરી દંડ ફટકારવાની અને લીઝ હોલ્ડરોને ધમકી આપવાની રીત અપનાવવામાં આવી રહી છે. આવી કનડગતના લીધે જીલ્લામાં વડાપ્રધાન દ્વારા ખાતમુહૂર્ત કરાયેલા ત્રણ મોટા પ્રોજેક્ટમાં બ્લેક સ્ટોન સપ્લાય બંધ કરવાનો કઠોર નિર્ણય લેવો પડયો છે. ખાણખનીજ વિભાગના અસહયોગ અને ભ્રષ્ટાચારના કારણે આ ત્રણેય પ્રોજેક્ટોનું પાંચ વર્ષમાં માત્ર 30 ટકા જેટલી પ્રગતિ થઈ છે.
વધુમાં એસો.એ મુખ્યમંત્રીને કરેલ લેખિત રજૂઆતમાં જણાવેલ કે, રાજ્ય સરકારે ગીર સોમનાથ જિલ્લાના બંદરોના વિકાસ માટે ત્રણ પ્રોજેક્ટ મંજુર કર્યા છે અને ચાર અન્ય પ્રોજેક્ટ મંજૂરી પ્રક્રિયામાં છે. જેમાં માઢવાડ, ધામળેજ, સુત્રાપાડા, હીરાકોટ અને વેરાવળ જેવા વિસ્તારોમાં દરિયાઈ બંદરો માટે મોટા પાયે બ્લોક ટ્રેપ પથ્થરની જરૂરિયાત છે. આ પથ્થર એકવાર ગાડીમાં ભરાઈ ગયા બાદ કાઢી શકાતા નથી. જેના કારણે વજનમાં ફેરફાર થતો હોવા છતાં અધિકારીઓ દ્વારા તેનો દુરુપયોગ કરવામાં આવે છે. જિલ્લામાં કુલ 15 લીઝો છે જેમાંથી માત્ર 5 કાર્યરત છે અને બાકીની એન્વાયરમેન્ટ ક્લીયરન્સના અભાવે બંધ છે. હાલ કાર્યરત લીઝોનું કુલ એન્વાયરમેન્ટ 7.35 લાખ મેટ્રિક ટનનું છે જ્યારે વાસ્તવિક જરૂરિયાત 25 લાખ મેટ્રિક ટનની છે. આવી સ્થિતિમાં પ્રેક્ટિકલ રીતે મટીરીયલ સપ્લાય કરવો મુશ્કેલ બન્યો છે. ત્યારે જો તાત્કાલિક અસરથી વિભાગના ભ્રષ્ટ અધિકારીઓની બદલી ન થાય અને બંધ લીઝો શરૂ ન કરવામાં આવવાની સાથે સહકાર ન મળે તો આવનારા દિવસોમાં સંપૂર્ણ માલ સપ્લાય બંધ કરવાની ચેતવણી પણ આપી છે. જો સહકાર નહીં મળે તો ના છુટકે એસો.સપ્લાય બંધ કરશે જેનાથી સરકારને આર્થિક નુકસાન થશે અને સ્થાનિક લોકોની રોજગારી પર ગંભીર અસર પડશે.


