જમીન-સસ્તો ફલેટ અપાવવાની લાલચ આપી આંગડીયાના વેપારી સાથે ૪૧ કરોડની ઠગાઇ
અમદાવાદના દંપતિ અને ભાઇ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ : ખોટા બિલો બનાવી પૈસા ચૂકવ્યા હોવાનો વિશ્વાસ અપાવ્યો’ તો
અગ્ર ગુજરાત, અમદાવાદ
શહેરમાં પ્રતિષ્ઠિત વેપારીની ઓળખ આપીને વેપારી અને તેમના ભાગીદારોને જમીન અને ફ્લેટ સસ્તામાં આપવાની લાલચ આપીને પતિ-પત્ની અને ભાઈએ રૂ. 41 કરોડની ઠગાઈ આચરી છે. આરોપીઓએ રૂ. 68.87 કરોડ મેળવી લીધા બાદ દસ્તાવેજ ન કરી આપીને માત્ર 27.86 કરોડ પરત આપ્યા જ્યારે બાકીના નાણાં પરત આપ્યા નહોતા. રૂ. 41 કરોડ પરત ન આપી ઠગાઈ આચરનાર લોકો સામે આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો, થલતેજમાં રહેતા મયુરભાઈ ઠક્કર આંગડિયા પેઢી ધરાવે છે. સાથે જ તે ભાગીદારીમાં જમીન લે-વેચનો વ્યવસાય પણ કરે છે. વર્ષ 2021માં ભાગીદાર મારફતે મયુરભાઈને મિતેશ પટેલ નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. મિતેશે પોતાની ઓળખાણ મોટા અને પ્રતિષ્ઠિત વેપારી તરીકે આપીને પોતાના કાકાની સોલા ખાતે આવેલી જમીન અને થલતેજની ખેતીની જમીનનો સોદો કરાવવાનો ભરોસો આપ્યો હતો.
અવેજ પેટે રૂ. 64 કરોડ રોકડા અને રૂ. 4.87 કરોડ બેંક મારફતે એમ કુલ રૂ. 68.87 કરોડ મયુરભાઈ અને તેમના ભાગીદારો પાસેથી મેળવી લીધા હતા. જોકે લાંબો સમય વીતી ગયા બાદ આરોપીએ જમીનનો દસ્તાવેજ કરી આપ્યો નહોતો. અવારનવાર આ બાબતે પૂછતા તેણે ગલ્લા તલ્લા કર્યા હતા. જેથી મયુરભાઈએ પૈસા પરત આપવા દબાણ કરતા આરોપીઓએ કેટલાક નાણાં પરત કર્યા હતા. બાકીના નાણાંના સેટલમેન્ટ માટે આરોપીઓએ પોતાની પામ ગ્લોરી-4 નામની સ્કીમમાં ફ્લેટો આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેમાં પણ અલગ-અલગ બહાના કાઢીને દસ્તાવેજ ન કરી આપીને છેતરપિંડી કરી હતી.
સમગ્ર મામલે અંતે, હિસાબ કરતા મયુરભાઈને રૂ. 41 કરોડ લેવાના નીકળતા હતા. આરોપીઓએ તે રકમ પરત ન કરતા મયુરભાઈએ ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં મિતેશ પટેલ, તેની પત્ની મોક્ષા અને તેના ભાઈ પ્રતીક સામે ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીઓએ ભેગા થઈને ખેડૂતોને પૈસા ચૂકવ્યા હોવાના ખોટા અને બનાવટી વાઉચરો ઊભા કરીને મયુરભાઈ અને તેમના ભાગીદારોને બતાવી વિશ્વાસ કેળવીને દસ્તાવેજો ન કરી આપ્યો હોવાનું સામે આવ્યું છે.


