ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્કશીટનું ફોરમેટ બદલાશે
ધો.૧૦-૧૨ના છાત્રોને મળશે બારકોડવાળી માર્કશીટ
લાખો વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ અને ટેકનિકલ ફેરફારનો નિર્ણય : QR કોડ સાથેની માર્કશીટ ૨૦૨૭થી અપાશે : એક સ્કેન દ્વારા છાત્રોની તમામ શૈક્ષણિક વિગતોની ખરાઇ કરી શકાશે
બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવતુ નવુ માળખુ : ડુપ્લીકેટ કે છેતરપીંડીના કિસ્સાઓ પર પણ લગામ આવશે : વેરીફિકેશન માટે ગાંધીનગરના ધક્કા ખાવા નહી પડે
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત બોર્ડની માર્કશીટમાં હવે સુરક્ષા રહી નથી. ગમે ત્યારે છેડછાડ થઇ શકે તેવી રાવ અને આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતાં અને નકલી માર્કશીટો પણ બની હોવાની અનેક રાવ ઊઠી હોવાના કારણે બોર્ડ દ્વારા માર્કશીટને સલામત રાખવા માટે મહત્વપૂર્ણ બદલાવ લાવવામાં આવ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા રાજ્યના લાખો વિદ્યાર્થીઓના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ટેકનિકલ ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે બોર્ડની માર્કશીટમાં પરંપરાગત વિગતોની સાથે ‘બારકોડ’નો પણ સમાવેશ કરવામાં આવશે, જે ડિજિટલ યુગમાં વેરિફિકેશનની પ્રક્રિયાને વધુ સરળ અને સચોટ બનાવશે. આ નવા ફેરફારનો અમલ આગામી શૈક્ષણિક સત્ર વર્ષ 2027થી કરવામાં આવશે, જેનાથી વિદ્યાર્થીઓને દસ્તાવેજોની ચકાસણીમાં પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવશે.
હાલમાં ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવતી માર્કશીટમાં બારકોડની સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કે વિદેશ જવા માટે જ્યારે ડિજિટલ વેરિફિકેશનની જરૂર પડે છે, ત્યારે ઘણી તકનીકી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નવી માર્કશીટમાં બારકોડ આવવાથી કોઈપણ સંસ્થા કે યુનિવર્સિટી માત્ર એક સ્કેન દ્વારા વિદ્યાર્થીની તમામ શૈક્ષણિક વિગતોની ખરાઈ કરી શકશે. આનાથી મેન્યુઅલ વેરિફિકેશનમાં લાગતો સમય પણ બચશે.
શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ, માર્કશીટના ફોર્મેટમાં કરવામાં આવેલો આ ફેરફાર આગામી શૈક્ષણિક વર્ષ 2027થી અમલી બનશે. બોર્ડ અત્યારથી જ આ નવી સિસ્ટમ માટેનું માળખું તૈયાર કરી રહ્યું છે જેથી જ્યારે નવી માર્કશીટ છાપવામાં આવે ત્યારે તેમાં કોઈપણ પ્રકારની ભૂલ ન રહે. આ ફેરફાર ધોરણ 10 અને ધોરણ 12 બંનેના વિદ્યાર્થીઓ માટે લાગુ કરવામાં આવશે, જે ગુજરાતના શિક્ષણ જગત માટે એક મોટું ડિજિટલ કદમ ગણાશે.
માર્કશીટમાં બારકોડ ઉમેરવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ટેકનિકલ સુવિધાઓથી સજ્જ કરવાનો છે. આજના સમયમાં જ્યારે મોટાભાગની એડમિશન પ્રક્રિયાઓ ઓનલાઈન થઈ રહી છે, ત્યારે બારકોડવાળી માર્કશીટ વિદ્યાર્થીઓની પ્રોફાઇલને વધુ સુરક્ષિત અને પ્રમાણિત બનાવશે. આ સુવિધાને કારણે ડુપ્લીકેટ માર્કશીટ કે છેતરપિંડીના કિસ્સાઓ પર પણ લગામ લગાવી શકાશે, કારણ કે દરેક વિદ્યાર્થીનો બારકોડ યુનિક અને બોર્ડના સર્વર સાથે જોડાયેલો હશે.
ગુજરાત શિક્ષણ બોર્ડનો આ નિર્ણય કેન્દ્ર સરકારના ‘ડિજિટલ ઈન્ડિયા’ અભિયાનને વેગ આપનારો છે. શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ વધારીને વહીવટી પ્રક્રિયાઓને પારદર્શક બનાવવાનો આ પ્રયાસ આવકારદાયક છે. વર્ષ 2027 પછી પાસ થનારા વિદ્યાર્થીઓને હવે જૂની પદ્ધતિથી વેરિફિકેશન કરાવવા માટે બોર્ડની કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે, તેને બદલે બારકોડ દ્વારા ગમે ત્યાંથી તેમની માર્કશીટની સત્યતા તપાસી શકાશે.
ગુજરાત બોર્ડ પણ ડિજિટલ બને તેવી માગ
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ધોરણ 10 અને 12ના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાય છે અને આ લાખો વિદ્યાર્થીઓને અપાતી માર્કશીટમાં છેલ્લા 21 વર્ષથી કોઈ અપડેટેશન ન કરાયું હોય કે ડિજિટલાઇઝેશન ન થયું હોય અને ફોર્મેટ ન બદલાયું હોવાની ફરિયાદ ઊઠી છે. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે ફરિયાદ કરતા કહ્યું કે ગુજરાત શિક્ષણ બોર્ડની માર્કશીટ આજે પણ દાયકાઓ જૂના ફોર્મેટમાં જ અપાય છે. અન્ય રાજ્યો અને સીબીએસઈ બોર્ડ દ્વારા ક્યુઆર કોડ, ડિજિટલ સિગ્નેચર સાથેની માર્કશીટ અપાય છે અને ડિજિલોકરમાં પણ પરિણામ સાથે જ માર્કશીટનો ડેટા મુકાતો હોવાથી વિદ્યાર્થીને ડિજિલોકરમાંથી પણ માર્કશીટ મળે છે.


