ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
ખેડૂત સંકલ્પ યાત્રા કેશોદ પહોંચતા થયેલો વિવાદ: બન્ને નેતાઓના એકબીજા પર આક્ષેપથી રાજકારણ ગરમાયું
અગ્ર ગુજરાત, જૂનાગઢ
સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના પડતર પ્રશ્નોને વાચા આપવા માટે નીકળેલી ‘ખેડૂત સંકલ્પ યાત્રા’ અત્યારે વિવાદ અને ચર્ચાનું કેન્દ્ર બની છે. તુલસીશ્યામથી પ્રારંભ થયેલી આ યાત્રા વિવિધ શહેરો અને ગામડાઓમાંથી પસાર થઈને જુનાગઢ જિલ્લાના કેશોદ પહોંચી છે. આ યાત્રાનો મુખ્ય આશય ખેડૂતોને એક મંચ પર લાવી, દેવા માફી, સિંચાઈનું પાણી અને પાકના પોષણક્ષમ ભાવ જેવા પાયાના મુદ્દાઓ પર બિન-રાજકીય સંગઠન ઊભું કરવાનો છે.
યાત્રાના આયોજકો ખેડૂતોને મળીને નકલી બિયારણ, ખાતરની અછત અને વીજ કંપનીઓની મુશ્કેલીઓ સાંભળી રહ્યા છે અને આગામી દિવસોમાં ટ્રેક્ટર રેલી દ્વારા મજબૂત શક્તિ પ્રદર્શનની તૈયારી કરી રહ્યાં છે. જોકે આ યાત્રાની ગતિવિધિઓ પર હવે વિપક્ષી નેતાઓ દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે જેને કારણે સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.
AAPના નેતા પ્રવીણ રામ દ્વારા આ યાત્રા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. દાવો કર્યો છે કે, આ યાત્રામાં સ્થાનિક ખેડૂતોની હાજરી નહિવત છે અને સભાઓમાં માત્ર ગણ્યા-ગાંઠ્યા લોકો જ જોવા મળે છે. પ્રવીણ રામે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કેશોદની રાત્રી સભામાં માંડ 50 જેટલા લોકો હાજર હતા. આ ખેડૂત સંકલ્પ યાત્રાને પ્રવીણ રામ દ્વારા એક ‘રાજકીય ષડયંત્ર’ તરીકે જોવામાં આવી રહી છે. રામ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે, સત્તાધારી પક્ષના ઈશારે ખેડૂતોના મતોનું વિભાજન કરવા અને ખેડૂત નેતા તરીકેની નવી છાપ ઊભી કરવા માટે આ આખો ખેલ ખેલાઈ રહ્યો છે. ખેડૂતોને ગુમરાહ કરી અંધારામાં રાખવામાં આવી રહ્યા છે.
રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, ખેડૂત સંકલ્પ યાત્રા 19 માર્ચ 2026ના રોજ તુલસીશ્યામથી પ્રસ્થાન થઈ હતી અને તે કેશોદ પહોંચતા સુધીમાં અનેક ગામડાઓના ખેડૂતોને મળીને તેમના પ્રશ્નો સાંભળવામાં આવ્યા છે. તેઓનું કહેવું છે કે તેઓ રાજકીય હોદ્દાઓ ત્યજીને ખેડૂતોની વચ્ચે આવ્યા છે અને જે તે સમયે પક્ષમાં હતા ત્યારે પણ ખેડૂતોના સમર્થનથી જ મજબૂત હતા.
કરપડાએ જણાવ્યું હતું કે, તેઓ પોતે પ્રદેશ સ્તરના નેતા હતા પરંતુ પદ છોડીને ફરી ખેડૂતોના હિત માટે મેદાનમાં ઉતર્યા છે.
તેમણે ઘેડ પંથકના પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે સરકારે 2000 કરોડના બજેટની જાહેરાત માત્ર વાતો પૂરતી જ રાખી છે, હજુ સુધી જમીની સ્તર પર કોઈ કામ શરૂ થયું નથી. તેઓ આ મુદ્દે બિન-રાજકીય લડાઈ લડવા કટિબદ્ધ છે.


