દારૂ-જુગારની પ્રવૃતિ પર અંકુશ લગાવવા પોલીસની કડક કાર્યવાહી
અલ્તાફ છ આંગળી ગેંગના 6 શખ્સો સામે ગુજસીટોકનો પ્રહાર
હત્યા, લૂંટ, હુમલા અને દારૂ-હથિયારના 46 ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી ગેંગ સામે ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી; 5 ઝડપાયા, મુખ્ય આરોપી અલ્તાફ ફરાર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી આતંક અને ભયનું વાતાવરણ ઉભું કરતી કુખ્યાત અલ્તાફ છ આંગળી ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે મોટી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં સંગઠિત ગુનાઓને નિયંત્રણમાં લેવા માટે પોલીસે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ-2015 (ગુજસીટોક) હેઠળ ગેંગના કુલ 6 સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ કાર્યવાહી પાછળ શહેરમાંથી દારૂ જુગારની પ્રવૃતિ પર અંકુશ લગાવવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરાયો છે. આ કાર્યવાહી બાદ શહેરના ગુનાહિત તત્વોમાં ચકચાર મચી જવા પામી છે.
પોલીસે જણાવ્યું હતું કે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટનો મુખ્ય ઉદ્દેશ સંગઠિત રીતે ગુનાઓ આચરતી ટોળીઓને કાયદાના ઘેરામાં લાવી તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર અંકુશ મૂકવાનો છે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીકના માર્ગદર્શન હેઠળ શહેરમાં સક્રિય “અલ્તાફ 6 આંગળી ગેંગ” સામે ગુપ્ત તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ગેંગના સભ્યો ખૂન, ખૂનની કોશિશ, ધમકીઓ, લૂંટ, તોડફોડ, ગેરકાયદેસર મંડળી રચી હુમલા, સરકારી કર્મચારીઓ પર હુમલો, હથિયારો અને દારૂના ગુનાઓમાં સતત સંડોવાયેલા રહ્યા છે. ગેંગના સભ્યો દ્વારા શહેરમાં પોતાની ધાક જમાવવા માટે પ્રાણઘાતક હથિયારોનો ઉપયોગ કરી ભયનો માહોલ ઉભો કરવામાં આવતો હતો.
પોલીસ તપાસ મુજબ, અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફભાઈ થઈમ નામના શખ્સે પોતાના સાગરીતો સાથે મળીને “ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સિન્ડિકેટ” તરીકે ગેંગ ઉભી કરી હતી. આ ગેંગ રાજકોટ શહેર ઉપરાંત આસપાસના જિલ્લાઓમાં પણ પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતી હતી. વર્ષ 2016થી 2025 દરમિયાન ગેંગ સામે રાજકોટ શહેરમાં કુલ 46 ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે આ ગેંગના ગુનાહિત ઇતિહાસ, પરસ્પર સંબંધો અને ગુનાઓની પદ્ધતિ અંગે વિગતવાર તપાસ કરી હતી. જેમાં સામે આવ્યું કે ગેંગના સભ્યો અરસપરસ મિલાપીપણાથી તેમજ સ્વતંત્ર રીતે પણ સતત ગુનાઓ આચરતા રહ્યા છે અને ગુનાખોરી જ તેમની આજીવિકાનું સાધન બની ગઈ હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરી હતી. રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફભાઈ થઈમ સહિત તેની ગેંગના અન્ય પાંચ સભ્યો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહી અંતર્ગત પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં તોસીફ ઉર્ફે બાધો અસીમભાઈ ઉમરેઠીયા, ઇમરાન ગુલાબભાઈ બેલીમ, અશોક ગોવિંદભાઈ સિંધવ, ભરત માધવજી વાસુર અને ઇકબાલભાઈ કરીમભાઈ વડાવરિયાનો સમાવેશ થાય છે. જ્યારે ગેંગનો મુખ્ય સૂત્રધાર અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફભાઈ થઈમ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેની શોધખોળ માટે અલગ-અલગ પોલીસ ટીમો કાર્યરત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ ગેંગ સામે લૂંટ, હત્યા, હત્યાની કોશિશ, રાયોટિંગ, મારામારી, દારૂ-જુગાર અને હથિયાર સંબંધિત કુલ 46 ગુનાઓ નોંધાયેલા છે. ગેંગના કેટલાક સભ્યો વિરુદ્ધ અનેક વખત પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે. ખાસ કરીને અશોક ગોવિંદભાઈ સિંધવ અને અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફભાઈ થઈમ વિરુદ્ધ સાત-સાત વખત પાસા કરવામાં આવ્યા હોવા છતાં તેઓ ગુનાખોરી છોડતા નહોતા.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે ગેંગના સભ્યો ગેરકાયદેસર રીતે વસાવેલી મિલ્કતો અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગુજસીટોક હેઠળ હવે આરોપીઓની મિલ્કતો ટાંચમાં લેવા સહિતની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ કેસની તપાસ મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઈમ) ભરત બી. બસીયા ચલાવી રહ્યા છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ આરોપીઓને ઝડપી પાડવા માટે ડી.સી.બી.ની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ સમગ્ર કામગીરીમાં નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઈમ એન્ડ સ્પેશિયલ) જગદીશ બાંગરવા, મદદનીશ પોલીસ કમિશ્નર ભરત બસીયા તથા ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલિયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ અને પો.સબ.ઇન્સ્પેક્ટર સી.બી. જાડેજાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તે ઉપરાંત આરોપીઓની ધરપકડ અને તપાસમાં પો.સબ.ઇન્સ્પેક્ટર વી.ડી. ડોડીયા, એ.એન. પરમાર, આર.કે. ગોહિલ, ડી.પી. ઝાલા, એસ.વી. ચુડાસમા તેમજ ડી.સી.બી.ની ટીમના અન્ય કર્મચારીઓએ પણ મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. રાજકોટ શહેરમાં સંગઠિત ગુનાખોરી સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી આગામી સમયમાં અન્ય ગેંગો માટે પણ કડક સંદેશ સમાન માનવામાં આવી રહી છે. પોલીસ માને છે કે ગુજસીટોક હેઠળની આ કાર્યવાહીથી ગેંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અસરકારક અંકુશ આવશે અને શહેરમાં કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનશે.


