અલિયાવાડા સ્ટેશન પર આધુનિક બોક્સ બ્રિજના નિર્માણથી રેલ સુરક્ષા અને જળ નિકાસ વ્યવસ્થા મજબૂત બની
મુસાફરો અને માલસામાન પરિવહન સેવા સરળ બનશે
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને માળખાકીય આધુનિકીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતા અલિયાવાડા સ્ટેશન યાર્ડમાં આવેલા બ્રિજ નંબર 309નું સફળતાપૂર્વક પુનઃનિર્માણ કર્યું છે. જૂના 4 x 0.915 મીટરના આરસીસી સ્લેબ પ્રકારના પુલને હટાવીને તેની જગ્યાએ 2×2.54×1.35 મીટર કદના આધુનિક આરસીસી બોક્સ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કામગીરી 16 અને 17 મે, 2026ના રોજ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક) સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ આધુનિક પુલના નિર્માણથી પાણીના નિકાલની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે, જેનાથી ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઘટશે તેમજ રેલવે ટ્રેકની સુરક્ષા અને સ્થિરતામાં પણ મોટો સુધારો થશે. આનાથી રેલ સંચાલન વધુ સુરક્ષિત, સુગમ અને વિશ્વસનીય બનશે, જેનો સીધો લાભ મુસાફરો અને માલસામાન પરિવહન સેવાઓને મળશે.
આ કામગીરી રાજકોટ ડિવિઝનના અલિયાવાડા સ્ટેશન પર મુખ્ય લાઈનમાં માત્ર 6 કલાકના બ્લોક દરમિયાન બાંધકામ વિભાગ દ્વારા અત્યંત કાર્યક્ષમતા અને સુઆયોજિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત રેલવે ટ્રેક હટાવવો, જૂના પુલને તોડવો, જરૂરી ખોદકામ અને જગ્યા બનાવવી, બેઝ સ્લેબ સહિત નવા આરસીસી બોક્સ લોન્ચ કરવા, ફરીથી ટ્રેક બિછાવવો તેમજ ઓએચઈ (વીજ લાઈન)નું સમાયોજન કરીને રેલ ટ્રાફિક પુનઃ શરૂ કરવાનો સમાવેશ થાય છે.
રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીનાએ આ સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “રાજકોટ ડિવિઝન દ્વારા સુરક્ષિત, આધુનિક અને વિશ્વસનીય રેલ માળખું વિકસાવવાની દિશામાં સતત કામગીરી કરવામાં આવી રહી છે. અલિયાવાડા સ્ટેશન પર નિર્ધારિત સમયમર્યાદામાં આધુનિક બોક્સ બ્રિજનું નિર્માણ ડિવિઝનની તકનીકી ક્ષમતા, ઉત્કૃષ્ટ સંકલન અને કાર્યકુશળતાનું પ્રતીક છે. આ કામગીરીથી મુસાફરોને સુરક્ષિત અને અવરોધ વિનાની રેલ સેવાઓનો લાભ મળશે તેમજ ભવિષ્યમાં વધુ સારું રેલ સંચાલન સુનિશ્ચિત થશે.”


