કલીનઅપ ગ્રુપના સફાઇ અભિયાનમાં તપસ્વી સ્કૂલના ૨૦૦ છાત્રોનું યોગદાન
ન્યારી ડેમ ખાતેથી કચરો એકત્ર કરી તેનો નિકાલ કરાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે ક્લીનઅપ ગ્રુપ રાજકોટ દ્વારા ગયા રવિવારે (૧૯/૦૪/૨૬) ન્યારી ડેમ ખાતે વિશાળ સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. આ અભિયાનમાં તપસ્વી સ્કૂલના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા, જેમાં લગભગ ૨૦૦ જેટલા વોલન્ટિયર્સે ભાગ લીધો હતો.
આ અભિયાન દરમિયાન તમામ વોલન્ટિયર્સે જૂથોમાં વહેંચાઈને ડેમ વિસ્તારની વિસ્તૃત સફાઈ કામગીરી હાથ ધરી હતી. સફાઈ દરમ્યાન પ્લાસ્ટિક, બોટલ, થેલીઓ અને અન્ય કચરો મોટી માત્રામાં એકત્રિત કરવામાં આવ્યો હતો. કુલ મળી અનેક કચરાના કોથળા ભરાયા હતા, જેનો પછી યોગ્ય અને વ્યવસ્થિત નિકાલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, વોલન્ટિયર્સે ત્યાં હાજર લોકો અને મુલાકાતીઓને સ્વચ્છતા જાળવવા અંગે જાગૃત કર્યા હતા. લોકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે તે માટે સમજાવટ કરવામાં આવી હતી કે ધાર્મિક અને કુદરતી સ્થળોએ કચરો ન ફેલાવવો જોઈએ.
આ પ્રસંગે ક્લીનઅપ ગ્રુપ રાજકોટ દ્વારા શહેરની જનતાને નમ્ર અપીલ કરવામાં આવી કે તેઓ સ્વચ્છતા જાળવવામાં સહકાર આપે અને પોતાના આસપાસના પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે આગળ આવે.


