જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ
PGVCLની બેદરકારીથી બનેલી ઘટનાની રાવ, ખેડૂતને લાખોનું નુકશાન
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુરના રબારીકા રોડ પર આવેલ નંદાણીયા નગર વિસ્તારમાં PGVCLની મોટી બેદરકારી સામે આવી છે. અહીં ખેતરો પરથી પસાર થતો હાઈટેન્શન વીજતાર અચાનક તૂટી પડતા જોરદાર ધડાકો થયો હતો, જેના કારણે ખેડૂતની વાડીમાં રહેલી પાણીની મોટર, ઇલેક્ટ્રિક ઉપકરણો અને નીલગીરીના વૃક્ષોમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને પગલે ખેડૂતને હજારો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
મળતી માહિતી મુજબ, રબારીકા રોડ પર નંદાણીયા નગરમાં ખેડૂત સુરેશભાઈ સામજીભાઈ નંદાણીયા પોતાના ખેતરમાં ઉનાળુ પાકને પાણી પાઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ થતા ધડાકાભેર વીજતાર નીચે તૂટી પડ્યો હતો. વીજતાર પડતાની સાથે જ વાડીની ઓરડીમાં રાખેલ મોટરનું સ્ટાર્ટર, વાયરિંગ, ફ્યુઝ અને પંખા સહિતના સાધનો બળીને ખાખ થઈ ગયા હતા.
માત્ર એટલું જ નહીં, વીજતાર પડવાના કારણે બાજુમાં આવેલા નીલગીરીના વાવેતરમાં પણ તણખા ઝરતા આગ ફાટી નીકળી હતી. સૂકા ઘાસ અને નીલગીરીના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતા જ જેતપુર નગરપાલિકાના ફાયર ફાઈટર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ દુર્ઘટના અંગે પીડિત ખેડૂત સુરેશભાઈએ જણાવ્યું હતું કે, “હું ખેતરમાં પાણી પાતો હતો ત્યારે અચાનક ધડાકો થયો. ઓરડીમાં જોયું તો બધું બળી ગયું હતું. અમે ₹250ની મજૂરીએ કામ કરીએ છીએ અને આ જમીન પણ ભાગમાં (ભાડે) રાખેલી છે. હવે ₹25,000ની મોટર બળી ગઈ છે, તો મારે જમીન માલિકને શું જવાબ આપવો? PGVCLની આ નબળી લાઈનોને કારણે અમારે મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે.”
અન્ય એક સ્થાનિક હસમુખભાઈ નંદાણીયાએ પણ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, અહીં વારંવાર વીજતાર નીલગીરીના ઝાડને અડે છે અને પવન આવે ત્યારે ઘર્ષણ થવાથી શોર્ટ સર્કિટ થાય છે. અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી.
ખેડૂતોનો આક્ષેપ છે કે PGVCL દ્વારા જર્જરિત વાયરો અને નબળા પોલનું સમયસર મેન્ટેનન્સ કરવામાં આવતું નથી. આ બેદરકારીને કારણે ખેડૂતોના કિંમતી સાધનો અને પાકને નુકસાન થઈ રહ્યું છે. હાલમાં ખેડૂતોએ આ નુકસાન સામે વળતરની માંગ કરી છે અને તંત્ર વહેલી તકે આ ભયજનક લાઈનોનું સમારકામ કરે તેવી અપીલ કરી છે.


