૧૨મીએ જર્મનીના ચાન્સેલરની મુલાકાત આશાનું કિરણ
અગ્ર ગુજરાત, સોમનાથ
1000 વર્ષના લાંબા આક્રમણો, અનેક સંઘર્ષો અને કાળના કપરા પડકારોની વચ્ચે પણ જેની ધજા અને આસ્થા અડીખમ રહી છે, તેવા દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને પ્રભાસ તીર્થ ક્ષેત્રે યોજાઇ રહેલા ‘સ્વાભિમાન’ના ભવ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પધારી રહ્યા છે. સોમનાથ એટલે રાખમાંથી બેઠા થવાનું અને પોતાની સંસ્કૃતિ માટે મરી ફીટવાનું પ્રતીક! બરાબર આ જ સમયે, આ જ પાવન ભૂમિ સોમનાથ-વેરાવળની ધારા શાહ તેની દીકરી અરિ શાહ માટે સાત સમુંદર પાર જર્મનીમાં ભારતીય ઓળખ અને સંસ્કારો બચાવવા માટે લડત લડી રહી છે. જે રીતે સોમનાથે સદીઓ સુધી પોતાની અસ્મિતા ટકાવી રાખી, આજે એ જ માટીની દીકરીને પોતાની અસ્મિતા પાછી મેળવવા માટે દેશના નેતૃત્વ અને જનતાના સાથની જરૂર છે.
આગામી 12 જાન્યુઆરીના રોજ જર્મનીના નવનિયુક્ત ચાન્સેલર ભારતની ઐતિહાસિક મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે સોમનાથના સાનિધ્યમાં વડાપ્રધાનની ઉપસ્થિતિ અને અમદાવાદમાં જર્મન નેતૃત્વનું આગમન—આ બંને ઘટનાઓ અરિહા માટે આશાનું નવું કિરણ લઇને આવી છે. છેલ્લા સાડા ચાર વર્ષથી પોતાની સંસ્કૃતિથી દૂર રહેલી અરિહાના સમર્થનમાં હવે દેશના અનેક સાંસદો અને પ્રબુદ્ધ નાગરિકો એકજુટ થયા છે. ‘સેવ અરિહા’ અભિયાન અંતર્ગત સેંકડો નાગરિકો દ્વારા બંને દેશોની સરકારને ઈમેલ કરી રહ્યા છે. પ્રાર્થના અને પુરુષાર્થનો અહીં ત્રિવેણી સંગમ રચાયો છે.
કાયદો માને છે કે “બાળકનું સર્વોત્તમ હિત ” તેની પોતાની સંસ્કૃતિ અને પોતાના લોકો વચ્ચે ઉછરવામાં જ રહેલું છે. અરિહા શાહના કિસ્સામાં, તેને જર્મન કલ્ચરમાં રાખવાથી આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. તેથી, પ્રબળ માંગ છે કે સંયુક્ત રાષ્ટ્ર બાળ અધિકારના નિયમોના પાલન રૂપે અરિહાને તાત્કાલિક ભારતીય ફોસ્ટર કેરમાં સોંપવામાં આવે. જેથી તે પોતાની માતૃભાષા સાંભળી શકે, પોતાના ધર્મનું પાલન કરી શકે અને પોતાની ભારતીય સંસ્કૃતિમાં ગૌરવભેર ઉછરી શકે. અરિહાની સુરક્ષા અને તેની સાચી ઓળખ માત્ર ભારતમાં જ સુરક્ષિત રહી શકે તેમ છે. લોકોને દ્રઢ વિશ્વાસ છે કે સોમનાથની ધર્મભૂમિ પરથી મળેલી ઉર્જા અને વડાપ્રધાનની દ્રઢ ઇચ્છાશક્તિ અરિહાને ભારત પરત લાવવામાં નિમિત્ત બનશે.


