ભાયાવદર નજીક વડેખણ ગામેથી દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા
બાતમીના આધારે પોલીસે છકડો રીક્ષામાંથી ૩૧૨ બોટલ દારૂ અને રૂ.૨.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
અગ્ર ગુજરાત, ઉપલેટા
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા માટે ઉચ્ચ અધિકારીઓની સુચના અન્વયે ભાયાવદર પોલીસે એક સફળ કામગીરી હાથ ધરી છે. ભાયાવદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે વડેખણ ગામમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે.
પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન એ.એસ.આઇ. રોહિતભાઈ વાઢેળને ખાનગી બાતમી મળી હતી કે વડેખણ ગામના ચાર ભાઈઓ (રાઘવભાઇ, રાણાભાઇ, લાખાભાઇ અને આવડાભાઇ) ભાગીદારીમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે. આ ચોક્કસ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને રાઘવભાઇ બાવનભાઇ વાંદા નામના શખ્સને છકડો રીક્ષામાં દારૂનો જથ્થો ભરીને વડેખણથી પાટણ રોડ તરફ જતા ઝડપી લીધો હતો.
આ સફળ દરોડામાં પોલીસે અલગ અલગ બ્રાન્ડની ૩૧૨ ઇંગ્લિશ દારૂની બોટલો (જેની કિંમત રૂ. ૧,૯૫,૩૧૨ છે), એક છકડો રીક્ષા (રજીસ્ટ્રેશન નંબર GJ-10-T 5784, કિંમત રૂ. ૫૦,૦૦૦) અને એક મોબાઈલ ફોન (કિંમત રૂ. ૫૦૦૦) મળીને કુલ રૂ. ૨,૫૦,૩૧૨ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ દ્વારા જાહેર કરેલ માહિતીઓ અનુસાર આ કેસમાં દારૂ સાથે રાઘવભાઇ વાંદા, રાણાભાઇ વાંદા અને લાખાભાઇ ઉર્ફે કસો વાંદા એમ ત્રણ સગા ભાઈઓ ઝડપાયા છે અને તેમની કાયદેસરની અટકાયત કરવામાં આવી છે.
પોલીસ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, આ કેસમાં સંડોવાયેલા અન્ય પાંચ શખ્સો (બાલુભાઈ શામળા, આવડાભાઈ ઉર્ફે દલો વાંદા, રામાભાઈ વાંદા, અરજણભાઈ શામળા અને વિપુલભાઈ મોરી) ની અટકાયત કરવાની હજુ બાકી છે. આ સમગ્ર ઓપરેશનમાં ભાયાવદર પોલીસ સ્ટેશનના I/C પોલીસ ઇન્સપેકટર એ.બી.જાડેજા સાહેબ, એ.એસ.આઇ. અરૂણભાઇ રામજીભાઇ ખટાણા, એ.એસ.આઇ. રોહીતભાઇ હાજાભાઇ વાઢેળ, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રેમજીભાઇ કીહલા, તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઇ મેટાળીયા, મહેશભાઇ ગમારા અને અજયભાઇ સોરઠીયા સામેલ હતા.


