આજીડેમ ચોકડી લૂંટકાંડનો ભેદ ઉકેલાયો : લાઠીનો સૂત્રધાર ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો
સરધારમાંથી બાઈક ચોરી ત્રિપુટીએ પ્રૌઢને બનાવ્યા નિશાન : સગીર સહિત બે આરોપી હજુ ફરાર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં પાંચેક દિવસ પહેલાં આજીડેમ ચોકડી વિસ્તારમાં મોડી રાત્રે બનેલી લૂંટની ઘટનાનો શહેર ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો છે. બસમાંથી ઉતરી ઘરે જઈ રહેલા પ્રૌઢને છરીની અણીએ રોકડ અને મોબાઈલ લૂંટી ફરાર થયેલા ત્રિપુટીમાંથી એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે, જ્યારે એક સગીર સહિત બે શખ્સો હજુ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે હોસ્પિટલ ચોક નજીકથી લાઠી પંથકના એક યુવાનને દબોચી તેની પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને લૂંટમાં વપરાયેલ બાઈક મળી કુલ અંદાજે રૂ.62 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે લૂંટમાં વપરાયેલ બાઈક પણ અગાઉ ચોરી કરાયેલ હતું.
મળતી માહિતી મુજબ, આજીડેમ ચોકડી પાસે અનમોલ પાર્ક વિસ્તારમાં રહેતા કૌશારભાઈ જમાલભાઈ નાગોરી (ઉ.વ. 50) એ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. કૌશારભાઈ છૂટક મજૂરી કામ કરે છે અને ગત તા. 3 ના રોજ અમરેલીથી સોમનાથ ટ્રાવેલ્સ મારફતે રાજકોટ પરત ફરી રહ્યા હતા. રાત્રે લગભગ પોણા બાર વાગ્યે તેઓ આજીડેમ ચોકડી પાસે બસમાંથી ઉતરી ઘર તરફ પગપાળા જઈ રહ્યા હતા.
ત્યારે જુના માર્કેટિંગ યાર્ડ તરફથી આવતા સર્વિસ રોડ પર તુર્કીબાપુની દરગાહ નજીક એક બાઈક પર ત્રણ શખ્સો તેમની પાસે આવ્યા હતા. ત્રણે શખ્સોએ મોઢા પર બુકાની બાંધેલી હતી. બાઈક ચાલકે પહેલા કૌશારભાઈના શર્ટના ખિસ્સામાંથી મોબાઈલ ફોન ખેંચી લીધો હતો. ત્યારબાદ પાછળ બેઠેલો શખ્સ નીચે ઉતરી કમરેથી છરી કાઢી ધમકી આપતા કહ્યું હતું કે, જે કંઈ હોય તે આપી દે, નહીં તો જાનથી મારી નાખીશું. ધાકધમકી વચ્ચે આરોપીઓએ શર્ટના ખિસ્સામાં રહેલા રૂ.4300 રોકડા પણ લૂંટી લીધા હતા. મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ.28,299 ની લૂંટ ચલાવી ત્રિપુટી આજીડેમ ચોકડી તરફ ફરાર થઈ ગઈ હતી.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાત્કાલિક ગુનો ઉકેલવા ક્રાઈમ બ્રાન્ચને સૂચના આપી હતી. ત્યારબાદ પીઆઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવની દેખરેખ હેઠળ અલગ-અલગ ટીમો તપાસમાં લાગી હતી. તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે લૂંટમાં સામેલ એક આરોપી હોસ્પિટલ ચોક પાસે દેખાયો છે. બાતમીના આધારે પોલીસે વિશાલ રવજી ચારોલા (ઉ.વ. 19, રહે. પીપળવા ગામ, લાઠી) ને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં તેણે પોતાના અન્ય સાગરીતો સાથે મળીને લૂંટને અંજામ આપ્યાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી હતી. આરોપીઓએ લૂંટ કરતા પહેલાં સરધાર ગામના કુંભારવાડા વિસ્તારમાંથી એક બાઈક ચોરી કરી હતી. ત્યારબાદ એ જ ચોરીના બાઈકમાં સવાર થઈ રાજકોટ આવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આ અંગે બાઈક માલિક મેહુલભાઈ વિનોદભાઈ ચાવડાએ બાઈક ચોરીની ફરિયાદ પણ નોંધાવી હતી.
હાલ પોલીસે આરોપી વિશાલ પાસેથી લૂંટનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. જ્યારે તેના સાગરીત અજય ઉર્ફે કાળુ કાજા ચારોલીયા તથા એક સગીરને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.


