(લઘુમતિ સમાજને ટાર્ગેટ કરી યાદીમાંથી નામ દૂર કરવા ફોર્મ ભરવામાં આવ્યું
ખોટી રીતે એકપણ મતદારનું નામ રદ કરવામાં નહી આવે: માંગરોળ મામલતદાર
અગ્ર ગુજરાત, માંગરોળ
માંગરોળના ચાખવા ગામે બોગસ તત્વો દ્વારા ખોટી રીતે ફોર્મ 7 રજુ કરી 300 જેટલા મતદારોના મતાધિકાર છીનવી લેવાનો કારશો રચાયો હોવાનું બહાર આવ્યું છે. લધૂમતિ સમાજના લોકોને જ ટાર્ગેટ કરી અંદાજે 300 જેટલા મતદારોના મતદાર યાદીમાથી નામ દૂર કરવા ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે. આ ફોર્મ કેશોદ તાલુકાના સોંદરડા ગામના એક વ્યક્તિના ઈપીક નંબર અને નામ સાથે ભરાયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જે એક રીતે મતદારોના મતાધિકાર છીનવી લેવાની ગુનાહિત પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. આવી હલકી માનસિકતા ધરાવતા બોગસ તત્વોને આખરે કોણ પ્રોત્સાહિત કરી રહ્યું છે..? કોઈ મતદારનું નામ દૂર કરવા અજાણ્યા વ્યક્તિને ફોર્મ 7 ભરવાનો અધિકાર કોણે આપ્યો..? અથવા તો આ ફોર્મ કોણે સબમિટ કર્યા…? ઠેર ઠેર આવી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ કરવા પાછળ આવી ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા તત્વો વિરુદ્ધ લોકોમાં રોષ ફેલાયો છે અને આવા નઠારા તત્વો વિરુદ્ધ (FIR) ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
આ બાબતે જુનાગઢ જિલ્લા જમીયતે તાત્કાલિક અસરથી ચાખવા ગામના આગેવાનો નો સંપર્ક કરી કાયદાકીય લડત ચલાવવા માર્ગદર્શન આપ્યું હતું. જેના પરિણામે બુધવારે સવારે ચાખવા ગામના આગેવાનો અને ચાખવા મુસ્લિમ સમાજના પ્રમુખ નબીરખાન બેલીમ, ઉપપ્રમુખ મજીદખાન બેલીમ , માજી સરપંચ બાદરખાન બેલીમ, આગેવાન અનવરખાન બેલીમ, હબીબખાન, હાજી મુહમ્મદ ખાન એ માંગરોળ મુસ્લિમ સમાજના પ્રમુખ મુહમ્મદહુસેન ઝાલા, જમીયત ઉલ્મા જુનાગઢ જિલ્લા સેક્રેટરી યુસુફભાઈ ચુડલી, માંગરોળ શહેર કોંગ્રેસ સમિતિને વાલભાઈ ખેર, કાસીબભાઈ શમા, સુલેમાનભાઈ પટેલ આમ આદમી પાર્ટી ના ઈસ્માઈલભાઈ કાલવાત ને સાથે રાખીને માંગરોળ મામલતદારશ્રીને રૂબરૂ આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. જેમા ચાખવા ગામના 300 જેટલા મતદારો સામે જે વાંધા અરજીઓ આવી છે તે નામો કમી કરવા પહેલા વાંધો ઉઠાવનાર વ્યક્તિઓને રૂબરૂ બોલાવવામાં આવે. અને તેમની પાસે પાકા પૂરાવા માંગવામાં આવે. બીએલઓ અને વહીવટી તંત્રની સારી કામગીરીને બદનામ કરી તંત્રને ખોટી રીતે હેરાન કરનાર તત્વો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરી હતી.
કાયદાકીય પગલા ભરવા જિલ્લા જમીયતના જનરલ સેક્રેટરીની માંગણી
એકતરફ SIR ની પારદર્શક પ્રક્રિયા માટે માંગરોળ વિધાનસભા વિસ્તારમાં માંગરોળ વહીવટી તંત્ર સાથે બૈયતુમાલ ફંડ અને જમીયત ઉલ્માએ હીન્દ જેવી અનેક સામાજિક સંસ્થાઓ અને બીએલઓ એ રાતદિવસ એક કરી ખુબજ સરહાનિય કામગીરી કરી દરેક સાચા મતદારોના નામ મતદાર યાદીમાં ચડાવવામાં સફળ થયા હતા. જેમા ખુદ માંગરોળ મામલતદારશ્રી વૈભવીબા મોરી પણ અડધી રાત સુધી રાઉન્ડમાં રહેતા હતા. પરંતુ કેટલાક અસામાજિક તત્વોની મુરાદો બર ના આવતા છેવટે ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરીને સાચા મતદારોના નામ દૂર કરવાની હલકી માનસિકતા છતી કરી છે. આ બાબતે જુનાગઢ જિલ્લા જમીયતના જનરલ સેક્રેટરી યુસુફભાઈ ચુડલીએ વહીવટી તંત્ર, સામાજિક સંસ્થાઓ અને બીએલઓની સરહાનિય કામગીરીને બદનામ કરતા તત્વો વિરુદ્ધ કાયદાકીય પગલા ભરવા અને ચુંટણી પંચ અને વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરનાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવા માંગ કરી હતી. આ બાબતે માંગરોળ મામલતદાર વૈભવીબા મોરીએ એવી બહેંધરી આપી હતી કે, ખોટી રીતે એકપણ મતદારનું નામ રદ કરવામાં નહી આવે.


