કાકાએ જ લાજ લૂંટી: 14 વર્ષીય ભત્રીજીને ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવી 5 મહિના સુધી શોષણ
પેટમાં અસહ્ય દુખાવો થતાં હોસ્પિટલે પહોંચતા ખુલ્યો ભયાનક ભેદ; પત્ની પિયરમાં હોવાથી આરોપી કાકો ભાઈ-ભાભી સાથે રહેતો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં કાકા-ભત્રીજી જેવા પવિત્ર સંબંધને શરમજનક બનાવતો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. 14 વર્ષીય સગીર ભત્રીજી પર તેના જ કૌટુંબિક કાકાએ છેલ્લા પાંચ મહિનાથી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વધુ ચોંકાવનારી બાબત એ છે કે ભત્રીજી ગર્ભવતી ન બને તે માટે આરોપી કાકા તેને નિયમિત રીતે ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવતો હતો. આખરે બાળકીના પેટમાં અચાનક દુખાવો શરૂ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તબીબી તપાસ દરમિયાન સમગ્ર ઘટના બહાર આવી ગઈ. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કાકાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટમાં રહેતા એક પરિવારમાં મધ્યપ્રદેશના ઉજ્જૈનથી રોજગાર માટે આવેલા લોકો રહે છે. આ પરિવારમાં પિતા, પુત્રી અને કૌટુંબિક કાકા સહિતના સભ્યો એક જ ઘરમાં સંયુક્ત રીતે રહેતા હતા. બાળકીની માતા કોઈ પારિવારિક કારણસર રિસામણે પિયરમાં રહેવા જતી રહી હોવાથી ઘરમાં પિતા અને અન્ય સગાસંબંધીઓ સાથે સગીરા રહેતી હતી. આ સંજોગોમાં આરોપી કાકાએ ઘરમાં એકલા મળતા સગીરાનો વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીની પત્ની છેલ્લા લગભગ આઠ મહિનાથી તેના ચાર બાળકો સાથે પિયરમાં રહેવા ગઈ હતી. પત્નીની ગેરહાજરીનો લાભ ઉઠાવી આરોપી પોતાના ભાઈના પરિવાર સાથે રહેતો હતો અને ઘરમાં મળતા મોકાનો ફાયદો ઉઠાવી સગીરાને શિકાર બનાવતો હતો.
પરિવારજનોને આ સમગ્ર ઘટના વિશે ત્યારે જાણ થઈ જ્યારે સગીરાને અચાનક પેટમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો. બુધવારના રોજ બાળકીની તબિયત અચાનક બગડતા તેના પિતા ચિંતિત બની ગયા હતા. પૂછપરછ દરમિયાન તેમને બાળકી પાસેથી કેટલીક શંકાસ્પદ ગોળીઓ મળી આવી હતી. ગોળીઓ અંગે સવાલ કરતા બાળકી ગભરાઈ ગઈ હતી, જેના કારણે પિતાની શંકા વધુ મજબૂત બની.
આ બાદ બાળકી ને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં તબીબોએ તપાસ કર્યા બાદ જણાવ્યુ હતું કે બાળકી જે ગોળીઓ લઈ રહી હતી તે ગર્ભનિરોધક દવાઓ હતી. તબીબોએ પરિવારને જણાવ્યું હતું કે આટલી નાની વયે ગર્ભનિરોધક ગોળીઓનું સતત સેવન કરવાથી શરીરમાં ગંભીર ઈન્ફેક્શન થવાની શક્યતા રહે છે અને કેટલીક પરિસ્થિતિમાં તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
ડોક્ટરોની આ વાત સાંભળ્યા બાદ બાળકીના પિતા ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ પિતાએ બાળકી ને વિશ્વાસમાં લઈને સમગ્ર હકીકત જાણવા પ્રયત્ન કર્યો હતો. અંતે સગીરાએ રડતા રડતા છેલ્લા પાંચ મહિનાથી તેના પર થતા શારીરિક શોષણની વાત જણાવી હતી.
બાળકીના નિવેદન અનુસાર, તેનો કૌટુંબિક કાકો છેલ્લા પાંચ મહિનાથી જ્યારે ઘરમાં કોઈ હાજર ન હોય ત્યારે તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો. શરૂઆતમાં બાળકી ડરી ગઈ હતી, પરંતુ આરોપીએ તેને ધમકી આપી હતી કે જો તે કોઈને કહેશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ ધમકીઓના કારણે સગીરા લાંબા સમય સુધી મૌન રહી હતી.
બાળકીના જણાવ્યા મુજબ, દરેક વખતના શોષણ બાદ આરોપી તેને ગર્ભનિરોધક ગોળીઓ ખાવા માટે મજબૂર કરતો હતો. આરોપીનો હેતુ એ હતો કે ભોગ બનનાર ગર્ભવતી ન બને અને તેની કરતૂત બહાર ન આવે. આ સમગ્ર ઘટના સામે આવતા બાળકીના પિતાએ તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ રાજકોટના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 65(1) અને 351(3) ઉપરાંત પોક્સો એક્ટની કલમ 4(2) તથા 6(1) હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદ નોંધાતા જ પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું અને ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ મુજબ આરોપી છેલ્લા પાંચ મહિનાથી ભોગ બનનાર સગીરા સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો. ઘટના ત્યારે બનતી હતી જ્યારે ઘરમાં અન્ય કોઈ હાજર ન હોય અને આરોપી તથા સગીરા એકલા હોય. તપાસ દરમિયાન પોલીસે આરોપીના કપડાં કબજે કર્યા છે તેમજ બનાવ સ્થળ પરથી પણ જરૂરી પુરાવાઓ એકત્રિત કર્યા છે. ઘટનાસ્થળની વૈજ્ઞાનિક તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓ તથા ક્રાઈમ એક્સપર્ટની ટીમને પણ બોલાવવામાં આવી હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે કેસની તપાસ દરમિયાન આરોપીનો મોબાઈલ ફોન પણ કબજે લેવામાં આવ્યો છે. બાળકીના પિતાએ અગાઉ આરોપીને ગોળીઓ અંગે પૂછપરછ કરતાં કેટલાક મેસેજ કર્યા હતા, જેના વોટ્સએપ ચેટ્સ અને અન્ય ડિજિટલ પુરાવાઓ પણ તપાસ માટે રિકવર કરવામાં આવી રહ્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ, કેસમાં મળતા તમામ પુરાવાઓના આધારે વધુ તપાસ ચાલી રહી છે. સગીરાની તબીબી તપાસ તથા કાઉન્સેલિંગ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.
આ બનાવ સામે આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. કાકા જેવા નજીકના સગાએ જ પોતાની ભત્રીજી પર આવી હદે અત્યાચાર કર્યો હોવાની વાત સાંભળીને લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસનું કહેવું છે કે આ પ્રકારના સંવેદનશીલ કેસોમાં ભોગ બનનારની ઓળખ ગુપ્ત રાખવી ખૂબ જ જરૂરી છે અને કાયદા મુજબ તેની સંપૂર્ણ સુરક્ષા અને સહાયતા સુનિશ્ચિત કરવામાં આવશે. હાલ પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે અને તપાસના આધારે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


