ખેડૂત પિતાએ એકનો એક લાડકો દિકરો ગુમાવ્યો
ઉપલેટાની મોજ નદીના પુલ પરથી ટ્રેન હેઠળ પડતું મૂકી એન્જિનિયરીંગના છાત્રનો આપઘાત
વિદ્યાર્થીના શરીરના ટુકડે ટુકડા થઇ ગયા : મોટી પાનેલી ગામમાં શોક
અગ્ર ગુજરાત, ઉપલેટા
ઉપલેટામાં ગુરૂવારે સાંજે મોજ નદીના રેલવે પુલ પર એક ૧૬ વર્ષીય આશાસ્પદ સગીર વિદ્યાર્થીએ ટ્રેન નીચે પડતું મૂકીને પોતાની જિંદગીનો અંત આણી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ કરૂણ ઘટનામાં એક ખેડૂત પિતાએ પોતાનો એકનો એક લાડકો દીકરો ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
રાજકોટ-પોરબંદર રૂટ પર ચાલતી ટ્રેન નંબર ૧૯૨૦૮ જ્યારે ઉપલેટા નજીક મોજ નદીના પુલ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક સગીર વિદ્યાર્થી ટ્રેન હેઠળ આવી ગયો હતો. ઘટના એટલી ભયાનક હતી કે વિદ્યાર્થીના શરીરના ટુકડે-ટુકડા થઈ ગયા હતા. બનાવ બનતા જ ટ્રેનના લોકો પાયલોટે સતર્કતા દાખવી તુરંત જ ટ્રેન રોકી દીધી હતી. માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા ટ્રેન મેનેજરે જાતે જ વિદ્યાર્થીના શરીરના વિખેરાયેલા ટુકડાઓ એકઠા કર્યા હતા અને તેને ટ્રેન મારફતે ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે લાવ્યા હતા. ત્યારબાદ ઉપલેટા રેલવે સ્ટાફ દ્વારા ૧૦૮ ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી.
પોલીસ તપાસ અને મૃતક પાસેથી મળી આવેલા આઈડી પ્રૂફના આધારે મૃતકની ઓળખ માર્શલ કિશોરભાઈ ચાડસાણીયા (ઉ.વ. ૧૬) તરીકે થઈ છે. માર્શલ મૂળ ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના કે.જે. પટેલ હાઈસ્કૂલ વિસ્તારનો વતની હતો અને હાલ તેનો પરિવાર મોટી પાનેલી ગામની નવી ગ્રામ પંચાયત પાસે આવેલા ‘દર્શન એપાર્ટમેન્ટ’ના ત્રીજા માળે રહેતો હતો. તે જૂનાગઢના બામણગામના ભેસાણ રોડ પર આવેલી નોબલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. પિતા કિશોરભાઈ વ્યવસાયે ખેતી કરે છે અને માર્શલ તેમનો એકનો એક પુત્ર હોવાથી તેના મોતના સમાચાર મળતા જ સમગ્ર મોટી પાનેલી ગામમાં સન્નાટો છવાઈ ગયો છે.
આ દુઃખદ ઘટનામાં રેલવે તંત્ર અને પોલીસની ગંભીર બેદરકારી પણ સામે આવી હતી. ઘટનાની જાણ રેલવે વિભાગ અને રેલવે પોલીસ (GRP) ને કરવામાં આવી હતી, પરંતુ કલાકો વીતવા છતાં કોઈ પોલીસ અધિકારી ઘટનાસ્થળે કે રેલવે સ્ટેશન પર ફરક્યા ન હતા. વહાલસોયા દીકરાના મૃતદેહ સાથે પરિવારજનો પોલીસના આ વિલંબને જોઈને મૃતકના પરિવારજનો અને પાનેલી ગામના આગેવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
આખરે ધીરજ ખૂટતા આગેવાનો અને પરિવારે સીધો જ સંપર્ક સ્થાનિક ધારાસભ્ય, વિસ્તારના સાંસદ સભ્ય અને રાજ્યના મંત્રી સુધી કર્યો હતો અને પોલીસની નિષ્ક્રિયતા અંગે ઉગ્ર રજૂઆત કરી ફરિયાદ પહોંચાડી હતી. ઉપરથી રાજકીય દબાણ આવતા અને મંત્રી કક્ષાએથી સૂચના મળતા જ નિદ્રાધીન તંત્ર સફાળું જાગ્યું હતું. ઘટનાના ત્રણ કલાક બાદ જી.આર.પી. (GRP) પોલીસનો કાફલો ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વિદ્યાર્થી પાસેથી સ્યુસાઇડ નોટ મળી
સગીર વિદ્યાર્થી પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મોબાઈલ ફોનની બાબતે પરિવારમાં કોઈ ટકોર થતા અથવા કોઈ વાત લાગી આવતા માર્શલે આવેશમાં આવીને આ અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે. જોકે, પોલીસ તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે. આ ઘટનાએ ફરી એકવાર લાલબત્તી ધરી છે કે ક્ષણિક આવેશ અને નાની બાબતોમાં વિદ્યાર્થીઓ કેવા ગંભીર પગલાં ભરી લેતા હોય છે.


