ચારિત્ર્ય પર શંકા અને દહેજની માંગથી પરિણીતા પર ત્રાસ: સાસરિયાઓ સામે ફરિયાદ
રાજકોટમાં રહેતા પતિ અને સસરાએ માનસિક–શારીરિક ત્રાસ આપ્યો હોવાનો આક્ષેપ, બે મહિનાથી માવતરે રહેવા મજબૂર
અગ્ર ગુજરાત, રાજકોટ
ગોંડલ શહેરમાં ચારિત્ર્ય અંગે ખોટી શંકા કરી તથા દહેજની લાલચ રાખી પરિણીતા પર અસહ્ય ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ગોંડલના ભગવતપરા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય પરિણીતાએ રાજકોટમાં રહેતા પોતાના પતિ અને સસરા સામે માનસિક અને શારીરિક ત્રાસ અંગે ફરિયાદ નોંધાવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ભગવતપરા વિસ્તારમાં આવેલા વાલ્મીકિવાસમાં રહેતી શિવાનીબેન રાહુલભાઈ મકવાણાએ પોતાના પતિ રાહુલ નવીન મકવાણા તથા સસરા નવીનભાઈ મકવાણા વિરુદ્ધ ગોંડલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના લગ્ન 20 એપ્રિલ 2024ના રોજ રાજકોટના રહેવાસી રાહુલ સાથે થયા હતા. લગ્ન બાદ તે પતિના ઘરે રાજકોટ રહેવા ગઈ હતી, જ્યાં સાસુ, સસરા અને જેઠ-જેઠાણી સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી.
શરૂઆતના થોડા દિવસો સારાં ગયા બાદ પતિએ ચારિત્ર્ય પર શંકા કરી અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. અન્ય પુરુષો સાથે નામ જોડીને તેને અપમાનિત કરવામાં આવતી હતી. સાસુ ઘરકામ બાબતે વારંવાર મેણા મારતી અને “તને કંઈ આવડતું નથી” કહી તિરસ્કાર કરતી હતી. આ બાબતે પતિને કહેતાં તે સાસુનો પક્ષ લઈ વાત ટાળી દેતો હતો, જ્યારે સસરા પણ પતિનો સાથ આપતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદ અનુસાર સાસરિયાઓ દ્વારા “તારા બાપે કંઈ દહેજ આપ્યું નથી” જેવી વાતો કહી વારંવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. માવતરના ઘરેથી ફોન આવે તો વાત પણ ન કરવા દેતા, જેથી પરિણીતા સંપૂર્ણ રીતે એકલી પડી ગઈ હતી. અંતે ત્રાસ સહન ન થતાં તે બે-ત્રણ મહિના પહેલા કોઈને જાણ કર્યા વગર ગોંડલ ખાતે પોતાના માવતરે આવી ગઈ હતી અને છેલ્લા બે મહિનાથી ત્યાં રહે છે.
પરિણીતાએ પતિ સાથે છૂટાછેડા માટે પણ અરજી કરેલી હોવાનું જણાવ્યું છે. ફરિયાદના આધારે ગોંડલ પોલીસે પતિ અને સસરા સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


