રાજકોટમાં 4 વર્ષની બાળકી અને 35 વર્ષીય પરિણીતાના બેભાન થયા બાદ મોત
જીવરાજ પાર્કમાં 4 વર્ષની બાળકીનું બેભાન થયા બાદ મોત, નાકરવાડીમાં 35 વર્ષીય પરિણિતાનું હૃદય બેસી જતાં નિધન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં અચાનક બેભાન થવા બાદ મોતના બે અલગ–અલગ બનાવ સામે આવતા શોકની લાગણી પ્રસરી છે. એક તરફ જીવરાજ પાર્ક વિસ્તારમાં ચાર વર્ષની બાળકીનું સારવાર દરમ્યાન મોત થયું, તો બીજી તરફ નાકરવાડી ગામે યુવા પરિણિતાનું હૃદય બેસી જતાં અવસાન થયું. બંને ઘટનાએ પરિવારોને અચાનક આઘાત આપ્યો છે.
પ્રથમ બનાવ શહેરના જીવરાજ પાર્ક નજીક અંબીકા ટાઉનશીપમાં નોંધાયો હતો. અહીં રહેતા આનંદભાઈ ધરસંડીયાની ચાર વર્ષની દીકરી કાનવી ઘરે અચાનક બેભાન થઈ ગઈ હતી. પરિવારજનોએ તાત્કાલિક તેને ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરી હતી, પરંતુ સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. હોસ્પિટલ દ્વારા બનાવની જાણ એ-ડિવીઝન પોલીસને કરાતા જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે, બાળકી છેલ્લા ત્રણ દિવસથી દૂધ ઓછું પીતી હતી અને ત્યારબાદ તબિયત અચાનક બગડી હતી. મૂળ જામજોધપુરના વાંસજાળીયા ગામના વતની ધરસંડીયા પરિવારમાં આ બનાવથી શોક છવાયો છે.
બીજો બનાવ રાજકોટની ભાગોળે આવેલા નાકરવાડી ગામે સામે આવ્યો છે. અહીં 35 વર્ષીય મનિષા હરીશભાઈ ઝંઝવાડીયા પોતાના ઘરે બેભાન થઈ ગયા હતા. તેમને પહેલા ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
પરિવારજનોના જણાવ્યા મુજબ મનિષાને કોઈ જાણીતી બીમારી નહોતી. અચાનક હૃદય બેસી જતાં તેમનું અવસાન થયું હોવાનું અનુમાન છે. મૃતકના પતિ વીડિયો શૂટિંગનું કામ કરે છે અને સંતાનમાં બે પુત્રો છે. માતાના અચાનક અવસાનથી બંને બાળકો મા વિહોણા બનતાં પરિવારમાં ભારે કલ્પાંત છવાઈ ગયો છે.
શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ટૂંકા સમયગાળામાં બનેલા આ બે બનાવોએ અચાનક બેભાન થવા અને યુવા વયે હાર્ટ એટેકના વધતા બનાવો અંગે ચિંતા જગાવી છે.


