સરકારી જમીન પર ખડકેલો ૫૦૦ કરોડનો આશારામનો આશ્રમ તંત્ર તોડી પાડશે
કોમનવેલ્થની તૈયારી અંતર્ગત સાબરમતી વિસ્તારમાં આવેલ આશ્રમને નોટીસ ફટકારી
અગ્ર ગુજરાત, અમદાવાદ
અમદાવાદમાં કોમનવેલ્થને લઈને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ડેવલપમેન્ટ શરૂ થયું છે. ત્યારે મોદી સ્ટેડિયમની બાજુમાં સાબરમતી વિસ્તારમાં આવેલો આસારામ આશ્રમ રાજ્ય સરકારની માલિકીની જગ્યામાં હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે.
500 કરોડની જમીન પર બનેલા આસારામ આશ્રમમાં 32 જેટલાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલાં છે, જેને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. ત્યારે આજે 21 જાન્યુઆરીના AMCએ આશ્રમની ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર કરી છે, અને એપેલેટ ઓથોરિટીમાં કેસનો નિકાલ લાવવા સૂચના આપી છે. તેથી આગામી સમયમાં 500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે!
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી નોટિસને લઈને આશ્રમ દ્વારા ઇમ્પેક્ટ ફીમાં મંજૂરીમાં મૂકવામાં આવી હતી, જેને મ્યુનિસિપલ કોર્પોરેશને નામંજૂર કરી છે. કોર્ટની એપેલેટ ઓથોરિટી સમક્ષ આ કેસ મૂકવામાં આવ્યો છે. જેમાં આજે 21 જાન્યુઆરીએ મળેલી લીગલ કમિટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વકીલની નિમણૂક કરી તાત્કાલિક આ કેસનો નિકાલ લાવવા માટેની સૂચના આપવામાં આવી છે. વર્ષોથી વિવાદમાં રહેલા આ આશ્રમનાં દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયને પગલે હવે ગમે ત્યારે ડિમોલિશનની કામગીરી શરૂ થવાની શક્યતા સેવાઈ રહી છે.
લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે, સાબરમતી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સ્પોર્ટસ સંકુલ ડેવલપમેન્ટ ફેઝ ટુની કામગીરી કરવામાં આવશે, જેના ડેવલપમેન્ટ માટે ગેરકાયદે બાંધકામો તોડવા પશ્ચિમ ઝોન દ્વારા નોટિસો આપવામાં આવેલી છે. પ્રકાશ ગુર્જરે વધુમાં કહ્યું હતું કે ગુડામાં એપેલેટ ઓથોરિટી સમક્ષ અરજી કરવામાં આવી છે, જે હાલમાં પેન્ડિંગ છે, જેથી કમિટી દ્વારા વકીલની ઝડપથી નિમણૂક કરીને કેસનો નિકાલ લાવવા માટેની સૂચના આપવામાં આવેલી છે.
સિટી મામલતદાર દ્વારા ફટકારવામાં આવેલી નોટિસમાં જણાવ્યું છે કે આસારામ આશ્રમે સર્વે નંબર 282- અ પૈકી 6,489, ગામ તળની 3,185 અને સાબરમતી નદીની 6,104 ચોરસ મીટર મળી કુલ 15,778 ચોરસ મીટર જગ્યા પર ગેરકાયદે કબજો કર્યો છે. જાણકારોનું કહેવું છે કે ચારેક દાયકા પહેલાં સરકારે આસારામ આશ્રમ માટે મોટેરામાં અંદાજે 33,980 ચોરસ મીટર જગ્યા ફાળવી હતી. ગત વર્ષના અંતમાં જ્યારે સરકારે ફરી સર્વે કરાવ્યો ત્યારે આસારામ આશ્રમની કુલ જગ્યા 49,758 ચોરસમીટર સામે આવી હતી, જેથી ગેરકાયદે કબજા અંગે જે-તે સમયે શરતોને આધીન અપાયેલી જગ્યામાં શરતભંગની નોટિસ આપી છે.


