જંગલેશ્વરનો ચહેરો બદલાયો : ગેરકાયદે મકાનો પર કડક કાર્યવાહી
87 હજાર ચો.મી. વિસ્તારમાંથી બાકી 370 મકાનો આજે સાંજ સુધીમાં ધરાશાયી : રોડ અને નદી પટ્ટ પર વિકાસ માટે મનપાની તૈયાર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના સૌથી સંવેદનશીલ અને લાંબા સમયથી વિવાદમાં રહેલા જંગલેશ્વર વિસ્તારમાં શરૂ કરાયેલ મેગા ડિમોલિશન કાર્યવાહી આજે બીજા દિવસે પણ યથાવત ચાલુ રહી છે. ગઇકાલે વહેલી સવારથી રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા વિશાળ ઓપરેશનમાં સાંજ સુધીમાં 1119 જેટલા ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે સવારથી ફરી એકવાર બુલડોઝર, જેસીબી અને વિશાળ સ્ટાફ સાથે તંત્ર મેદાને ઉતરતાં બાકી રહેલા 370 મકાનો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આજે સવારે 10 વાગ્યા સુધીમાં કુલ 1134 ગેરકાયદે બાંધકામો દૂર કરી દેવામાં આવ્યા હતા. હવે સાંજ સુધીમાં આજી નદીના પટ્ટ તેમજ ટીપી રોડ પર ફેલાયેલા કુલ 87 હજાર ચોરસ મીટર વિસ્તારમાંથી તમામ દબાણો સંપૂર્ણ રીતે સાફ કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ડિમોલિશન બાદ આખો વિસ્તાર કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયો છે, જેને હટાવવા માટે આગામી અનેક દિવસો સુધી સફાઈ અને મલબો દૂર કરવાની કામગીરી ચાલશે.
જંગલેશ્વર વિસ્તાર આજી નદીના કાંઠે તેમજ શહેરના મહત્વના ટીપી રોડ પર સ્થિત હોવાથી વર્ષોથી અહીં ગેરકાયદે કાચા-પાકા બાંધકામો ઊભા થઈ ગયા હતા. સોરઠીયા વે-બ્રિજથી લઈને કોઠારીયા રોડ પર કેદારનાથ મંદિર પાછળના ભાગ સુધી, એકતા કોલોની, જંગલેશ્વરની અંદાજે 30 જેટલી શેરીઓ, સરદાર પટેલ સ્મશાન વિસ્તાર, 15 મીટર ટીપી રોડ તેમજ બુદ્ધનગર-1થી રાધાકૃષ્ણનગર શેરી નં.18 સુધી આ દબાણો ફેલાયેલા હતા.
મહાનગરપાલિકાએ અગાઉ કુલ 1500 જેટલી મિલકતોને ડિમોલિશનની નોટિસ પાઠવી હતી. જેમાંથી ગઇકાલે આજી નદીના પટ્ટમાં આવેલા 997 દબાણોમાંથી 681 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કેટલીક મિલકતોનો માત્ર ભાગ જ ટીપી રોડ કે નદીના પટ્ટમાં આવતો હોવાથી તે ભાગ કોંક્રિટ કટર અને મશીનરી વડે દૂર કરવામાં આવ્યો હતો. જ્યારે 381 મિલકતોને સંપૂર્ણ રીતે ધરાશાયી કરવામાં આવી હતી.
ડિમોલિશન દરમિયાન તંત્રના ધ્યાનમાં આવ્યું છે કે જંગલેશ્વર વિસ્તારમાં માત્ર ગરીબ પરિવારો જ નહીં, પરંતુ કેટલાક ભૂમાફિયાઓ દ્વારા સરકારી જમીન પર દાદાગીરીથી કબજો કરવામાં આવ્યો હતો. નદીના પટ્ટમાં તથા રોડ પર કાચા-પાકા મકાનો અને ઓરડીઓ બનાવી પરપ્રાંતિય મજૂરો અને ગરીબ લોકોને ભાડે આપી મહિને મોટું ભાડું ઉઘરાવવામાં આવતું હતું. વર્ષો સુધી ચાલેલા આ ગેરકાયદે ધંધાને અંતે તંત્રએ કડક કાર્યવાહી કરીને નેસ્તનાબૂદ કર્યો છે.
જે વિસ્તારોમાં ડિમોલિશન કરવામાં આવ્યું છે ત્યાં અગાઉ હત્યાના પ્રયાસ, મારામારી, જુગાર અને નશાની પ્રવૃત્તિઓના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ રેકોર્ડ દર્શાવે છે. ડિમોલિશન દરમિયાન ગાંજો અને પોશડોડા સહિતની નશીલી સામગ્રી મળી આવતાં આ વિસ્તાર ગુનાખોરીના અડ્ડા બની ગયો હોવાનું પણ સામે આવ્યું છે.
ડિમોલિશન શરૂ થતા જ ગઇકાલે જંગલેશ્વર વિસ્તારમાં સોપો પડી ગયો હતો. શેરીઓમાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અગાઉ જ 1026 જેટલા રહેવાસીઓએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કરીને સામાન ખાલી કરી દીધો હતો. જ્યારે જેમના મકાનો તોડવાના બાકી હતા તેમના ચહેરા પર ચિંતા અને ભય સ્પષ્ટ દેખાતો હતો.
પોતાના ઘરનો વારો હવે આવશે તે ભયે અનેક મહિલાઓની આંખોમાં આંસુ હતા. કેટલાક પરિવારો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. તો કેટલાક લોકો આસપાસની અગાશીઓ પર ચડીને બુલડોઝરની કાર્યવાહી નિહાળતા જોવા મળ્યા હતા. આજે પણ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.
ડિમોલિશનમાં ઘર ગુમાવનાર લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ બાબતે ડેપ્યુટી કમિશનર મહેશ જાનીનું કહેવું છે કે, જેમની પાત્રતા સરકારના નિયમો મુજબ સાબિત થશે, તેમને આવાસ યોજનામાં નિયમ અનુસાર મકાનો ફાળવવામાં આવશે. જોકે, ભાડે રહેતા અને ગેરકાયદે રીતે વસવાટ કરનારાઓને આ લાભ મળશે કે નહીં તે અંગે હજી સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ડિમોલિશન બાદ હવે તંત્રનું ધ્યાન વિકાસ કાર્ય તરફ કેન્દ્રિત થયું છે. મનપાના અધિકારીઓએ જણાવ્યું છે કે ખુલ્લા થયેલા ટીપીના 15 મીટર પહોળા રસ્તા પર આગામી સાત દિવસમાં ડામર રોડનું કામ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત આજી નદીના પટ્ટ ફરતે મજબૂત કમ્પાઉન્ડ વોલ બનાવવાની પણ તાત્કાલિક તૈયારી શરૂ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં ફરી દબાણ ન થાય.
આ માત્ર દબાણ હટાવવાની કાર્યવાહી નથી – હર્ષ સંઘવી
જંગલેશ્વર ડિમોલિશન અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કડક શબ્દોમાં નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, આ માત્ર દબાણ હટાવવાની ઝુંબેશ નથી, પરંતુ ગુનેગારોના સામ્રાજ્યને તોડવાની કાર્યવાહી છે. તેમના જણાવ્યા મુજબ, જંગલેશ્વરમાં ફેઝ-1 ડિમોલિશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે અને સરકારી જમીન પરથી અસામાજિક તત્વોનું શાસન ખતમ કરવાનો આ સંકલ્પ છે.
ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, સામાન્ય નાગરિકોને પરેશાન કરતી દાદાગીરી હવે સહન કરવામાં આવશે નહીં. સરકારી જમીન ખુલ્લી કરાવી ત્યાં કાયદો અને વ્યવસ્થાનું શાસન સ્થાપિત કરવામાં આવશે.
ડિમોલિશનના મુખ્ય આંકડા
જંગલેશ્વર વિસ્તારમાં કુલ 1489 ગેરકાયદે બાંધકામો તોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગઇકાલે 1119 મકાનો ધરાશાયી કરાયા, જ્યારે આજે બાકી રહેલા 370 મકાનો તોડવાની કાર્યવાહી ચાલી રહી છે. આજી નદીના પટ્ટ અને ટીપી રોડ પર ફેલાયેલા કુલ 87 હજાર ચોરસ મીટર વિસ્તારમાંથી દબાણો દૂર કરાઈ રહ્યા છે.
ડિમોલિશનથી ભૂમાફિયાનો ભાંડો
ડિમોલિશન દરમિયાન ખુલાસો થયો છે કે કેટલાક ભૂમાફિયાઓ સરકારી જમીન પર કબજો કરી ગરીબોને ભાડે મકાનો આપી રહ્યા હતા. આ દબાણોમાંથી દર મહિને મોટું ભાડું ઉઘરાવવામાં આવતું હતું. વર્ષો સુધી ચાલેલી આ ગેરકાયદે પ્રવૃત્તિ હવે બુલડોઝર હેઠળ દબાઈ ગઈ છે.
ઘર ગુમાવનાર રહેવાસીઓની વ્યથા
ઘરો તૂટતા અનેક પરિવારો માનસિક રીતે તૂટી પડ્યા છે. મહિલાઓની આંખોમાં આંસુ, બાળકોમાં ભય અને વૃદ્ધોમાં અસુરક્ષા જોવા મળી રહી છે. જોકે, સ્વૈચ્છિક રીતે દબાણ હટાવનારાઓમાં થોડી રાહતનો ભાવ પણ જોવા મળ્યો છે.
ડિમોલિશન એટલે વિકાસની દિશામાં પગલું
ડિમોલિશન બાદ મનપા દ્વારા નવા રોડ, ડામર કામ અને આજી નદીના પટ્ટ ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવાની યોજના છે. આ પગલાંથી વિસ્તારમાં ટ્રાફિક સુવિધા અને સુરક્ષા બંનેમાં સુધારો થવાની અપેક્ષા છે.
કાયદો અને વ્યવસ્થાનો સંદેશ
ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવેદન મુજબ, જંગલેશ્વર કાર્યવાહી રાજ્યભરમાં સ્પષ્ટ સંદેશ આપે છે કે સરકારી જમીન પર દાદાગીરી અને ગુનાખોરી ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી થશે. આ અભિયાન કાયદો અને વ્યવસ્થાના શાસનને મજબૂત બનાવવાનું પ્રતીક છે.
ડિમોલિશન બાદ રહેવાસીઓની વેદના, વડાપ્રધાનનો બેનરો સાથે કર્યો વિરોધ
આખી રાત ખુલ્લામાં વિતાવ્યા બાદ સવારે બે રહેવાસીઓએ વિરોધ વ્યક્ત કરતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી રાજકોટના સંવેદનશીલ જંગલેશ્વર વિસ્તારમાં મનપાતંત્ર દ્વારા કરાયેલા મેગા ડિમોલિશન બાદ અનેક પરિવારો પરિસ્થિતિ સામે લાચાર બન્યા છે. ગેરકાયદે બાંધકામ તોડવામાં આવતા અનેક રહેવાસીઓએ ગઇકાલે આખી રાત ખુલ્લા આકાશ નીચે વિતાવવી પડી હતી. ઘર તૂટતાં જ છત વિહોણા બનેલા અમુક પરિવારો ખાધા-પીધા વગર ચોધારા આંસુએ રડતા રહ્યા હોવાની કરુણ સ્થિતિ જોવા મળી હતી. ડિમોલિશન બાદ વિસ્તારમાં સન્નાટો છવાયો હતો. મહિલાઓ, બાળકો અને વૃદ્ધો ખુલ્લામાં બેઠા રહી રાત પસાર કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાને લઈને આજે સવારથી જ રહેવાસીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી. આ રોષ વચ્ચે આજે સવારે કેટલાક લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ વિરોધ દરમિયાન રોષે ભરાયેલા લોકો પૈકી બે વ્યક્તિઓએ ગળામાં બેનર લટકાવી નરેન્દ્ર મોદી દેશવિરોધી છે તેવા ઉગ્ર લખાણ સાથે જાહેરમાં વિરોધ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને બંને વ્યક્તિઓને તાત્કાલિક અટકાયત કરીને બેનર દૂર કરાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો છે અને વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડિમોલિશન બાદના આ ઘટનાક્રમથી જંગલેશ્વર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે.


