રાજકોટ સહિતની સરકારી હોસ્ટેલોમાં છાત્રોના આરોગ્ય સાથે વારંવાર છેડછાડની ફરિયાદો
ભોજનમાંથી જીવાતો, ઇયળ નિકળવી, રોટલી રબ્બર જેવી, પાણીની સમસ્યા સહિતની દુવિધાથી કંટાળેલા વિદ્યાર્થીઓ: છાશવારે હોસ્ટેલોમાં સુત્રોચ્ચાર-વિરોધ
અગ્ર ગુજરાત, રાજકોટ
અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને ઓબીસીના વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે રહેવા, જમવાની સારી સુવિધાઓ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા મોટા શહેરોમાં સમરસ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ આ હોસ્ટેલો સમયાંતરે વિવાદમાં આવી રહી છે. કુમાર અને કન્યા માટે બનાવેલ આ હોસ્ટેલમાં જમવા સહિતની સુવિધાઓ પુરતા પ્રમાણમાં મળતી નથી તેવી ફરીયાદો ઉઠી રહી છે. સ્થાનીક તંત્રની નિતીઓના કારણે સરકારની છબી પણ ખરડાઇ રહી હોવાનું ચિત્ર ઉપસી રહયું છે.
સુરતની દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) સંલગ્ન સમરસ હોસ્ટેલમાં 10 જાન્યુઆરીની મોડીરાત્રે ભારે હોબાળો મચી ગયો હતો. લાંબા સમયથી ચાલી રહેલી પાયાની સુવિધાઓની કમી અને નબળા ભોજનના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવ્યું છે. ન્યાયની માગ સાથે સેંકડો વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં હોસ્ટેલના મુખ્ય ગેટ પર જ સૂઈ ગયા હતા અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનો આરોપ છે કે, તેમને છેલ્લા ઘણા સમયથી પૌષ્ટિક અને શુદ્ધ આહાર મળી રહ્યો નથી. ભોજનની ગુણવત્તા એટલી હદે ખરાબ છે કે, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે. શાક-સલાડ સહિતમાંથી ઈયળો, મકોડા સહિતની જીવાતો નીકળે છે. આ ઉપરાંત, હોસ્ટેલમાં પીવાનું ચોખ્ખું પાણી, સાફ-સફાઈ અને મેઈન્ટેનન્સનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, આ બાબતે અનેકવાર હોસ્ટેલ પ્રશાસનને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ વહીવટી તંત્રના બહેરા કાને કોઈ જ અવાજ પહોંચ્યો ન હતો.
છેલ્લા બે મહિનામાં ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા, જૂનાગઢ સહિતની સરકારી હોસ્ટેલોમાં ભોજનમાં જીવાતો નીકળવી, રસોડામાં ગંદકી, નબળી ગુણવત્તા વાળી સામગ્રીનો જમવામાં ઉપયોગ, પીવાનું શુદ્ધ પાણી અને અન્ય પાયાની સુવિધાને લઈ વિદ્યાર્થીઓ મેદાને ઉતર્યા હોય તેવી પાંચથી વધુ ઘટના સામે આવી છે. આ મામલે સમાજ કલ્યાણ, કલેક્ટરથી લઈ મુખ્યમંત્રી સુધી ફરિયાદો થઈ છે, પણ કોઈના પેટનું પાણી હલતું નથી. પોતાની ભૂખ સંતોષવા માટે ભ્રષ્ટાચારીઓએ વિદ્યાર્થીઓનું ભોજન પણ છોડ્યો નથી.


