૫૦થી વધારે મુસાફરો ભરેલી સરકારી બસ રોંગ સાઇડમાં ખાઇમાં ખાબકી
સદનસીબે જાનહાની ટળી : રસ્તા પર અફરા-તફરીનો માહોલ સર્જાયો
અગ્ર ગુજરાત, વિરમગામ
વિરમગામ-સુરેલ રૂટની એસટી બસ ભોજવા કેનાલ પાસે પહોંચતાં સામેની તરફથી કાર વચ્ચે બુધવારે બપોરે 12-45 આસપાસ સામસામે ટક્કર થતાં અકસ્માત થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ વિરમગામ એસટી ડેપોમાંથી વિરમગામ-સુરેલ રૂટની બસ 12:30 કલાકે ઉપડી હતી, જેમાં આશરે 50 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા.
ભોજવા ગામથી આગળ એક કિલોમીટર અંતરે આવતી નર્મદા કેનાલના ગરનાળા પાસે પહોંચતા ગરનાળા ઉપરથી વિરમગામ તરફ આવી રહેલ ફોરવીલ કાર અને એસટી બસ સામસામે અથડાતાં ફોરવિલ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે એસટી બસ રોડ સાઈડની ખાઈમાં ઉતરી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારની આખી દિશા બદલાઈ ગઈ હતી. જ્યારે એસટી બસ પણ રોંગ સાઈડમાં ખાઇ માં ઉતરી ગઈ હતી. કારના ડ્રાઇવરે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો. કાર ખૂબ જ તેજ ગતિએ આવી રહી હતી. અકસ્માત સમયે કારમાં લાગેલા એરબેગ્સ ખુલી જતા ડ્રાઇવરનો જીવ બચી ગયો હતો.
કાર ચાલક નૈનેષભાઇ ગોહેલ હંસપુરા અમદાવાદનો રહેવાસી છે અને પાટડી કામઅર્થે આવેલ. ત્યાંથી પરત ફરતા અકસ્માત થયેલ. જેમાં હાથના ભાગે ફેક્ચર થયેલ. જ્યારે એસટી બસના ડ્રાઇવરને પણ હાથના ભાગે સામાન્ય ઇજાઓ થઇ હતી. {ટક્કર વાગતાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું.


