થોડા સમય પહેલા પાંચ પીર વાડી વિસ્તારમાં કોલેરા ફાટી નીકળ્યો હતો
પીવાના પાણીની લાઇન સાથે ડ્રેનેજ ગટરનું પાણી ભળી ગયું
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજીમાં નગરપાલિકા દ્વારા વિતરણ થતાં પીવાના પાણીને લઈને હંમેશાં અલગ અલગ સમસ્યાઓ સર્જાતી રહી છે ખાસ કરીને ડહોળા અને ગંદા પાણીનું વિતરણ થતી હોવાની ફરિયાદો છાશવારે ઊઠતી રહે છે.
ત્યારે ફરી એક વખત ધોરાજીના ઉપલેટા રોડ પર નળીયા કોલોની વિસ્તારમાં પીવાના પાણીની સપ્લાય વખતે લોકોના નળ માંથી ગંદુ ડહોળું અને દુર્ગંધયુક્ત પાણી આવતા લતાવાસીઓમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો.
આ મામલે આ વિસ્તારના યુવા અગ્રણી અલ્તાફભાઈ ખલીફા એ જણાવ્યું હતું કે પાણીની સપ્લાય દરમિયાન અત્યંત દુર્ગંધયુક્ત અને ગંદા પાણીનું વિતરણ થયું હતું જે પાણીને જોઈને લાગી રહ્યું હતું કે પીવાના પાણીની લાઈન સાથે ડ્રેનેજ ગટરનું પાણી ભળી ગયું હોય તેવું જણાઈ રહ્યું હતું આર્થિક પછાત અને ગરીબ પરિવારોના વિસ્તારોમાં આ પ્રકારનું પાણી અગાઉ પણ વિતરણ થયું છે.
અત્રે નોંધનીય છે થોડા દિવસો પૂર્વે જ પીવાના પાણીની સાથે ગટરની લાઈનનું પાણી ભરી જતા ધોરાજી શહેરના પાંચ પીરની વાડી વિસ્તારમાં કોલેરા ફાટી નીકળ્યો હતો.
અને અનેક લોકો પાણીને લઈ બીમાર પડ્યા હતા જેઓને હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી અને જિલ્લા તંત્ર દ્વારા આ વિસ્તારને જાહેરનામું બહાર પાડી કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો.
ત્યારે ફરી એક વખત ઉપલેટા રોડ પર આ પ્રકારનું ડહોળા પાણીનું વિતરણ થતાં વિસ્તારના રહીશોમાં પાલિકા પરત્વે ભારે નારાજગી અને આક્રોશ જોવા મળ્યો હતો.
નગરપાલિકા ગંભીરતાથી કામગીરી કરતી નથી: કોંગ્રેસ
પાણી વિતરણને લઈ ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ વોરાએ મીડિયા સમક્ષ જણાવેલ ધોરાજી નગરપાલિકા દ્વારા નિયમિત અને સુચાર રૂપે પાણી વિતરણ થતું નથી ચાર થી છ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે તેમ છતાં લોકો ચલાવી લે છે પરંતુ ગંદુ ડહોળું અને દુર્ગંધયુક્ત પાણી આપવામાં આવે ત્યારે લોકોના જન આરોગ્ય સામે મોટો ખતરો સર્જાઈ રહ્યો છે જેની ગંભીરતા તંત્ર વાહકોને રહી નથી થોડા સમય પૂર્વે પાણીને હિસાબે કોલેરા જેવો રોગચાળો ફેલાઈ ગયો હતો તેમ છતાં પાલિકા તંત્ર હજુ આ બાબતની ગંભીરતા નથી લઈ રહ્યું તે સ્પષ્ટ જણાઈ આવે છે.


