દર્દીઓના આરોગ્ય સાથે ખેલખલાસ નહીં ચાલે
ઇ-ફાર્મસી સામે કેમિસ્ટોની દેશવ્યાપી હડતાલ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ભરમાં મેડિકલ સ્ટોર બંધ
મોટી ટાંકી ચોકમાં દવાના વેપારીઓના ધરણા-સુત્રોચ્ચારથી ગુંજ્યું શહેર : દર્દીઓની સુરક્ષા સાથે સમાધાન નહીં, નો ઉગ્ર સ્વર, ઇમરજન્સી દવાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા
અગ્ર ગુજરાત, રાજકોટ
ઇ-ફાર્મસી અને ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં દેશભરના કેમિસ્ટોએ બુધવારે એક દિવસીય ઐતિહાસિક હડતાલ પાડી હતી. દેશના આશરે 12.40 લાખ, ગુજરાતના 35 હજાર અને સૌરાષ્ટ્રના અંદાજે 60 હજાર જેટલા કેમિસ્ટોએ મેડિકલ સ્ટોર બંધ રાખી કેન્દ્ર સરકારની નીતિ સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. રાજકોટ સહિત અમરેલી, જામનગર, ભાવનગર, જુનાગઢ, મોરબી અને દ્વારકા જિલ્લામાં દવાઓની દુકાનો સજ્જડ બંધ રહી હતી. રાજકોટમાં મોટી ટાંકી ચોક ખાતે દવાના વેપારીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ધરણા, સૂત્રોચ્ચાર તથા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી ઇ-ફાર્મસી વિરુદ્ધ જંગી લડતનો એલાન આપ્યો હતો.
વહેલી સવારથી જ રાજકોટ શહેરમાં મેડિકલ સ્ટોરોના શટર બંધ જોવા મળતા દર્દીઓ અને સામાન્ય લોકોમાં ભારે ચર્ચા જાગી હતી. કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશનના આહ્વાન પર શહેરના લગભગ તમામ વિસ્તારોમાં દવા બજાર સંપૂર્ણ બંધ રહ્યું હતું. જોકે, એસોસિએશન દ્વારા ઇમરજન્સી કેસમાં દર્દીઓને જરૂરી દવાઓ મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી, જેથી ગંભીર દર્દીઓને હાલાકી ન પડે. રાજકોટમાં મેડિકલ એસોસિએશનના એલાન મુજબ મોટી ટાંકી ચોક વિરોધનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. અહીં મોટી સંખ્યામાં દવાના વેપારીઓ ભેગા થયા હતા અને ઇ-ફાર્મસી બંધ કરો, દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં બંધ કરો, નકલી દવાઓ પર રોક લગાવો, જેવા સૂત્રોચ્ચારો સાથે વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓ હાથમાં બેનરો અને પોસ્ટરો લઈને સરકાર સામે પોતાની માંગણીઓ ઉગ્ર રીતે રજૂ કરતા નજરે પડ્યા હતા.
કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને માનદ મંત્રી અનિમેષભાઈ દેસાઈની આગેવાની હેઠળ આશરે 1600 જેટલા દવા વેપારીઓએ હડતાલને સફળ બનાવી હતી. આગેવાનોનું કહેવું હતું કે અનેક વખત સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ઓનલાઈન દવા વેચાણને કડક નિયંત્રણમાં લેવામાં આવ્યું નથી. જેના કારણે હવે કેમિસ્ટોને રસ્તા પર ઉતરી લડત આપવાની ફરજ પડી છે.
પ્રદર્શન દરમિયાન આગેવાનોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન દવા વેચાણને મંજૂરી મળ્યા બાદ અનેક બિનનિયમિત પ્લેટફોર્મ દ્વારા નિયમોના ભંગ સાથે દવાઓનું વેચાણ થઈ રહ્યું છે. ઓનલાઈન દવા વેચાણમાં દર્દીની સલામતી કરતાં વેપારને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ડોક્ટરની યોગ્ય પ્રિસ્ક્રિપ્શન વગર એન્ટિબાયોટિક્સ અને અન્ય ગંભીર દવાઓ સરળતાથી મળી જતી હોવાની બાબતને ગંભીર ગણાવવામાં આવી હતી. કેમિસ્ટોએ ચિંતા વ્યક્ત કરી હતી કે ઓનલાઈન પ્લેટફોર્મ પર દર્દીઓની વ્યક્તિગત અને ગોપનીય આરોગ્ય માહિતીનો દુરુપયોગ થવાની શક્યતા વધી રહી છે. દર્દીઓ કઈ બીમારી માટે કઈ દવા ખરીદી રહ્યા છે તેની માહિતી કોર્પોરેટ કંપનીઓના ડેટાબેઝમાં સંગ્રહિત થતી હોવાથી પ્રાઈવસીનો પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે. આ સાથે સમયમર્યાદા પૂર્ણ થયેલી, સબસ્ટાન્ડર્ડ અથવા નકલી દવાઓ દર્દીઓ સુધી પહોંચવાનો ખતરો પણ વધી રહ્યો હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું.
એસોસિએશને ખાસ કરીને GSR 817(E) નિયમનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે સરકાર આ નોટિફિકેશન પાછું ખેંચે અને ઓનલાઈન દવા વેચાણ પર કડક નિયંત્રણ લાદે. આગેવાનોનું કહેવું હતું કે દવા કોઈ સામાન્ય ચીજવસ્તુ નથી કે જેને ઓનલાઈન ડિસ્કાઉન્ટના નામે બેફામ વેચી શકાય. દવા સીધી દર્દીના આરોગ્ય અને જીવન સાથે સંકળાયેલી બાબત હોવાથી તેમાં કડક મોનીટરીંગ જરૂરી છે.
આ ઉપરાંત GSR 220(E) તા. 26-03-2020 હેઠળ સ્પ્યુરિયસ અને નકલી દવાઓના મુદ્દે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. એસોસિએશનના જણાવ્યા મુજબ ગેરકાયદેસર સપ્લાય ચેઇન અને શંકાસ્પદ સ્ત્રોતોથી દવાઓ બજારમાં પ્રવેશી રહી છે. જેના કારણે અસલી અને નકલી દવાઓ વચ્ચેનો ભેદ સામાન્ય દર્દી માટે સમજવો મુશ્કેલ બની રહ્યો છે. નકલી દવાઓના વધતા ખતરાને કારણે દર્દીઓના જીવ પર પણ ગંભીર જોખમ ઊભું થઈ શકે છે.
કેમિસ્ટોએ આક્ષેપ કર્યો હતો કે મોટા કોર્પોરેટ ગ્રુપ અને ઓનલાઈન કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટ અને આકર્ષક ઓફરોના નામે બજાર પર કબજો જમાવવાનો પ્રયાસ કરી રહી છે. જેના કારણે નાના અને મધ્યમ વર્ગના કેમિસ્ટોના ધંધા પર ભારે અસર પડી રહી છે. વર્ષોથી લોકોની સેવા કરતા સ્થાનિક મેડિકલ સ્ટોર માટે હવે અસ્તિત્વનો પ્રશ્ન ઊભો થયો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. આંદોલન દરમિયાન વેપારીઓએ એવો પણ મુદ્દો ઉઠાવ્યો હતો કે સ્થાનિક કેમિસ્ટ માત્ર દવા વેચનાર નથી, પરંતુ દર્દીઓને યોગ્ય માર્ગદર્શન આપનાર એક મહત્વપૂર્ણ કડી છે. ઘણી વખત રાત્રિના સમયે અથવા ઇમરજન્સીમાં નજીકનો મેડિકલ સ્ટોર જ દર્દી માટે જીવદાતા સાબિત થાય છે. જ્યારે ઓનલાઈન પ્લેટફોર્મ માત્ર બિઝનેસ મોડલ પર ચાલે છે અને દર્દીની તાત્કાલિક જરૂરિયાત કે માર્ગદર્શન પૂરુ પાડી શકતા નથી.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ હડતાલનો વ્યાપક પ્રભાવ જોવા મળ્યો હતો. અમરેલી, ભાવનગર, જામનગર, મોરબી, જુનાગઢ અને દ્વારકા જિલ્લામાં મોટા ભાગના મેડિકલ સ્ટોર દિવસભર બંધ રહ્યા હતા. કેટલાક વિસ્તારોમાં કેમિસ્ટોએ રેલી અને વિરોધ પ્રદર્શન પણ યોજ્યા હતા. વેપારીઓએ સરકારને ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
હડતાલને કારણે સામાન્ય દર્દીઓને થોડાક અંશે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ એસોસિએશન દ્વારા ઇમરજન્સી સેવાઓ માટે અલગ વ્યવસ્થા ગોઠવાતા ગંભીર દર્દીઓને રાહત મળી હતી. એસોસિએશને દર્દીઓને પડેલી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ લડત માત્ર કેમિસ્ટોના હિત માટે નહીં પરંતુ દર્દીઓની સુરક્ષા, અસલી દવાઓની ઉપલબ્ધતા અને આરોગ્ય વ્યવસ્થાની વિશ્વસનીયતા જાળવવા માટે લડી રહી છે. દવાના વેપારીઓએ અંતમાં સરકારને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે જો ઇ-ફાર્મસી અને ઓનલાઈન દવા વેચાણ સામે કડક નીતિ નહીં ઘડાય તો દેશવ્યાપી આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. રાજકોટના મોટી ટાંકી ચોકથી ઉઠેલો વિરોધનો અવાજ હવે સમગ્ર દેશમાં ગુંજી રહ્યો છે અને સરકાર માટે પણ આ મુદ્દો ગંભીર ચિંતા અને ચર્ચાનો વિષય બની ગયો છે.
અમરેલીમાં દવા બજાર બંધ ; ઇમરજન્સી દવાઓ માટે પાંચ મેડિકલ સ્ટોર ખુલ્લા રાખાયા
ઇ-ફાર્મસી અને ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં દેશવ્યાપી કેમિસ્ટ હડતાલના આહ્વાનને અમરેલીમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. અમરેલી શહેરમાં બુધવારે દવા બજાર સંપૂર્ણ બંધ રહ્યું હતું અને મોટાભાગના મેડિકલ સ્ટોર્સે સ્વૈચ્છિક રીતે શટર ડાઉન રાખી વિરોધ નોંધાવ્યો હતો. કેમિસ્ટોના આ બંધને કારણે શહેરમાં દિવસભર દવા બજારમાં સુનસાન માહોલ જોવા મળ્યો હતો. જોકે, દર્દીઓની મુશ્કેલીને ધ્યાનમાં રાખી જીવનજરૂરી અને ઇમરજન્સી દવાઓ મળી રહે તે માટે શહેરના કેટલાક પસંદગીના મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રાખવામાં આવ્યા હતા. તેમાં ટાવર પાસે આવેલ ન્યૂ મેડિકલ સ્ટોર, શાક માર્કેટ પાસેનો જનરલ મેડિકલ સ્ટોર, મોટા બસ સ્ટેશન સામે પટેલ મેડિકલ એજન્સી, ચિતલ રોડ પર ગોળ હોસ્પિટલ પાસે હરિ મેડિકલ સ્ટોર તેમજ ચક્કરગઢ રોડ ધાનાણી ચોક પાસે ગણેશ મેડિકલ સ્ટોરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સ્ટોર્સ પર જરૂરિયાતમંદ દર્દીઓને દવાઓ મળી રહે તેવી ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
અમરેલી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના આગેવાનો અને સભ્યો ભીડભંજન મહાદેવ મંદિર પાસે એકત્ર થયા હતા અને ઇ-ફાર્મસીના વિરોધમાં પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. જોકે, અન્ય શહેરોની સરખામણીએ અમરેલીમાં કોઈ રેલી, ધરણા, સૂત્રોચ્ચાર કે આવેદનપત્ર જેવા કાર્યક્રમો યોજાયા નહોતા. એસોસિએશને શાંતિપૂર્ણ રીતે બંધનું પાલન કરી વિરોધ નોંધાવવાનો નિર્ણય લીધો હતો.
કેમિસ્ટ આગેવાનોનું કહેવું હતું કે ઓનલાઈન દવા વેચાણના વધતા પ્રભાવને કારણે નાના કેમિસ્ટોના ધંધા પર અસર પડી રહી છે તેમજ બિનનિયમિત રીતે દવાઓના વેચાણથી દર્દીઓના આરોગ્ય માટે પણ જોખમ ઊભું થઈ રહ્યું છે. આ મુદ્દે સરકાર કડક પગલાં ભરે તેવી માંગ સાથે અમરેલીના કેમિસ્ટોએ દેશવ્યાપી હડતાલને સમર્થન આપ્યું હતું.
ભાવનગર-બોટાદમાં 1200થી વધુ કેમિસ્ટો બંધ
દેશભરમાં ગેરકાયદે ઈ-ફાર્મસી અને ઓનલાઈન દવા વેચાણની નીતિના વિરોધમાં આજે તા. 20 મેના રોજ રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધને ભાવનગર અને બોટાદ જિલ્લાના 1200થી વધુ હોલસેલ તથા રીટેલ કેમિસ્ટ્સે જોરદાર સમર્થન આપતાં દવાના વેપાર-ધંધા સંપૂર્ણપણે બંધ રાખ્યા હતા. ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની આગેવાની હેઠળ યોજાયેલા આ વિરોધ કાર્યક્રમમાં સ્થાનિક દવા વેપારીઓએ પણ મોટી સંખ્યામાં જોડાઈ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. સંગઠનના આગેવાનોના જણાવ્યા મુજબ હાલમાં ઈ-ફાર્મસીના નિયમોમાં રહેલી છટકબારીઓનો મોટા પાયે દુરુપયોગ થઈ રહ્યો છે. ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓનું વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે તેમણે જણાવ્યું હતું કે એક જ પ્રિસ્ક્રિપ્શનનો વારંવાર ઉપયોગ કરીને દવાઓ ખરીદવામાં આવી રહી છે, જે લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે.
વેપારીઓએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે મોટા કોર્પોરેટ ગૃહો ડિસ્કાઉન્ટ અને ઓફર્સના નામે ગ્રાહકોને આકર્ષી પરંપરાગત મેડિકલ સ્ટોર્સને નુકસાન પહોંચાડી રહ્યા છે. જેના કારણે નાના અને મધ્યમ વર્ગના દવા વેપારીઓના રોજગાર પર સંકટ ઊભું થયું છે.
સંગઠને સરકાર સમક્ષ ઈ-ફાર્મસીની ઓનલાઈન પ્રથાને તાત્કાલિક પાછી ખેંચવાની, તેમજ કોર્પોરેટ કંપનીઓને મળતી ડિસ્કાઉન્ટની છૂટ સામે તમામ કેમિસ્ટ્સ માટે સમાન હકોની નીતિ અમલમાં મુકવાની માંગ ઉઠાવી છે. આગેવાનોએ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો સરકાર દ્વારા ટૂંક સમયમાં કોઈ ઠોસ નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અચોક્કસ મુદતના આંદોલન સહિત વધુ ઉગ્ર કાર્યક્રમો જાહેર કરવામાં આવશે.
જુનાગઢના તમામ મેડિકલ સ્ટોર્સ હડતાલમાં જોડાયા
જુનાગઢ શહેર તેમજ જિલ્લાના તાલુકા મથકોમાં આજે ઓનલાઈન દવાના વેચાણના વિરોધમાં કેમિસ્ટોએ સંપૂર્ણ બંધ પાળ્યો હતો. ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના આહ્વાનને અનુસરી જુનાગઢના તમામ મેડિકલ સ્ટોરના વેપારીઓ હડતાલમાં જોડાતા શહેરમાં દવાની દુકાનો મોટાભાગે બંધ જોવા મળી હતી. અગાઉ આપવામાં આવેલા અલ્ટીમેટમ મુજબ કેમિસ્ટોએ એક દિવસીય બંધ પાળી સરકાર સમક્ષ પોતાની માંગણીઓ ઉગ્ર રીતે રજૂ કરી હતી.
કેમિસ્ટ એસોસિએશનના આગેવાનોના જણાવ્યા મુજબ કોરોના કાળ દરમિયાન લોકોને સુવિધા મળે તે માટે ઓનલાઈન દવા મંગાવવાની છૂટ આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ઓનલાઈન પ્લેટફોર્મ મારફત નકલી દવાઓના વેચાણમાં વધારો થયો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. વેપારીઓનું કહેવું છે કે સરકાર દ્વારા ઓનલાઈન દવાના વેચાણ ઉપર પૂરતું નિયંત્રણ લાદવામાં આવ્યું નથી, જેના કારણે દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં થવાની શક્યતા વધી રહી છે. આંદોલનકારીઓએ દાવો કર્યો હતો કે દેશભરમાંથી અત્યાર સુધીમાં અંદાજે 150 કરોડ રૂપિયાથી વધુ કિંમતની નકલી દવાઓ ઝડપાઈ ચૂકી છે. આવી પરિસ્થિતિમાં દર્દીઓના જીવન સાથે ખીલવાડ થતો અટકાવવા માટે ઓનલાઈન દવાના ગેરકાયદેસર વેચાણ સામે કડક કાયદો બનાવવાની તેમજ અસરકારક નિયંત્રણ વ્યવસ્થા અમલમાં મુકવાની માંગ કરવામાં આવી છે. હડતાલને પગલે સામાન્ય દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે કેટલાક વિસ્તારોમાં ઇમરજન્સી દવાની દુકાનોને બંધમાંથી મુક્તિ આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. તેમ છતાં શહેરમાં મોટાભાગની દવાની દુકાનો બંધ રહેતા લોકોમાં દવાઓ મેળવવા દોડધામનો માહોલ જોવા મળ્યો હતો.
દેશભરમાં કેમીસ્ટોની હડતાળથી લાખો મેડિકલ સ્ટોર બંધ, દર્દીઓ મુશ્કેલીમાં
ઓનલાઇન દવાઓના વેચાણના વિરોધમાં દેશભરના કેમીસ્ટો આજે એકજૂટ બની મેદાને ઉતર્યા હતા. ઓલ ઇન્ડિયા સ્તરે આપવામાં આવેલા બંધના એલાનને વ્યાપક સમર્થન મળતાં ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં લાખો મેડિકલ સ્ટોર બંધ રહ્યા હતા. પરિણામે સામાન્ય દર્દીઓથી લઈને ઇમરજન્સી સારવાર લેતા લોકોને દવાઓ મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
કેમીસ્ટ એસોસિએશનો દ્વારા ઓનલાઇન દવાઓના બેફામ વેચાણ સામે કડક નિયમો લાદવાની માંગણી સાથે 24 કલાકની રાષ્ટ્રવ્યાપી હડતાળ જાહેર કરવામાં આવી હતી. સંગઠનોનું કહેવું છે કે ઇ-ફાર્મસીના વધતા પ્રભાવને કારણે નાના અને મધ્યમ કક્ષાના મેડિકલ સ્ટોરના વ્યવસાય ઉપર ગંભીર અસર પડી રહી છે. સાથે સાથે ઓનલાઇન દવા વેચાણમાં દર્દીની સુરક્ષા, નકલી દવાઓ અને ડોક્ટરની સલાહ વિના દવા પહોંચાડવા જેવા મુદ્દાઓ પણ ગંભીર ચિંતાનો વિષય બન્યા છે.
દેશના અનેક શહેરોમાં સવારથી જ મેડિકલ સ્ટોરના શટર બંધ જોવા મળ્યા હતા. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જૂનાગઢ, અમરેલી સહિત ગુજરાતના શહેરોમાં પણ હડતાળને સારો પ્રતિસાદ મળ્યો હતો. ઘણા વિસ્તારોમાં દવા લેવા આવેલા દર્દીઓ અને તેમના પરિવારજનોને પરત ફરવું પડ્યું હતું. ખાસ કરીને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદયરોગ જેવા નિયમિત દવાઓ પર આધારિત દર્દીઓને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
કેમીસ્ટ એસોસિએશન દ્વારા જણાવાયું હતું કે લોકોની તાત્કાલિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને દરેક શહેરમાં કેટલીક પસંદગીની મેડિકલ દુકાનો ઇમરજન્સી સેવા માટે ખુલ્લી રાખવામાં આવી હતી. છતાં મોટાભાગના વિસ્તારોમાં દવાઓ મેળવવા માટે લોકોને લાંબી રાહ જોવી પડી હતી. કેટલાક શહેરોમાં હોસ્પિટલ નજીકની દુકાનો પર દર્દીઓની ભારે ભીડ પણ જોવા મળી હતી.
હડતાળ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં કેમીસ્ટો દ્વારા ધરણા, રેલી અને સૂત્રોચ્ચાર જેવા કાર્યક્રમો યોજાયા હતા. કેમીસ્ટ આગેવાનોનું કહેવું હતું કે સરકાર દ્વારા ઓનલાઇન દવાઓના વેચાણ માટે સ્પષ્ટ અને કડક નીતિ જાહેર ન થાય ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે. તેઓએ ઇ-ફાર્મસી માટે અલગ નિયમનકારી માળખું બનાવવાની અને પરંપરાગત મેડિકલ સ્ટોરના હિતોની રક્ષા કરવાની માંગ ઉઠાવી હતી.
આંદોલનના પગલે આરોગ્ય ક્ષેત્ર ઉપર પડતી અસરને લઈને દર્દીઓમાં પણ ચિંતા ફેલાઈ હતી. ખાસ કરીને નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલ સ્ટોર બંધ રહેતાં દર્દીઓને જરૂરી દવાઓ મેળવવા માટે એક શહેરથી બીજા શહેર સુધી જવું પડ્યું હતું.
કેમીસ્ટ સંગઠનોએ સરકારને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે. બીજી તરફ આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા નિષ્ણાતોએ આવશ્યક સેવાઓને અસર ન થાય તે માટે સરકાર અને કેમીસ્ટ સંગઠનો વચ્ચે વહેલી તકે સમાધાન લાવવાની જરૂરિયાત વ્યક્ત કરી છે.
હેલ્થ મિનિસ્ટર સમય ન આપતા નારાજગી
ઓનલાઇન દવાઓનો ગેરકાયદે વેપાર બંધ કરો, નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી
ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધમાં આજે દેશભરમાં કેમિસ્ટો દ્વારા એક દિવસનું ટોકન બંધ એલાન કરવામાં આવ્યું હતું. ગુજરાત કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઓનલાઈન દવાઓનો વેપાર ગેરકાયદેસર રીતે ચાલી રહ્યો છે અને તેને તાત્કાલિક અસરથી બંધ કરવો જોઈએ. આ મુદ્દે કેન્દ્ર સરકાર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન લોકો બહાર ન નીકળે અને જરૂરી દવાઓ ઘર સુધી સરળતાથી મળી રહે તે માટે ઓનલાઈન દવાઓની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોરોના બાદ સ્થિતિ સામાન્ય થઈ ગઈ હોવા છતાં ઓનલાઈન દવાઓનું વેચાણ યથાવત રાખવામાં આવ્યું છે, જે પરંપરાગત મેડિકલ સ્ટોર વ્યવસાય માટે ગંભીર પડકાર બની રહ્યું છે.
જશુભાઈ પટેલે આક્ષેપ કર્યો હતો કે, ઓનલાઈન દવાઓના વેપારમાં અનેક નિયમોનું પાલન થતું નથી અને દર્દીઓના આરોગ્ય સાથે પણ ચેડાં થવાની શક્યતા રહે છે. દવાઓ વેચાણ માટે જરૂરી લાયસન્સ, પ્રિસ્ક્રિપ્શન ચકાસણી અને દવાના સાચા સંગ્રહ જેવી બાબતોમાં ગેરરીતિ થતી હોવાની પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, આ મુદ્દે હેલ્થ મિનિસ્ટરને મળવા માટે વારંવાર પ્રયાસ કરવામાં આવ્યા છે, પરંતુ તેઓ ખૂબ વ્યસ્ત હોવાને કારણે સમય આપવામાં આવતો નથી. જેના કારણે કેમિસ્ટોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગુજરાત સહિત દેશભરના કેમિસ્ટોએ ચેતવણી આપી છે કે, જો ઓનલાઈન દવાઓના ગેરકાયદે વેપારને રોકવા માટે સરકાર ટૂંક સમયમાં યોગ્ય પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


