કુવાડવા નજીક અકસ્માતમાં મોતને ભેટેલા મોલડીના 4 હતભાગીઓની એક સાથે અર્થી નીકળી
કામ પરથી ઘરે પરત ફરતી વેળાએ સર્જાયેલી દુર્ઘટનાએ બે પરિવારોને આપ્યો આજીવન ઘા; સમગ્ર ગામ શોકમાં ગરકાવ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીક થયેલા ભયાનક માર્ગ અકસ્માતે ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. રોજિંદી મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પાંચ લોકોના અકાળ અવસાનથી આખું ગામ ગમગીન બની ગયું છે. એક જ દુર્ઘટનાએ બે પરિવારોના માળા વિખેરી નાખતાં ગામમાં જ્યાં નજર જાય ત્યાં માત્ર દુઃખ અને આંસુઓ જ જોવા મળ્યા હતા.
માહિતી મુજબ, મોટી મોલડી ગામના કેટલાક શ્રમિકો દરરોજની જેમ કુવાડવા નજીક આવેલી જીઆઇડીસીમાં કામ પૂર્ણ કરીને ઇક્કો કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રામપુરા-બેડી વિસ્તાર પાસે સામેથી આવી રહેલા ટેન્કર ટ્રકનો કાબૂ ગુમાતા તે કાર પર પલટી મારી ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક યુવકે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
આ દુર્ઘટનામાં ચાર મહિલાઓ અને એક યુવકના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતકોમાં સામેલ એક મહિલાના અંતિમ સંસ્કાર તેમના સાસરી પક્ષના વાંકાનેર ખાતે કરવામાં આવ્યા હતા, જ્યારે મોટી મોલડી ગામમાં એક સાથે ચાર અર્થીઓ નીકળતાં હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. ગામના લોકો મોટી સંખ્યામાં અંતિમયાત્રામાં જોડાયા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. અકસ્માતે સૌથી મોટો આઘાત મેઘાણી પરિવારે સહન કર્યો છે. પરિવારે એક જ ક્ષણમાં પોતાના ઘરના ત્રણ સભ્યો ગુમાવ્યા છે. પરિવારમાંથી એક મહિલાની સાથે તેમના પુત્ર અને પુત્રીના મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બીજી તરફ પ્રકાશભાઈ મેઘાણીના અવસાનથી તેમના પરિવારની જવાબદારીનો આધારસ્તંભ છીનવાઈ ગયો છે. પત્નીએ પતિ ગુમાવ્યો છે તો બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
ગામના વડીલોનું કહેવું છે કે મોટી મોલડીમાં એકસાથે ચાર અર્થીઓ નીકળ્યાનો પ્રસંગ વર્ષો પછી જોવા મળ્યો છે. શનિવારે સવારે અંતિમયાત્રા દરમિયાન ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી અને અનેક લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. એક સામાન્ય દિવસ તરીકે શરૂ થયેલી સવાર સાંજ સુધીમાં અનેક પરિવારો માટે જીવનભરનું દુઃખ બની ગઈ હતી.
આ દુર્ઘટનાએ ફરી એકવાર હાઇવે પર ભારે વાહનોની બેદરકારી અને માર્ગ સુરક્ષાના પ્રશ્નોને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે, જ્યારે મોટી મોલડી ગામ હજુ પણ પોતાના પાંચ સ્વજનોના વિયોગના આઘાતમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે.


