રાજકોટમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની શાનદાર ઉજવણી
શહેરના મુખ્ય માર્ગો ‘જય ભીમ’ના નાદથી ગુંજી ઉઠ્યા: આંબેડકર ભવન અને પ્રતિમા સ્થળોએ પુષ્પાંજલિ અર્પણ કરવા ઉમટેલી જનમેદની
ઇન્ટ્રો:
વિશ્વરત્ન અને ભારતના બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે આજે રંગીલા રાજકોટમાં જબરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં શિસ્તબદ્ધ રેલીઓ, પુષ્પાંજલિ કાર્યક્રમો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા બાબા સાહેબના આદર્શોને યાદ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને યુવાનો દ્વારા યોજાયેલી ભવ્ય બાઇક રેલીએ શહેરના માર્ગો પર પંચરત્ન અને વાદળી રંગના ઝંડાઓએ અનોખો માહોલ સર્જી દીધો હતો. શહેરના નાના મવા રોડ અને હોસ્પિટલ ચોક સ્થિત બાબા સાહેબની પ્રતિમાને રાજકીય નેતાઓ, સામાજિક અગ્રણીઓ અને હજારોની સંખ્યામાં નાગરિકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શહેરના ડૉ.આંબેડકર ભવન અને ડૉ.આંબેડકર કોમ્યુનિટી હોલ ખાતે વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં. આ સાથે જ ગરીબ પરિવારોને મીઠાઈનું વિતરણ અને શૈક્ષણિક કિટની સહાય જેવા સેવાકીય કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા હતા.


