રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ
જામનગરથી મોરબી કે અમદાવાદ જવા ગોંડલ ચોકડી ફરીને જવું પડશે
અગ્ર ગુજરાત, રાજકોટ
કાલે તા.૧૧ના મારવાડી યુનિવર્સીટીમાં યોજાનાર વાઇબ્રન્ટ સમીટના કારણે મોરબી રોડ પાંચ દિવસ માટે ડાયવર્ટ કરાયો છે. તા.૧૧ થી ૧પ સુધી માધાપર ચોકડીથી બેડી ચોકડી, મોરબી રોડ, માલીયાસણ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી તરફ જવાના રસ્તા ભારે વાહનો માટે બંધ કરી વૈકલ્પીક રૂટ અપાયા હોવાનું રાજકોટ પોલીસ કમિશનર જાહેરનામું બર પાડયું છે.
મોટાપાયે ભારે વાહન ચાલકોને જામનગરથી મોરબી કે અમદાવાદ જવા માટે ગોંડલ ચોકડી ફરીને જવાનું રહેશે. જાહેરનામાનો ભંગ થશે તો ગુનો નોંધાશે. વડાપ્રધાન કાલે તા.૧૧ના રાજકોટ શહેરની મુલાકાતે આવનાર હોય તેમજ તા.૧૧ થી ૧3 સુધી મારવાડી યુનીવર્સીટીમાં રીજનલ વાયબ્રન્ટ ગુજરાત સમીટ-ર૦ર૬નું આયોજન કરવામાં આવનાર છે. જે સમીટમાં દેશ-વીદેશના અનેક નામાંકીત ઉદ્યોગપતી, વીવીઆઇપી મહેમાનો અને પ્રતિનીધીઓ પધારવાના છે. તેમજ તા.૧3 અને ૧૪ અને ૧પના ત્રણ દિવસ માટે જાહેર જનતા માટે મારવાડી યુનિ.માં રીજનલ વાયબ્રન્ટ ગુજરાત-ર૦ર૬ એકઝીબીશન ખુલ્લુ મુકવામાં આવનાર હોય અને વડાપ્રધાન રાજકોટની મુલાકાત દરમ્યાન અને વાયબ્રન્ટ સમીટ દરમ્યાન ટ્રાફીક વ્યવસ્થા જળવાઇ રહે તેને ધ્યાને લઇ વિવિધ માર્ગ પર તમામ પ્રકારના ભારે વાહનોની પ્રવેશબંધીનું પોલીસ કમીશ્નર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.
રોડ-રસ્તા અંગે જાહેર કરાયેલા જાહેરનામાની અમલવારીનો સમય કાલે તા.૧૧ના સવારે ૮ થી તા.૧પ રાત્રીના ૧૧ વાગ્યા સુધીનો રહેશે. વાહન ચાલકો આ જાહેરનામાનો ભંગ કરશે તો કાયદાકીય કાર્યવાહી કરાશે.
ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટ જાહેર
જામનગર રોડ પરથી માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જવા માંગતા ભારે વાહને ઘંટેશ્વર ટી-પોઇન્ટ થી નવો રીંગરોડ, કોસ્મો ચોકડી, પાટીદાર ચોક, ૮૦ ફુટ રોડથી પુનીતનગરનો પાણીનો ટાંકો, ગોંડલ ચોકડીથી અમદાવાદ હાઇવે તરફ જઇ શકાશે. તેમજ મોરબી હાઇવે રાજકોટ શહેરની હદથી મારવાડી યુનિ.થી બેડી ચોકડી તરફ જવા માંગતા ભારે વાહનો મીતાણા ચોકડીથી અમરસર ફાટક વાંકાનેર થી સીંધાવદર ગામ, કુવાડવા ગામથી અમદાવાદ હાઇવે તથા રાજકોટ શહેર તરફ જઇ શકશે.


