ગાર્ડી વિદ્યાપીઠ દ્વારા ૩૭ સ્ટાફમિત્રોને એવોર્ડ એનાયત
ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફની કાર્યક્ષમતાને વધારવા એવોર્ડ સેરેમનીનું કરાયું આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
ગાર્ડી વિદ્યાપીઠ દ્વારા તાજેતરમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટેના સ્ટાફ એક્સેલેન્સ એવોર્ડનું ભવ્ય આયોજન એક્રોલોન્સ ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું. પ્રતિ વર્ષ સંસ્થાની વિવિધ કોલેજના ટીચીંગ તેમજ નોન ટીચીંગ સ્ટાફની કાર્યક્ષમતાને વધાવવા અને એમની નિપુણતાને પ્રોત્સાહન આપવા ટી વી મહેતા ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ગારડી વિદ્યાપીઠ દ્વારા એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે કુલ ૩૭ સ્ટાફમિત્રોને એવોર્ડ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શિક્ષણવિદ પ્રો. ડો.ભદ્રાયુ વછરાજાની ઉપસ્થિત રહ્યા હતા. જેમણે સ્ટાફ મિત્રો સાથે વક્તવ્ય દ્વારા પોતાના વિચારો માર્ગદર્શન સ્વરૂપે પ્રસ્તુત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કોલેજના કર્મચારી તરીકે સ્ટાફ મેમ્બર્સને તેમની જવાબદારી અંગે સૂચનો અને પોતાના અનુભવના આધારે વર્તમાન સમયની પ્રોફેશનલ જવાબદારીઓ અંગે સહુને અવગત કર્યા હતા.
આ ઉપક્રમમાં એન્જિનિયરિંગ, એમ.બી.એ., હોમીયોપેથી, આયુર્વેદ, નર્સિંગ કોલેજના શૈક્ષણિક સ્ટાફને બેસ્ટ ટીચીંગ મેથડોલોજી, રિસર્ચ એન્ડ ઇનોવેશન તથા અનમેચડ ડેડિકેશન એવોર્ડ જેવી ત્રણ કેટેગરીમાં કુલ ૨૫ એવોર્ડ આપવામાં આવ્યા હતા. જ્યારે અન્ય સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટ સ્ટાફ અને સપોર્ટ સ્ટાફ માંથી પ્યુનભાઈ, આયાબહેન, ડ્રાઈવર તેમજ સફાઈ કર્મચારીઓને પણ સમ્માનિત કરવામાં આવેલા. આ તકે સંસ્થાના ચેરમેન શ્રી ડી વી મહેતા એ સર્વે કર્મચારીઓને શુભકામનાઓ પાઠવી હતી તથા કેમ્પ્સના મેનેજિંગ ડાયરેક્ટર જય મહેતા એ આગામી વર્ષોમાં સંસ્થામાં થનારા વિકાસ અને સુધારામાં સર્વે કર્મચારીઓ હોંશભેર જોડાય અને સંયુક્ત રીતે સ્ટાફની ઉન્નતિ તેમજ પ્રગતિ થાય તથા સહુ કોઈ વધુ સક્ષમ રીતે કાર્યબદ્ધ બને એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમમાં કોલેજ સાથે જોડાયેલ વિવિધ સંસ્થાઓ તેમજ કંપનીના પ્રતિનિધિઓ પણ મહેમાન તરીકે હાજરી આપી હતી. આ ગાર્ડી એક્સેલેન્સ એવોર્ડનું રસપ્રદ રીતે સંચાલન સંસ્થાના જ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારી પ્રો.ચેતસ ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે કાર્યક્રમના અંતમાં આયુર્વેદ કોલેજના પ્રો.ડો.શ્રદ્ધા વ્યાસ દ્વારા આભારવિધિ કરવામાં આવેલ.


