ઉપલેટામાં સિધ્ધનાથ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય વાંચન દિવસની ઉજવણી કરાઇ
“વાંચન વ્યક્તિના જીવનમાં દુષ્કાળમાં પણ જીવ પુરે છે.”
અગ્ર ગુજરાત, રાજકોટ
૧૯ મી જૂન રાષ્ટ્રીય વાંચન દિવસની ઉજવણી સમગ્ર ભારતમાં થઈ રહી છે. આ સિધ્ધનાથ ટ્રસ્ટના જયેશ ત્રિવેદી (ઉપપ્રમુખ જિલ્લા ભાજપ)એ જણાવેલ કે રાષ્ટ્રીય વાંચન દિવસની ઉજવણીએ યુવાનોને વાંચન તરફ પ્રેરણા મળે તેવા હેતુથી વાંચન દિવસની ઉજવણી કરવામાં આવેલ. આ દિવસ કેરળના મહાન ચિંતક પી.એન.પાનીકરની પુણ્યતિથિની ઉજવણી રૂપે ભારતમાં ઉજવવામાં આવે છે. જે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭થી ઉજવણી કરવામાં આવે છે.
ઉપલેટા ખાતે શેઠ ટી.જે.કન્યા વિદ્યાલય ખાતે સૌપ્રથમ વખત સમૂહ વાંચનનો કાર્યક્રમ સિધ્ધનાથ ટ્રસ્ટના માધ્યમ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. કારણ કે આજે ડિજિટલ યુગમાં યુવાનો મોટે ભાગે ઓનલાઇન રહે છે. વાંચન તરફનો પ્રભાવ ઓછો થતો જાય છે. પણ વાંચન ટેવ એ જીવન માટે સૌથી મોટો આદર્શ છે. આદર્શ શિક્ષક છે. જીવનને સાર્થક બનાવવાનું સૌથી અગત્યનું પાસું હોય તો વાંચન છે. સારું વાંચન વ્યક્તિને દુઃખમાંથી ઉગારવાનો રસ્તો બતાવે છે. વાંચન એ સૌથી જૂનું જીવનને ફળદ્રુપ બનાવવાનો રસ્તો છે. આજે આ દિવસે યુવાનોને એટલું ખાસ કહેવાનું કે વાંચન તરફ વળો જ્યારે વાંચનની ટેવ કેળવશો ત્યારે જ ખ્યાલ આવશે કે વાંચનમાં કેટલો ખજાનો છુપાયેલો છે.
રચનાત્મક વાંચનથી જીવનમાં ઊંડા અર્થ સમજાય છે. વિચારોની મોકળાશ પ્રાપ્ત થાય છે. તેમજ વાંચનથી વિચાર – વાણી – વર્તનમાં વિનય અને વિવેક આવે છે. અને જીવનમાં નવી દિશા પ્રાપ્ત થાય છે. માટે દરેક પરિવાર વાંચન તરફ વળો તેવો આજના દિવસે ભાવ પ્રગટ કરેલ. આ સમયે શિક્ષણ સમિતિના પ્રતિનિધિ ચિંતનભાઈ કરાવડિયા , પત્રકાર નીલમબેન રાઠોડ, તેમજ કિર્તીભાઈ ટીલાવત ઉપસ્થિત રહ્યા હતાં.


