ચૂંટણીનું પોસ્ટ મોર્ટમ : રાજકોટ સહિત રાજયભરમાં આપ સમીક્ષા બેઠકો કરશે
6 થી 10 મે સુધી સમગ્ર ગુજરાતમાં આયોજિત થશે AAPની સમીક્ષા બેઠક: ચિત્રેશ અનાજવાલા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરાશે અને કાર્યકર્તાઓ તથા પદાધિકારીઓ પાસેથી સૂચન લેવાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પરીણામ જાહેર થયા છે. જેમાં આમ આદમી પાર્ટીનું જન સમર્થન વધ્યું છે અને મોટા ભાગના જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં સીટો જીતવામાં સફળતા મેળવી છે. ત્યારે આ જનસમર્થનને જાળવી અને વધારો કરવા તેમજ વિધાનસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારી કરવા માટે રાજકોટ સહિત રાજયભરમાં આપ દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રવક્તા ચિત્રેશ અનાજવાલાએ આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત સમીક્ષા બેઠક પર વાત કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો મુદ્દે આમ આદમી પાર્ટી સમીક્ષા કરશે. આજે તારીખ 6 મેથી આ સમીક્ષા બેઠક શરૂ થશે અને 10 મે સુધી આ સમીક્ષા બેઠક ચાલશે. ગુજરાતની તમામ નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમીક્ષા બેઠકમાં પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.
વધુમાં AAP પ્રદેશ પ્રવક્તા ચિત્રેશ અનાજવાલાએ જણાવ્યું હતું કે, આ સમીક્ષા બેઠકમાં કાર્યકર્તાઓ તથા સ્થાનિક પદાધિકારીઓ પાસેથી સૂચનો લેવામાં આવશે. ચૂંટણી દરમિયાન જો કોઈ પણ કાર્યકર્તા કે પદાધિકારીએ પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરી હોય તો તે વિશે પણ ચર્ચા કરવામાં આવશે અને એ મુદ્દે નિર્ણયો લેવામાં આવશે. સ્થાનિક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવેલા સૂચનો મુજબ આગામી સમયમાં પગલાં લેવામાં આવશે. સમીક્ષા બેઠકના અંતે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતૃત્વ દ્વારા આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે.


