સોમનાથમાં પીએમની ઉપસ્થિતીમાં નિકળનાર ૧૦૮ ઘોડેસવારોની શૌર્ય યાત્રનું રિહર્સલ
વીર હમીરસિહંજી ગોહીલની પ્રતિમાના સભા સ્થળ સુધી અશ્વયાત્રા નિકળશે
અગ્ર ગુજરાત, સોમનાથ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાનાર સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત તા.11 જાન્યુઆરીના રોજ ભવ્ય શોર્ય યાત્રા યોજાશે. આ શોર્ય યાત્રામાં પારંપરિક વેશભૂષામાં ગુજરાત પોલીસ અશ્વદળના 108 ઘોડે સવારો ભાગ લેશે. શક્તિના પ્રતીક સમાન અશ્વ અને સોમનાથનું સ્વાભિમાન એક કેડીએ બલિદાન અને શૌર્યતાના ઇતિહાસને પુનર્જીવિત કરશે.
આ શોર્ય યાત્રામાં ભાગ લેવા માટે ગુજરાત પોલીસ અશ્વદળના 15 જિલ્લાના અશ્વ અને અસવાર સોમનાથ ખાતે આવી પહોંચ્યા છે. અશ્વ નિદર્શન કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી નોડલ અધિકારી તરીકે ડીઆઈજી આર.વી. ચૂડાસમાને સોંપવામાં આવી છે અને તેમની મદદ માટે વિશેષ ટીમ તહેનાત કરવામાં આવી છે. જેમાં પીઆઈ ઈશ્વરસિંહ રાઠોડ, એ.બી. જાડેજા, ડી. એસ. સોનનીશ, શક્તિસિંહ ઝાલા, રામદેવસિંહ જાડેજા, અજીતસિંહ પરમાર, નરવણસિંહ ગોહિલ, મેરામણ બીજલભાઈ, કનકસિંહ ગોહિલ અને પ્રદીપસિંહ વનારનો સમાવેશ કરાયો છે. આ ટીમ છેલ્લા ત્રણ દિવસથી સોમનાથ ખાતે આ અશ્વસવારો રિહર્સલ કરી રહ્યા છે. આજે સોમનાથ ખાતે યોજાયેલા રિહર્સલમાં અશ્વસાવરોના ‘ જય સોમનાથ – હર હર મહાદેવ’ ના નાદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
સોમનાથ મહાદેવ મંદિર ભારતના આત્મસન્માન, સહનશીલતા અને પુનર્નિર્માણની અનોખી ગાથા રજૂ કરે છે. વારંવાર આક્રમણો છતાં સોમનાથ ફરી ફરી બેઠું થયું—આજ સુધી અડીખમ ઊભેલુ આ તીર્થ રાષ્ટ્રના અડગ સ્વાભિમાનનું પ્રતિક બની ગયુ છે. “સોમનાથ સ્વાભિમાન પર્વ” આ જ ઇતિહાસને આજની પેઢી સુધી જીવંત રીતે પહોંચાડવાનો પ્રયાસ છે. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાનાર કાર્યક્રમ ભારતના સાંસ્કૃતિક આત્મવિશ્વાસ, આધ્યાત્મિક વારસા અને રાષ્ટ્રીય ગૌરવનો ઐતિહાસિક ઉત્સવ બનશે. જે સોમનાથથી સમગ્ર દેશ સુધી સ્વાભિમાનનો સંદેશ પહોંચાડશે.


