અજાણ્યા વાહને બાઇકને ઠોકરે ચડાવ્યું
અજાણ્યા વાહન ચાલકની શોધખોળ : મૂળ જૂનાગઢનાં પરિવાર પર વ્રજઘાત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ-ભાવનગર હાઇવે પર મહિકાના પાટીયા પાસે મુળ જુનાગઢના યુવાનને બાઇક સહિત કોઇ અજાણ્યા વાહનનો ચાલક ઠોકર મારી ભાગી જતાં આ યુવાનનું મોત થયું છે. રાતે તે જમવાનું પાર્સલ લઇને ઘરે જતો હતો ત્યારે મહિકાના પાટીયા નજીક આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ મહિમકાના પાટીયા પાસે ઠાકરધણી હોટેલની પાછળ રહેતો સાહિલ રાજશેભાઇ વરાણીયા (ઉ.વ.૧૯) રાતે મહિકાના પાટીયા પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળતાં કોઇએ જાણ કરતાં ૧૦૮ પહોંચી હતી. તેના પાઇલોટ અને ઇએમટી તબીબે તેને તત્કાળ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ મોડી રાતે મોત થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે મૃતકના પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી અને તેમને જાણ કરતાં તેઓ હોસ્પિટલે પહોંચ્યા હતાં. જાણવા મળ્યા મુજબ મૃત્યુ પામના સાહિલ ઉર્ફે લાલો બે ભાઇ અને બે બહેનમાં વચેટ હતો અને ઇમિટેશનનું કામ કરતો હતો. તેના પિતા રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. આ પરિવાર મુળ જુનાગઢનો વતની છે અને હાલ રાજકોટ મહિકાના પાટીયા પાછળ રહે છે. સાહિલ રાતે જમવાનું પાર્સલ લેવા માટે બાઇક લઇને ગયો હતો. પાર્સલ લઇ ઘરે પરત જતો હતો ત્યારે મહિકાના પાટીયા પાસે કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. યુવાન દિકરાના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. આજીડેમ પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.


