વલસાડના પારડીના સિવિલ જજને પખવાડીયામાં સરેન્ડર થવા આદેશ
હાઇકોર્ટમાં કરાયેલી અપીલ ફગાવી દેવાઇ
અગ્ર ગુજરાત, અમદાવાદ
અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 2011માં ચુકાદો આપતા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત આવક કરતા વધુ સંપતિના કેસમાં વલસાડના પારડીમાં તત્કાલીન સિવિલ જજ અને મેજિસ્ટ્રેટ પ્રેમજી ગોહિલને 2 વર્ષ કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેની સામે જજે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જો કે હાઇકોર્ટે જજની અપીલ નકારી નાખતા. તેમને 15 દિવસની અંદર જેલ સમક્ષ સરેન્ડર કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે.
કેસને વિગતે જોતા જજ, તેમની પત્ની અને સાળા સામે ACBએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધ્યો હતો. જેની ટ્રાયલમાં આરોપી જજની પત્ની અને સાળો નિર્દોષ છૂટ્યા હતા. જ્યારે જજને 2 વર્ષ કેદની સજા કરવામાં આવી હતી. જજે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને 7 લાખ રૂપિયાની ભેટ ચેક સ્વરૂપે સ્વીકાર્યાનો આક્ષેપ છે. જેનો રિપોર્ટ તેને ઉપરી ઓથોરિટીને આપ્યો ન હતો. વળી તેમની ઉપર લાંચ લેવાની આદતનો આક્ષેપ છે. જેઓ પોતાની કોર્ટમાં આવેલા કેસમાં ફેવર કરતા હતા.
અરજદારના કુટુંબમાં એક મિલકતની ખરીદી 5.51 લાખ રૂપિયામાં થઈ હતી. જેની બજાર કિંમત 36 લાખ રૂપિયા જેટલી હતી. વળી જજે એક આરોપી પાસેથી પોતાના નિવાસ સ્થાનની બહારનો રોડ બનાવડાવ્યો હતો. હાઈકોર્ટે નોંધ્યું હતું કે, ભેટ આપનાર વ્યક્તિ સાથે અરજદાર આરોપીને કોઈ પારિવારિક સંબંધ નહોતો. અરજદારે ઉપરોક્ત રકમ કાયદેસરના સ્ત્રોતમાંથી મેળવી છે, તેવું તે સાબિત કરી શક્યા નથી.


