ગીરમાં સિંહોના મોતથી રાજયભરમાં ઉચાટનો માહોલ
જંગલખાતુ એલર્ટ : ૨૦૦ કર્મચારીઓને ખડેપગે રખાયા, ૧૦ કિલોમીટરમાં સતત થતુ મોનિટરીંગ
રાજકોટ, જામનગર, કચ્છ, જૂનાગઢ અને સુરત જિલ્લામાંથી અનુભવી RFO , વનપાલ અને ફોરેસ્ટ ગાર્ડને ગીરમાં તૈનાત કરાયા : પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો વનવિભાગ-સરકારનો દાવો
અગ્ર ગુજરાત, અમરેલી
ગીર વિસ્તારમાં સિંહબાળના મોતના મામલે વન વિભાગે હાઈ-એલર્ટ જાહેર કરી મોટા પાયે મેગા ઓપરેશન શરૂ કર્યું છે. વન મંત્રી અર્જુન મોઢવાડીયા અને અગ્ર મુખ્ય વન સંરક્ષક ડો. જયપાલ સિંહે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરવાની સાથે વેટરનરી ડોક્ટરોના સામૂહિક રાજીનામા અને વાયરસના સંક્રમણ અંગે ચાલી રહેલી અટકળો પર સત્તાવાર મૌન તોડ્યું છે.
વન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં કુલ 7 સિંહબાળના મોત નોંધાયા છે. સાવચેતીના ભાગરૂપે ગીરગઢડા અને બાબરકોટ વિસ્તારની ૧૦ કિલોમીટરની ત્રિજ્યામાં વિશેષ સર્વેલન્સ ગોઠવી 17 સિંહોને આઈસોલેટ (અલગ) કરવામાં આવ્યા છે. વન વિભાગે સ્પષ્ટતા કરી છે કે, આ તમામ સિંહો હાલ સ્વસ્થ છે અને તેમનામાં કોઈ ગંભીર સંક્રમણના લક્ષણો નથી.
તપાસ અને બચાવ કામગીરીને વેગ આપવા માટે જામનગર, સુરત, રાજકોટ, કચ્છ અને જૂનાગઢ સહિત પાંચ જિલ્લાઓમાંથી ગીરના ભૌગોલિક વિસ્તારથી વાકેફ હોય એવા 200 જેટલા અનુભવી RFO, વનપાલ અને ફોરેસ્ટ ગાર્ડને ગીરમાં તહેનાત કરી દેવાયા છે.
વેટરનરી ડોક્ટરોની ટીમ દ્વારા લેવાયેલા સેમ્પલ ‘ગુજરાત બાયોટેકનોલોજીકલ રિસર્ચ સેન્ટર’ (GBRC) ખાતે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આગામી 3થી 4 દિવસમાં આવી જશે.
વનવિભાગ પાસે બેક પ્લાન તૈયાર
વન વિભાગે જણાવ્યું છે કે, તેઓ રિલાયન્સના ‘વનતારા’ પ્રોજેક્ટની ટીમ સાથે સતત સંપર્કમાં છે. હાલમાં વનતારાની સીધી મદદ લેવાની જરૂર પડી નથી, પરંતુ જો ભવિષ્યમાં પરિસ્થિતિ વણસે તો દેશ-વિદેશના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમને બોલાવવા માટેનો બેકઅપ પ્લાન પણ વન વિભાગે તૈયાર રાખ્યો છે. હાલમાં 12 વેટરનરી ડોક્ટરો ગીરમાં 24 કલાક ફરજ બજાવી રહ્યા છે.
સિનિયર અધિકારી ભવાની પતિ ગીરમાં
ગીર પૂર્વમાં થયેલા સિંહોના મોત બાદ પ્રથમવખત PCCF પોતે મેદાનમાં ઉતરતા સમગ્ર વિભાગમાં ગંભીરતા વધી છે. તમામ રેન્જમાં ફોરેસ્ટ સ્ટાફ, ટ્રેકર્સ અને એનિમલ કેર ટીમોને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. વન વિભાગ હાલ સિંહોની દરેક ગતિવિધિ, ખોરાક, વર્તન અને આરોગ્ય પર સતત નજર રાખી રહ્યું છે. ખાસ કરીને કોઈ વાયરસજન્ય ચેપ અથવા સંક્રમણના સંકેતો મળે તો તરત સેમ્પલિંગ અને સારવારની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. PCCF ભવાની પતીએ ધારી ગીર પૂર્વમાં આવેલ દલખાણીયા રેન્જ, હડાળા રેન્જ, ખાંભાના ભાણિયા સહિતના વિસ્તારોમાં સિંહબાળની વધુ ચકાસણી કરી હતી. તેમણે ધારીના આંબરડી સફારી પાર્કની હોસ્પિટલમાં પણ પહોંચીને તપાસ કરી હતી. આ ઉપરાંત, રાજુલાના ભેરાઈ-પીપાવાવ વિસ્તારમાં સિંહના ગ્રુપના તમામ વિસ્તારોમાં જાતે ચકાસણી કરવામાં આવી હતી.
જસાધાર એનિમલ કેર સેન્ટરમાં 22 સિંહ દેખરેખમાં
અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની સરહદે આવેલા ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં અત્યાર સુધીમાં 8 સિંહના મોત થયા છે. ત્યારે કુલ 22 સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હોવાનું વન વિભાગ દ્વારા જણાવાયું છે.


