તોપખાનામાં રકમની ઉઘરાણીમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર સંગ્રામ: હોસ્પિટલે પણ ધમાલ થતાં પોલીસના ધાડા ઉતારાયા
રૂા. ૭૦૦ની લેતીદેતીમાં મોડી રાત્રે પાઇપ અને છરી વડે ખૂની ખેલ ખેલાયો: બે યુવાનો લોહીલુહાણ
ધીંગાણામાં અન્ય કેટલાક લોકોને પણ સામાન્ય ઇજા: પોલીસે રાતોરાત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ કાબૂમાં લીધી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગઈકાલે મોડી રાત્રે રાજકોટના તોપખાનામાં બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ ગઈ હતી. જેમાં પાઇપ – છરીથી હુમલો થતા બે યુવક ઘવાયા થયા હતા. જેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘાયલોને સિવિલ હોસ્પિટલ ખસેડતા ત્યાં પણ બંને જૂથ આમને – સામને આવી જતા પોલીસના ધાડા ઉતારાયા હતા. રૂ. 700 ઉછીના આપ્યા હોય તે પરત ન આપતા ઝઘડો થયો હતો. અન્ય કેટલાકને સામાન્ય ઈજા થઈ હતી. પ્રદ્યુમન નગર પોલીસે સામ સામે બે ફરિયાદ નોંધ છે.
પ્રથમ ફરિયાદમાં દેવરાજ ગોપીભાઇ ગોરી (ઉંમર વર્ષ 24, રહે. જામનગર રોડ, તોપખાના, મોરબી હાઉસ પાસે, રાજકોટ)એ જણાવેલ કે, ગઈકાલ રાત્રિના આશરે સાડા અગીયાર વાગ્યાની આસપાસ અમો ઘર પાસે બેઠા હતા ત્યારે મારા કાકાનો દીકરો હાર્દિક સુભાષભાઈ ગોરી દોડીને આવી અમને કહેલ કે આપણા વિસ્તારમાં રહેતો સચિન મુન્નાભાઈ જેઠવાએ કહેલ કે, તારો માસીના દીકરો ભાઈ હર્ષ પાસે હું રૂ.700/- માંગુ છું અને છેલ્લા બે માસથી બહાના બનાવી આપતો નથી.
તું એમને કહેજે પૈસા આપી દે નહીંતર બધાને મારી નાખીશ. તે એમ કહેતા અમો જેમાં હું તથા મારા ભાઈ અભિષેક ગોરી તથા હાર્દિક ગોરી તથા ધાર્મિક વાઘેલા તથા જયદીપ નૈયા અમે દોડીને સચિન બેઠો હોય ત્યાં બાપાસીતારામના ઓટલા પાસે ગયા, ત્યાં અમને જોઈને આ લોકો એકદમ ઉશ્કેરાટમાં આવી જઈ સચિને પોતાની પાસેની છરી મને મારવા જતા મારા ડાબા હાથે ખંભાની નીચેના ભાગે સામાન્ય લાગતા ઈજા થયેલ.
આ દરમિયાન તેના ભાઈ યુવરાજે લોખંડનો પાઇપ કાઢી અમોને મારવા લાગેલ. આ પાઇપ મને ડાબા હાથે કાંડાના ઉપરના ભાગે લાગી જતા મુંઢમાર લાગેલ છે. આ ઝઘડા દરમિયાન યુવરાજના સસરા જીતેન્દ્રભાઈ તથા તેમના પત્ની અલ્કાબેન તથા સચિનના મમ્મી ભાનુબેન પણ ત્યાં આવી જઈને તે લોકોએ અમોને ગાળા-ગાળી કરી ઢીંકાપાટુનો માર મારવા લાગેલ અને ત્યારબાદ અમો ત્યાંથી ભાગી જઈ લતા બહાર નીકળી ત્યાંથી મારા કાકાના દીકરા પાર્થે મને એકટીવામાં બેસાડી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લાવેલ હતો.
સામી ફરિયાદમાં ફરિયાદમાં સચીનભાઈ ભીખુભાઇ જેઠવા (ઉંમર વર્ષ 28, રહે. તોપખાના શેરી નં.5, રાજકોટ)એ ફરિયાદમાં જણાવ્યું કે, હું ડ્રાઇવીંગ કામ કં છું. ગઇ કાલ તા.26 ના રોજ રાત્રીના આશરે સાડા અગીયારેક વાગ્યાની આસપાસ હું મારા ઘર પાસે આવેલ બાપા સીતારામના ઓટલે બેઠો હતો મારી સાથે કાલુ જે મારો મીત્ર છે. તે બેઠો હતો ત્યારે અમારા વિસ્તારમાં રહેતો હર્ષ પાટડીયા જેને મેં 700 રૂપીયા આપેલ હતા.
અવાર-નવાર માંગવા છતા આપતો ન હોય જેથી મેં આજે તેને ફોન કરી રૂપીયા આપવા જણાવેલ હતું અને તેણે મને કહેલ કે મારે રૂપીયા આપવાના નથી તું કયા બેઠો છે? મેં બાપા સીતારામના ઓટલે બેઠો છું તેમ કહેતા તેણે ફોન કાપી નાંખેલ અને થોડીવારમાં અભિષેક ગોરી, દેવન ગોરી, તેના પપ્પા ગોપીભાઇ ગોરી, હાર્દીક ગોરી તથા હર્ષ પાટડીયા એમ બધા મારી પાસે આવ્યા અને અભિષેક ગોરીએ મને કહેલ કે તારે સેના રૂપીયા લેવાના છે? તે બાબતે બોલાચાલી કરી ઉશ્કેરાટમાં આવી મને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ.
આ દરમિયાન ગોપીભાઈ ગોરીએ મને માથામાં લોખંડનો પાઇપ મારી દીધેલ અને બાકીનાએ ભેગા મળી ઢીકાપાટુનો માર મારેલ. ઝગડાનો અવાજ થતા મારો ભાઈ તથા મારા કુટુંબના સભ્યો આવી જતા મને સિવિલ હોસ્પિટલ લાવેલ અને દાખલ કરેલ. પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવા માટે તજવીજ કરી હતી.


