ભાવનગરમાં રામ દરબારમાંથી પરત ફરતા કાકા-ભત્રીજાના અકસ્માતમાં કરૂણ મોત
બેકારૂ કારે બાઇકને હડફેટે લઇ બંધ ટેન્કર સાથે અથડાતા સર્જાયેલી કરૂણાંતિકા
અગ્ર ગુજરાત, ભાવનગર
ભાવનગર શહેરના રિંગ રોડ પર શ્રીજી પાર્ટી પ્લોટ સામે ગત(6 જૂન) મોડી રાત્રે પુરપાટ ઝડપે આવતી કારે બાઈક સવાર બે લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ કાર બંધ ટેન્કર સાથે અથડાઈ હતી. ઘટનામાં બંને બાઈક સવારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે કારમાં સવાર બે વ્યક્તિને પણ ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે કાકા-ભત્રીજો રામ દરબારમાંથી પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. એક જ પરિવારમાં બે મોતથી પરિવારમાં આક્રંદ છવાયો છે.
અકસ્માત બાદ કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડની સાઈડમાં ઉભેલા બંધ ટેન્કર પાછળ કાર ઘૂસી ગઈ હતી. કાર ટેન્કરમાં ઘૂસતા એટલો પ્રચંડ અવાજ આવ્યો કે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સ્થળ પર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.
બાઇક સવાર બેચરભાઈ ખાટાભાઈ બારૈયા (ઉ.વ 48, રહે. કૈલાશ સોસાયટી ઘોઘારોડ પ્લોટ નંબર 23) અને રાકેશભાઈ મનસુખભાઇ બારૈયા (ઉ.વ 28, રહે. બળવંતરાય સોસાયટી ઘોઘારોડ અકવાડા પ્લોટ નંબર 29) ના રહેવાસી જે બંનેના મોત નિપજ્યા છે.
મૃતક રાકેશના પિતાએ ભરતનગર પોલીસ મથકમાં GJ-19-BA-1603 કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓનો દીકરો રાકેશ તથા તેમનો નાનો ભાઈ બેચરભાઈ બંને તેમનું મો.સા.નં GJ-04-DK-9533 લઈને કાળીયાબીડ ખાતે રામ દરબારમાં ગયા હતા અને ત્યાંથી પરત ઘરે આવી રહ્યા હતા. આ દરિમયાન શહેરના રિંગ રોડ શ્રીજી પાર્ટી પ્લોટની સામે ફોરવ્હીલ નંબર GJ-19-BA-1603ના ચાલકે તેની કારને પુર ઝડપે બે ફિકરાઇથી ગફલતભરી રીતે ચલાવી તેમના દીકરા તથા ભાઈને અડફેટે લીધા હતા.
કાકા-ભત્રીજાને ટક્કર માર્યા બાદ કાર ચાલકે કાર રોડ સાઇડમાં પડેલી આર.એમ.સી. ટ્રક સાથે ભટકાડી હતી. જે ફરિયાદના અનુસંધાને ભરતનગર પોલીસે સ્વીફ્ટ કારના ચાલક સામે BNS કલમ 281, 106(1), 125(b), 324(4), તેમજ મોટર વાહન અધિનિયમ કલમ 177, 184 મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


