ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત ૫૦થી વધારે ક્ષતિઓ
બોર્ડ દ્વારા લેવાયેલું પેપર વિવવાદમાં ધેરાયું: મોટાપાયે ભાષાકીય ભુલો હોવાનું નિષ્ણાંતોનો દાવો
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની ગુજરાતી (પ્રથમ ભાષા)ની પરીક્ષા હવે વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. 26મી ફેબ્રુઆરીએ લેવાયેલા પ્રશ્નપત્રમાં મોટા પાયે ભાષાકીય ભૂલો સામે આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. નિષ્ણાતોના દાવા મુજબ, આ પ્રશ્નપત્રમાં જોડણી, વ્યાકરણ અને તથ્ય સંબંધિત ૫૦થી વધુ ક્ષતિઓ જોવા મળી છે, જેને લઈને સોશિયલ મીડિયા પર બોર્ડની કામગીરીની ભારે ટીકા થઈ રહી છે.
વાયરલ થયેલા પ્રશ્નપત્રના સ્ક્રીનશોટ્સના આધારે જાણવા મળે છે કે ભૂલો માત્ર જોડણી પૂરતી મર્યાદિત નથી, પરંતુ વ્યાકરણના મૂળભૂત નિયમોમાં પણ ગંભીર ખામીઓ જોવા મળી છે. ખાસ કરીને કાવ્ય વિભાગમાં પૂછાયેલા પાઠ્યમાં અનેક શબ્દો ખોટી રીતે છપાયા હોવાનું સામે આવ્યું છે. કેટલાક સ્થળોએ વાક્ય રચનામાં પણ ખામી જોવા મળી છે, જે વિદ્યાર્થીઓ માટે ગૂંચવણભરી પરિસ્થિતિ સર્જી શકે છે.
તે ઉપરાંત, પદ્ય આધારિત પ્રશ્નોમાં આપેલા વિકલ્પો અને સંભવિત જવાબોમાં પણ તથ્યલક્ષી ભૂલો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ પ્રકારની ક્ષતિઓ પરીક્ષાની વિશ્વસનીયતા પર સીધી અસર કરતી હોવાનું શિક્ષણ નિષ્ણાતોનું માનવું છે. ઘણા શિક્ષકો અને વાલીઓએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે કે વિદ્યાર્થીઓ પાસેથી ભાષાની શુદ્ધતા અને ચોકસાઈની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ બોર્ડના જ પ્રશ્નપત્રમાં આવી ખામીઓ હોવી ગંભીર બાબત છે.
આ સમગ્ર મામલે શિક્ષણ બોર્ડના સત્તાધીશોનો સંપર્ક કરતા તેઓએ ગોપનીયતાનો મુદ્દો આગળ રાખ્યો હતો. બોર્ડના જણાવ્યા મુજબ, દરેક વિષય માટે પાંચ નિષ્ણાતો દ્વારા અલગ-અલગ પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવે છે. આ તમામ પેપરો સીલબંધ કવરમાં જમા થાય છે અને તેની અંદરની સામગ્રીની પૂર્વ તપાસ કરવામાં આવતી નથી. બાદમાં બોર્ડના ચેરમેન દ્વારા કોઈ એક કવર પસંદ કરીને તેને સીધું જ પ્રિન્ટિંગ માટે મોકલી આપવામાં આવે છે.
બોર્ડનો દાવો છે કે જો પ્રૂફ રીડિંગ કરવામાં આવે તો પેપર લીક થવાની શક્યતા વધે છે અને ગોપનીયતા ભંગ થવાનો ભય રહે છે. આ કારણસર પ્રશ્નપત્ર સીધું જ છપાઈને બહાર આવે છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે ગોપનીયતા જાળવી રાખીને પણ પ્રૂફ રીડિંગ માટે અલગ અને સુરક્ષિત વ્યવસ્થા ઊભી કરી શકાય છે.
ગુજરાતી જેવી માતૃભાષાના પેપરમાં આટલી મોટી સંખ્યામાં ભૂલો હોવી માત્ર ટેકનિકલ ખામી નથી, પરંતુ તે શિક્ષણ વ્યવસ્થાની ગુણવત્તા પર પણ સવાલ ઊભા કરે છે. વિદ્યાર્થીઓ માટે આ પરિસ્થિતિ માનસિક દબાણ ઊભું કરી શકે છે, કારણ કે તેઓ સાચા જવાબ અંગે સંશયમાં મુકાઈ શકે છે.
હાલમાં આ મુદ્દે બોર્ડ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે સુધારાત્મક પગલાં અંગે જાહેરાત કરવામાં આવી નથી. શિક્ષણ જગતમાં એવી માંગ ઊઠી રહી છે કે બોર્ડ આ મામલે જવાબદારી સ્વીકારી યોગ્ય તપાસ કરે અને ભવિષ્યમાં આવી ભૂલો ટાળવા માટે સઘન વ્યવસ્થા ઊભી કરે.


